રાજ્ય સરકારે પરિપત્રનો અમલ LRD ભરતી પૂરતો મોકૂફ રાખ્યો, બેઠકો વધારી છતાં આંદોલન યથાવત

રાજ્ય સરકારે પરિપત્રનો અમલ LRD ભરતી પૂરતો મોકૂફ રાખ્યો, બેઠકો વધારી છતાં આંદોલન યથાવત
નીતિન પટેલની ફાઇલ તસવીર

અનામત-બિનઅનામત વચ્ચેનાં વિવાદમાં મુખ્યમંત્રીનાં નિવાસે રવિવારે સમાજના આગેવાનો વચ્ચે દિવસભર બેઠકોનો ધમધમાટ બાદ આ નિર્ણય જાહેર કરાયો હતો

 • Share this:
  ગાંધીનગર : રાજ્ય સરકારે મહિલા અનામત અંગે તારીખ 1-8-2018નાં પરિપત્રનો અમલ એલઆરડી ભરતી પૂરતો મોકૂફ રાખીને 2150 બેઠક વધારીને 5227 બેઠક પર ભરતીની સમાધાન ફોર્મ્યુલા આંદોલનકારીઓ માટે જાહેર કરી છે. પરંતુ સરકારનાં આ નિર્ણય બાદ પણ આંદોલનકારીઓ પરિપત્ર રદ થાય તેવી જ માંગ કરી રહ્યાં છે. આ સાથે સરકારે નહિ 50 ટકા ગુણાંક અને 62.5 ટકા કટ ઓફ માર્ક્સ હશે તેવા અનામત- બિનઅનામત મહિલા ઉમેદવારોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ઠરાવ બાબતે મેટર સબજ્યુડિશ હોવાથી અત્યારે એલઆરડીને બાદ કરતાં કોઈ નવી ભરતી નહિ કરાય. અનામત-બિનઅનામત વચ્ચેનાં વિવાદમાં મુખ્યમંત્રીનાં નિવાસે રવિવારે સમાજના આગેવાનો વચ્ચે દિવસભર બેઠકોનો ધમધમાટ બાદ આ નિર્ણય જાહેર કરાયો હતો

  નીતિન પટેલે શું કહ્યું?  આ અંગે ગઇકાલે બેઠકોનાં ધમધમાટ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી હતી કે, એલઆરડી ભરતીમાં કોઈને મનદુખ ના થાય તે માટેનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એલઆરડી ભરતીમાં SC કેટેગરીમાં 346ની જગ્યાએ 588ની ભરતી થશે, ST કેટેગરીમાં 476માંથી 511 બહેનોને નોકરી મળશે, OBCમાં 1834ના બદલે 3248 બહેનોની ભરતી કરાશે, અને જનરલ કેટેગરીમાં 883 લોકોની ભરતી થશે. એટલે કે, કુલ 5227 કુલ જગ્યાઓ પર ભરતી રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, જૂના પરિપત્રને ધ્યાનમાં લેવામાં નહી આવે એટલે કે વર્ષ 2018નો પરિપત્ર માન્ય નહીં ગણાય. સરકારે તમામ વર્ગની મહિલા ઉમેદવારો માટે સમાન નિર્ણય લીધો છે. 62.5 ટકા સુધી તમામ મહિલા ઉમેદવારોની ભરતી કરાશે.

  રાજ્ય સરકારે1-8-2018નાં પરિપત્રના વિવાદ મુદ્દે વચગાળાનો રસ્તો કાઢી બેઠકો વધારવા સાથે 62.5 ટકા કટઓફ નક્કી કર્યું છે. પરંતુ સરકારનાં આ નિર્ણય સામે હજુ અનામત અને બિનઅનામત વર્ગની મહિલાઓનો રોષ ઓછો થયો નથી. જેથી ગાંધીનગર ખાતે ચાલી રહેલા અનામત અને બિન અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત છે.

  અનામત વર્ગમાં રોષ

  આ અંગે અનામત વર્ગની મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મહિલાઓએ રોષ સાથે જણાવ્યુ હતું કે, છેલ્લા 69 દિવસથી અમારું આ આંદોલન માત્ર નોકરી મેળવવા પૂરતુ મર્યાદિત નથી અમારું આંદોલન 1-8-2018નો ઠરાવ રદ કરવા માટેનું છે. અમને માત્ર લોલીપોપ બતાવીને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. મહત્વનું છે કે અનામત આંદોલનને હવે આદિવાસીઓએ ટેકો જાહેર કર્યો છે. જેનાથી આમાં નવો વળાંક આવ્યો છે. છેલ્લા 25 દિવસથી ખોટા પ્રમાણપત્ર રદ કરવાની માંગ સાથે આદિવાસીઓ આંદોલન કરી રહ્યાં છે. ત્યારે બંન્ને આંદોલનકારીઓએ હાથ મિલાવી દીધા છે.

  બિનઅનામત વર્ગ કરશે વિચાર

  બીજી તરફ બિનઅનામત વર્ગ છેલ્લા પાંચ દિવસથી આંદેલન કરી રહ્યાં છે. ગઇકાલે આમાંથી બે છોકરીઓની હાલત બગડતા તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. આજે સોમવારે બિન અનામત વર્ગની ઉમેદવારોએ વિવિધ સમાજનાં વર્ગો સાથે ચર્ચા કર્યા બાદ આંદોલન સમેટવું કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

  આ પણ વાંચો : અમદાવાદઃ મોદી અને ટ્રમ્પની ફ્રેન્ડશીપની થીમ ઉપર યોજાશે રોડ શો, 28 રાજ્યના લોકો રહેશે ઉપસ્થિત

  શું છે વિવાદ?

  1 ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 65 દિવસથી અનામત વર્ગની 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા

  ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.

  આ વીડિયો પણ જુઓ : 
  Published by:Kaushal Pancholi
  First published:February 17, 2020, 08:07 am

  ટૉપ ન્યૂઝ