રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય: બીજા તબક્કામાં વધુ 2,409 ગામના ખેડૂતોને દિવસે વીજળી અપાશે

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય: બીજા તબક્કામાં વધુ 2,409 ગામના ખેડૂતોને દિવસે વીજળી અપાશે
ફાઇલ તસવીર

Gujarat Kisan Suryoday Yojana: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખેડૂતો માટેની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કાનો શુભારંભ કરાવશે.

  • Share this:
ગાંધીનગર: ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે (Saurabh Patel) કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryoday Yojana) હેઠળ બીજા તબક્કામાં રાજ્યના 30 જિલ્લાના વધુ 2,409 ગામના ખેડૂતોને દિવસે વીજળી (Electricity) આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળી આપવા માટે રૂ. 3500 કરોડની યોજનાનો શુભારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) દ્વારા 24મી ઓક્ટોબરના રોજ વર્ચ્યુઅલી જૂનાગઢ (Junagadh) ખાતેથી કરાવ્યો હતો. જેમાં પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1,055 ગામડાઓને આવરી લઇ 1 લાખ ખેડૂતોને લાભાન્વિત કરાયા છે. ધીમે ધીમે રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લઇને દિવસે વીજળી પૂરી પાડવાનું અમારૂ આયોજન છે.

આ બીજા તબક્કામાં રાજ્યના 30 જિલ્લાના 150 તાલુકાના 2,409 ગામડાના અંદાજે 1.90 લાખ ખેડૂતોને આવરી લઇ દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના 6 જિલ્લા, પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના 12 જિલ્લા, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 6 જિલ્લા અને મધ્ય ગુજરાત વીજ કંપની હેઠળના 6 જિલ્લાને આવરી લેવાશે. જેમાં 883 ફીડરો થકી ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે. આ માટે 375 મેગા વોટ વીજળીની જરૂરિયાત ઊભી થશે તેમ ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું.આ પણ વાંચો:  સ્કૂટર પર લાશ મૂકીને ફરી રહ્યો હતો વ્યક્તિ, CCTVમાં થયો ખુલાસો

ઊર્જા મંત્રી પટેલે ઉમેર્યું હતુ કે, રાજ્યમાં હાલ 152 ગ્રુપ છે, તેમાં અડધા ગ્રુપને દિવસમાં અને અડધા ગ્રુપને રાતના વીજળી પૂરી પાડવામાં આવે છે. હવે આ યોજના હેઠળ સવારે 5:00 વાગ્યાથી રાત્રિના 09:00 કલાક દરમિયાન વીજળી આપાશે. સોલાર પાવર ફક્ત દિવસના સમયગાળા દરમિયાન જ ઉપલબ્ધ હોય છે. આવનાર સમયમાં સૌર ઊર્જાની ઉત્પાદન ક્ષમતા વધવાથી દિવસમાં પાવરની ઉપલબ્ધતા વધશે. રાજ્યમાં હાલ 17.25 લાખથી વધુ કૃષિ વીજ ગ્રાહકો છે. જેમને 153 જૂથોમાં વહેંચીને 8400થી વધુ 11 કેવીના કૃષિ ફીડરો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ જૂથોને 24 કલાકમાં ત્રણ શીફ્ટથી થ્રી ફેઝ વીજ પુરવઠો અને 24 કલાક સિંગલ ફેજ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

આ પણ વાંચો: પૂર્વ ક્રિકેટર અઝરુદ્દીનની ચાલુ કારનું ટાયર નીકળ્યું, કાર બેકાબૂ બની ઢાબામાં ઘૂસી

આ જૂથોની એવી રીતે ફેરવણી કરવામાં આવે છે કે દરેક જૂથને અઠવાડિયા માટે દિવસના સમયગાળામાં ત્યારબાદના અઠવાડિયા માટે રાત્રિના કલાકો દરમિયાન અને પછીના બે અઠવાડિયા માટે આંશિક દિવસ અને આંશિક રાતના કલાકો દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. ખેડૂતોને રાત્રિ દરમિયાનના વીજ પુરવઠાના સમયે જીવ-જંતુ અને જનાવરનો ભય અને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. છેલ્લા કેટલાય વર્ષથી તેમના તરફથી દિવસે પાવર આપવાની રજૂઆત હતી તે પૂર્ણ થશે.

આ પણ વાંચો:  રાજકોટ: 31મી ડિસેમ્બર પહેલા પોલીસે 3.92 કરોડ રૂપિયાના દારૂ પર ફેરવ્યું બુલડોઝર

આ માટે જરુરી માળખાકીય નેટવર્ક ઊભું કરવા માટે 2020-21ના વર્ષના બજેટમાં આગામી ત્રણ વર્ષ માટે રૂ. 3500 કરોડની જોગવાઇની કરી છે. તેમણે ઉમેર્યુ કે ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે, આગામી સમયમાં રુપિયા 520 કરોડના ખર્ચે 11 નવા 220 કે.વી. સબસ્ટેશન, રુપિયા 2444.94 કરોડના ખર્ચે 254 નવી 220/132/66 કે. વી. લાઇન ઊભી કરવામાં આવશે.

આ પણ વાંચો: સુરત: ટ્રક ચાલકે અડફેટે લેતા યુવકનું મોત, લોકોએ ટ્રકને આગના હવાલે કરી દીધો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખેડૂતો માટેની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કાનો શુભારંભ કરાવશે. તદ્અનુસાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ત્રીજી જાન્યુઆરી, 2021ના રોજ સોમનાથ જિલ્લાના ઉના ખાતે, પાંચમી જાન્યુઆરીના રોજ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે, સાતમી જાન્યુઆરીના રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે અને નવમી જાન્યુઆરીના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ઉપસ્થિત રહી યોજનાનો શુભારંભ કરાવશે.
Published by:Vinod Zankhaliya
First published:December 30, 2020, 18:05 pm

ટૉપ ન્યૂઝ