રાજ્યસભા ચૂંટણીમાં જો કોઇ ધારાસભ્ય પક્ષના આદેશથી વિપરીત વર્તન કરેશે તો શું થશે?

રાજ્યસભા ચૂંટણીમાં જો કોઇ ધારાસભ્ય પક્ષના આદેશથી વિપરીત વર્તન કરેશે તો શું થશે?
આજે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ખેલાશે ખરાખરીનો જંગ

કૉંગ્રેસ સતત આરોપ લગાવી રહ્યુ છે કે, ભાજપ સત્તાના જોરે રાજ્યસભામાં ઉભો રાખેલો તેઓનો ત્રીજો ઉમેદવાર જીતાડવા માટે ધમપછાડા કરી રહ્યું છે.

  • Share this:
ગાંધીનગર : આગામી 19 જૂને યોજાનાર રાજ્યસભાની ચૂંટણીનું રાજકારણ બરાબર ગરમાયુ છે. કૉંગ્રેસ સતત આરોપ લગાવી રહ્યુ છે કે, ભાજપ સત્તાના જોરે રાજ્યસભામાં ઉભો રાખેલો તેઓનો ત્રીજો ઉમેદવાર જીતાડવા માટે ધમપછાડા કરી રહ્યું છે. આ સાથે સતત કૉંગ્રેસનાં ધારાસભ્યોને શામ દામ દંડ ભેદની નિતીથી વશ કરવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. ભાજપની આ રીત સામે વાંધો ઉઠાવતા કૉંગ્રસના કેન્દ્રીય નેતૃત્તવએ અગાઉ ઇલેકશન કમિશનમાં ફરિયાદ પણ કરી છે. તેમજ હાલ કૉંગ્રસના તમામ ધારાસભ્યોને અમદાવાદ એરપોર્ટ રોડ પર આવેલી ઉમેદ હોટેલમાં ખસેડાયા છે.

કૉંગ્રેસને હાલ ભાજપ તેના વધુ ધારાસભ્યો તોડશે તેવો ડર છે , તો સાથે-સાથે કૉંગ્રસે પહેલો પ્રેફ્રન્શિયલ વોટ હાલ ભલે શક્તિસિંહને આપવાનો સૌને વ્હીપ આપ્યો હોય પરંતુ, તે આદેશની ઉપરવટ જઇને ભરતસિંહના સમર્થકો ભરતસિંહને વોટ કરશે તેવો પણ ભય છે. આ બંન્ને ભયને લઇને હાલ કૉંગ્રસના તમામ ધારાસભ્યોને એક સાથે એક હોટેલમાં રખાયા છે. એટલું જ નહી, ચૂંટણી પહેલા ફોન પાસે રાખવાની પણ મનાઇ ફરમાવવામાં આવી છે.મતદાન પહેલા ટુકડે ટુકડે કૉંગ્રસના આઠ ધારાસભ્યોએ રાજીનામુ આપી દેતા પાર્ટીને ફટકો પડ્યો છે. ચૂંટણીમાં પાર્ટીઓ દ્વારા પોતાના પક્ષના ઉમેદવારને મત આપવા માટે વ્હીપ પણ જારી કરવામાં આવતું હોય છે. ત્યારે સૌ કોઇને સવાલ થાય કે જો કોઈ ધારાસભ્ય આ વ્હીપનું ઉલ્લંઘન કરે તો શું થઈ શકે? વ્હીપના ઉલ્લંઘન માટે શું છે જોગવાઈ તે જાણીએ.

1- કોઇપણ ધારાસભ્યને પક્ષના દંડક દ્વારા જે વ્હીપ આપવામાં આવે છે તે પ્રમાણે બધા ધારાસભ્યોએ મતદાન કરવાનું હોય છે. જો દંડકે આપેલા વ્હીપનો અનાદર કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. ચૂંટાયેલા ધારાસભ્ય દંડકના વ્હીપનો અનાદર કરે તો તેની સામે ડિસ્ક્વોલીફીકેશનની કાર્યવાહી થઈ શકે છે. વિધાનસભા રાજ્યસભા અને લોકસભામાં ગેર લાયક ઠેરવવાની અંગે બંધારણના 10માં પરિશિષ્ટમાં જોગાવાઇ કરાઇ છે.

2- બંધારણના 10મા પરિશિષ્ટના ક્લોઝ-2 પ્રમાણે ચૂંટાયેલા પ્રતિનિધિએ પક્ષ દ્વારા નિમાયેલી વ્યક્તિ દ્વારા ચૂંટણીમાં કંઇ રીતે વર્તવું તેનો આદેશ અપાય તો આદેશનું પાલન કરવું એ પાર્ટીના ચિન્હ પર ચુંટાયેલા પ્રતિનિધિએ પાલન કરવુંએ બંધારણીય જોગવાઇ છે. જો ચૂંટાયેલા પ્રતિનિધિ તેની ચૂક કરે તો બંધારણના 10માં પરિશિષ્ટના ક્લોઝ-2 માં જોગવાઇ કરાઇ છે, કે જ્યારે ચૂંટાયેલા પ્રિતિનિધિ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરે અથવા પક્ષના આદેશની વિરૂધ્ધ મતદાન કરે તે સમયથી તે ગેરલાયક ઠરે છે.

3- ચુંટાયેલા પ્રતિનિધિઓએ દંડક દ્વારા અપાયેલા માર્ગદર્શન અને સુચનાઓનુ ચુસ્ત પણે પાલન કરવાનું હોય છે. આવા વ્યક્તિને હાઉસમાંથી દૂર કરવા માટે અધ્યક્ષને અરજી કરવાની હોય છે. જે અરજી પર વધુમાં વધુ બે મહિનામાં નિર્ણય કરવાનો હોય છે.

4- પોતાના જ પક્ષના બે ઉમદાવાર હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિ વ્હીપનો અનાદર કરે તો પણ આજ જોગવાઇ છે. વ્હીપમાં જો સ્પષ્ટ લખાયુ હોય કે અમુક ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ અમુક ઉમેદવારને મત આપવો એવા સમયે જો ચૂંટાયેલા પ્રતિનિધિ વ્હીપનો અનાદર કરે તો ડીસ્ક્વોલીફાય થઇ શકે છે. ગેરલાયક ઠેરવવાની અરજી ચૂંટાયેલા કોઇપણ પ્રિતિનિધિ દંડક કે પક્ષના વડા કરી શકે છે. અધ્યક્ષ જ્યારે અરજીનો નિકાલ કરે ત્યારે હારેલ પક્ષ કે ચૂંટાયેલા પ્રતિનિધિ તેને હાઇકોર્ટમાં પડકારી શકે છે. હાલ પણ અગાઉની રાજ્યસભા ચૂંટણીઓના કેસ ચાલી જ રહ્યા છે. અહેમદ પટેલ સામે બળવંત સિંહની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણીઓ ચાલી રહી છે. પરંતુ, મોટેભાગે એવુ બનતુ હોય છેકે સુનાવણીઓ લાંબી લાંબી ચાલે છે અને તે દરમ્યાન ચૂંટાયેલા પ્રતિનિધીની ટર્મ પણ પૂરી થઇ જતી હોય છે અને નવી ચૂંટણી આવીને ઉભી રહી જતી હોય છે.

તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

રાજ્યસભાની ચૂંટણીને સારી રીતે પાર પાડવા કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના કેન્દ્રીય ચૂંટણી પંચ સાથે વીડિયો કોન્ફરન્સનો દૌર આદરીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આગામી 19 જૂને ​રાજ્યની 4 રાજ્યસભાની બેઠક માટે ધારાસભ્યો મતદાન કરનાર છે. ચૂંટણીની સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મતદાન માટે વિધાનસભા બિલ્ડીંગના ચોથા માળે મુખ્ય બેન્કવેટ હોલમાં ખાસ મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે. આ મતદાન મથક પર મેડિકલ ટીમ હાજર રાખવામા આવશે. આ ટીમ મતદાન પૂર્વે ધારાસભ્યોના સ્કીનિંગ કર્યા બાદ જ મતદાન મથકમાં પ્રવેશ અપાવશે. સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવશે.

આ પણ વાંચો -  વડોદરા : સસરાની હત્યા કરતા પૂર્વે જમાઈ ગયો હતો કોલગર્લ પાસે, ત્યાં એને પણ કરી હતી લોહીલુહાણ

ક્વૉરન્ટાઈન થયેલા ધારાસભ્યોને પીપીઈ કિટ પહેરીને મતદાન કરાવાશે

સૂત્રોનુ માનીયેતો ભારતના ચૂંટણીપંચ દ્વારા જે ધારાસભ્યોને કોરોના થયો છે. તે અથવા ક્વૉરન્ટાઈન થયેલા ધારાસભ્યો છે તે તમામે પીપીઈ કિટ પહેરીને મતદાન કરવાની વિશેષ તૈયારી કરવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણીમાં પ્રોકસી મતદાનની કોઈ જોગવાઈ ન હોવાથી પ્રોકસી મતદાન નહી પરંતુ, સહાયક દ્વારા મતદાનની જોગવાઇ કરવામા આવી છે. પરસોતમ સોલંકી અને શંભુજી ઠાકોર તેમની નાદુરસ્ત તબિયત ને લઇને સહાયક દ્વારા મતદાન કરશે. પરસોતમ સોલંકીના સહાયક તરીકે હીરા સોલંકી વોટ કરશે. જયારે શંભુજી ઠાકોર માટે રજની પટેલ સહાયક તરીકે મતદાન કરશે.

આ પણ જુઓ  - 

સુપ્રીમ કોર્ટ દ્વારા જે ધારાસભ્યોના કોર્ટ કેસ ચાલે છે તે ધારાસભ્યોને મતદાન કરવાનો અધિકાર નથી તેવુ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મતદાન માટે મંજૂરી માગતી અરજીના જવાબમાં જણાવાયુ છે. આમ બે ધારાસભ્યોના કોર્ટ કેસ ચાલતા હોવાથી તે મતદાન કરી શકશે નહીં એટલે રાજ્યસભાની ચૂંટણીમાં 172 ધારાસભ્યો મતદાન કરશે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

 
Published by:News18 Gujarati
First published:June 18, 2020, 10:06 am

ટૉપ ન્યૂઝ