Home /News /north-gujarat /'રાજ્યના કન્ટેનમેન્ટ વિસ્તારમાં સંક્રમણ ઓછુ ન થાય ત્યાં સુધી પ્રતિબંધનું ચુસ્ત પાલન કરાશે'

'રાજ્યના કન્ટેનમેન્ટ વિસ્તારમાં સંક્રમણ ઓછુ ન થાય ત્યાં સુધી પ્રતિબંધનું ચુસ્ત પાલન કરાશે'

શ્રમિકો ધીરજ રાખે અને તંત્ર સાથે સંઘર્ષમાં ન ઉતરે તથા કાયદો હાથમાં ન લે તે જરૂરી છે. જો કાયદો હાથમાં લેશે તો ચલાવી લેવાશે નહીં.

શ્રમિકો ધીરજ રાખે અને તંત્ર સાથે સંઘર્ષમાં ન ઉતરે તથા કાયદો હાથમાં ન લે તે જરૂરી છે. જો કાયદો હાથમાં લેશે તો ચલાવી લેવાશે નહીં.

  ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યના કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સંક્રમણ જ્યાં સુધી ઓછું ન થાય ત્યાં સુધી તંત્ર દ્વારા લગાવેલા પ્રતિબંધોનું નાગરિકો ચુસ્ત પાલન કરે અને તંત્રને સહયોગ આપે તે અત્યંત અનિવાર્ય છે. આવા વિસ્તારોમાં સર્વેલન્સ વધુ સઘન બનાવીને દેખરેખ રાખવામાં આવશે.

  કન્ટેન્ટમેન્ટ ઝૉન એ નાગરિકોના સ્વાસ્થ્યના હિત માટે જ નિયત કરાયા છે. સંક્રમણ ઓછું થતાં જ આવા વિસ્તારોને નોર્મલ વિસ્તાર તરીકે જાહેર કરાય છે. ગઈકાલે રાજકોટના કન્ટેન્ટમેન્ટ જાહેર કરાયેલા જંગલેશ્વરમાં ઉભી કરાયેલ પતરાની આડશો તોડીને લોકોએ બહાર આવીને અવ્યવસ્થા સર્જી હતી તે સંદર્ભે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

  રાજ્યમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન જવા માટે રાજ્યમાં તંત્ર દ્વારા ઉત્તમ સગવડ કરવામાં આવી છે તેમ જણાવે છે ઝાએ ઉમેર્યું હતું કે, દેશભરના પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવા માટે જે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી છે તેમાં સૌથી વધુ ટ્રેનો ગુજરાતમાં દોડી છે, એટલે શ્રમિકોએ ધીરજ રાખીને તંત્રને આપવાની જરૂર છે. ટ્રેન ઉપરાંત બસો દ્વારા પણ શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. અન્ય રાજ્યોમાં જવા માટે સંબંધિત રાજ્ય અને રેલવે વિભાગની મંજૂરીઓ લેવાની થતી હોય થોડો વિલંબ થાય તે સ્વાભાવિક છે, પરંતુ આવા સંજોગોમાં શ્રમિકો ધીરજ રાખે અને તંત્ર સાથે સંઘર્ષમાં ન ઉતરે તથા કાયદો હાથમાં ન લે તે જરૂરી છે. જો કાયદો હાથમાં લેશે તો ચલાવી લેવાશે નહીં. રાજકોટના શાપર ખાતે શ્રમિકો માટે ટ્રેનની વ્યવસ્થા કરાઇ હતી પરંતુ આ ટ્રેન રદ્ થતાં શ્રમિકોએ કાયદો હાથમાં લઇ પોલીસ અને મીડિયાકર્મી પર હુમલો કર્યો હતો. આવું ગેરકાયદેસર કૃત્ય કરનારાઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

  શિવાનંદ ઝાએ ઉમેર્યુ કે, અમુક શ્રમિકો પગે ચાલીને અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે તેવા કિસ્સા ધ્યાને આવ્યા છે. તેમને જણાવવાનું કે જો અન્ય રાજ્યોની મંજૂરી ન હોય તો આપના વતન જઈ શકતો નહીં. એટલે આપ જ્યાં છો ત્યાં જ રહો અને પોલીસ કે તંત્રનો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવી દો, તો જ તંત્ર દ્વારા ટ્રેન કે બસની વ્યવસ્થા કરીને આપને આપના વતન પહોંચાડાશે. સ્થાનિક તંત્રને શેલ્ટર હોમમાં રાખવા તથા અન્ય સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા સૂચનાઓ આપી દેવાઇ છે.

  તેમણે ઉમેર્યું કે, દેશમાં આગામી ત્રણ દિવસમાં વાવાઝોડું આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેની અસર ઓરિસ્સાને થવાની સંભાવના હોઇ ઓરિસ્સા સરકાર દ્વારા આગામી ત્રણ-ચાર દિવસ સુધી શ્રમિકો માટેની ટ્રેનને મુલતવી રાખવા જણાવાયુ છે. એટલે ઓરિસ્સાની ટ્રેનો હાલ પૂરતી મુલતવી રખાઇ છે. ઓરિસ્સા જવા ઇચ્છતા શ્રમિકો ધીરજ રાખે. ત્યાંની વ્યવસ્થા રાબેતા મુજબ થતાની સાથે જ ફરીથી સંકલન કરીને યોગ્ય વ્યવસ્થા બનતી ત્વરાએ ગોઠવીને આપને આપના વતન મોકલવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે.

  શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૧૬૫ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૩,૪૦૦ ગુના દાખલ કરીને ૨૪,૦૦૯ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૧૦૪ ગુના નોંધીને ૯૯ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૩,૬૦૮ ગુના નોંધીને ૪,૭૪૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  શિવાનંદ ઝાએ કહ્યું કે, રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે આજદિન સુધીમાં ૭૪૪ ગુનામાં કુલ ૧,૦૨૩ લોકોની અટકાયત કરવામાં આવી છે.

  આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે આજ સુધીમાં ૮૨૪ ગુના દાખલ કરીને ૧,૬૭૯ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા અત્યાર સુધીમાં ૭૮૮ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.

  પોલીસ દ્વારા વિડિયોગ્રાફી, ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR), કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન તથા PCR વાનના માધ્યમથી ગઇકાલથી આજદિન સુધીના ૨૩૬ ગુના મળી કુલ અત્યાર સુધીમાં ૭,૬૨૪ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

  ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ૧,૬૮૨ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૬૧૬ ગુના તથા અન્ય ૬૯૧ ગુના મળી કુલ ૨,૯૮૯ ગુનાઓ દાખલ કરી કુલ ૩,૨૪૦ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૪,૩૬૮ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૭૦,૯૫૩ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ ૬,૦૮૫ અને અત્યાર સુધીમાં ૨,૫૩,૬૨૭ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन