ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બુધવારે "હું પણ કોરોના વોરિયર" અભિયાનની જાહેરાત કરી છે. લૉકડાઉન હળવું થયું હોવાથી લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને કોરોના વધુ ન ફેલાય એ માટે આ અભિયાન દ્વારા લોકજાગૃતિ આણવા પ્રયત્નો થશે. તારીખ 21થી 27 મે સુધી ચાલનારું આ અભિયાન ત્રણ મુદ્દા પર આધારિત હશે. 1. વડીલો અને બાળકોને ઘરમાં જ રાખીએ, 2. માસ્ક વિના અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવું અને 3. બે ગજનું અંતર જાળવવું. આ ત્રણ મુદ્દાઓના અભિયાનમાં અનેક મહાનુભાવો પણ જોડાશે. અભિયાન સંદર્ભે અનેકવિધ ઇન્ડોર-ઓનલાઈન પ્રવૃત્તિઓ પણ થશે. આ એક સપ્તાહનાં આ અભિયાનમાં કયા કયા મહાનુભાવો આમાં જોડાશે તે આજે જાહેર કરવામાં આવ્યું છે.
સીએમઓ ગુજરાતનાં ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 21થી 27 મેનાં એક સપ્તાહમાં સાંજે 6 કલાકે આમંત્રિત મહાનુભાવો ફેસબૂક લાઇવ દ્વારા લોકો સાથે જોડાશે અને વાર્તાલાપ કરશે. જેમાં મોરારિબાપુ, ગુણવંત શાહ, સચિન જિગર, આરતી અને આરોહી પટેલ, જય વસાવડા, ભાઇશ્રી રમેશભાઇ ઓઝા લોકો સાથે વાર્તાલાપ કરશે.
આ કાર્યક્રમ જાહેર કરતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, વર્ષો પછી આવી મહામારી આવી છે. લૉકડાઉનમાં જીવન અઘરું હતું. સરકારે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. લૉકડાઉન દરમિયાન છેવાડાના માનવી સુધી અનાજ પહોંચાડવામાં આવ્યું છે. એક જ મહિનામાં ચાર ચાર વખત અનાજ આપવામાં આવ્યું છે. 8 લાખથી વધુ શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 2 મહિના પછી નિયમોને આધિન લોકડાઉનની છૂટ આપવામાં આવી છે. ત્યારે કોરોના વોરિયર્સની ભૂમિકા મહત્વની બની જાય છે. અત્યારસુધી ઘરમાં હતા એટલે સુરક્ષિત હતા. હવે કોરોનાની સાથે જીવવાનું છે અને કોરોનાની સામે લડવાનું છે. કોરોના સામેનું યુદ્ધ આપણે બધાએ સાથે મળીને લડવાનું છે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું હતું કે, 2 મહિનાના લોકડાઉનમાં દરરોજનું કમાઈને ખાનારા, વેપારીઓ અને ધંધો કરતાં લોકોને તકલીફ પડી. આવા લોકો મજબૂતીથી ઉભા થાય તે માટે 1 લાખ રૂપિયાની લોન વાર્ષિક 2 ટકાના વ્યાજથી આપવાની યોજના કાલથી શરૂ થઈ રહ્યા છીએ. લોકો ઝડપથી ઉભા થાય અને 6 મહિના સુધી વ્યાજ ભરવું નહીં તેનો પીરિયડ આપ્યો છે. અને 3 વર્ષમાં પોતાની લોન ભરી દે તેવી વ્યવસ્થા કરી છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે તેના ઉપાયો કરવા પડશે. તેમાં લોકોને રસ પડે તે માટે ટાસ્ક પણ રાખ્યા છે. જેમાં 22 મેના રોજ દાદા-દાદી સાથે સેલ્ફી લઈ હું પણ કોરોના વોરિયર્સ હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં અપલોડ કરજો.