ગુજરાતમાં સ્કૂલો ખૂલશે: વાલીઓની લેખિત સહમતિ અંગે શિક્ષણ મંત્રીની સ્પષ્ટતા

ગુજરાતમાં સ્કૂલો ખૂલશે: વાલીઓની લેખિત સહમતિ અંગે શિક્ષણ મંત્રીની સ્પષ્ટતા
ફાઇલ તસવીર

બાળકોના વાલીઓ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે સહમતિ પત્ર ભરાવીને સરકાર અને સ્કૂલના સંચાલકો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.

 • Share this:
  ગાંધીનગર: ગઈકાલે એટલે કે 11 નવેમ્બરના રોજ સરકાર તરફથી ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે આગામી 23મી નવેમ્બરથી રાજ્યમાં સ્કૂલો અને કૉલેજો (Gujarat to open Schools-Colleges)માં ખુલશે. જોકે, સ્કૂલો તેમજ વિદ્યાર્થીઓએ આ માટે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી SOP (Standard operating procedure)નું પાલન કરવું પડશે. સરકાર તરફથી ભૂપેન્દ્રસિંહે (Bhupendrasinh Chudasama) જાહેરાત કરતા એવું પણ જણાવ્યું હતું કે બાળકોને સ્કૂલે મોકલવા માંગતા વાલીઓએ આ માટે એક સહમતિ પત્ર (Consent Form) ભરીને આપવું પડશે. સરકારી એવી જાહેરાત બાદ વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. બાળકોના વાલીઓ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે સહમતિ પત્ર ભરાવીને સરકાર અને સ્કૂલના સંચાલકો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. આ મામલે આખા રાજ્યમાં ઉહાપોહ થયો છે. આ મામલે આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે સ્પષ્ટતા કરી છે.

  સરકારની સ્પષ્ટતા:  સહમતિ પત્ર મામલે સરકારે આજે સ્પષ્ટતા કહી છે કે ભારત સરકારની SOP પ્રમાણે જ વાલીઓની સહમતિ લેવામાં આવી રહી છે. બાળકોની સુરક્ષા સાથે કોઈ જ બાંધછોડ નહીં કરવામાં આવે. સરકાર પોતાની જવાબદારીમાંથી બિલકુલ છટકવા નથી માંગતી. બાળકોની સુરક્ષા એ સરકાર, સ્કૂલ સહિત આપણા તમામની જવાબદારી છે. ભારત સરકારની ગાઇડલાઈનમાં લેખિતની સહમતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશમાં જે પણ રાજ્યમાં સ્કૂલો ખુલી છે ત્યાં આ પ્રકારની જ સહમતિ લેવામાં આવી રહી છે.

  ભૂપેન્દ્રસિંહના કહેવા પ્રમાણે ગુજરાત પ્રથમ એવું રાજ્ય નથી જ્યાં સ્કૂલો ખૂલી છે. આ પહેલા હરિયાણા, જમ્મુ-કાશ્મીર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને બિહાર રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સ્કૂલો ખુલી છે. પંજાબ, હિમાચાલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઓક્ટોબરમાં સ્કૂલો શરૂ થઈ છે. આંધ્ર પ્રદેશમાં નવેમ્બરમાં સ્કૂલો ખુલી છે. તાલિમનાડુમાં 16મી તારીખથી સ્કૂલો ખૂલશે જ્યારે મહારાષ્ટ્રમાં આપણી સાથે એટલે કે 23મી નવેમ્બરના રોજ સ્કૂલો ખૂલશે. જ્યાં પણ સ્કૂલો ખુલી છે ત્યાં અભ્યાસક્રમ ચાલુ છે. ક્યાંક સ્કૂલો બંધ નથી કરવામાં આવી.

  કયા નિયમોને આધિન સ્કૂલ ખુલશે?

  >> તા. 23મી નવેમ્બર સોમવારથી રાજ્યનાં ધો-9 થી 12ના વર્ગો ભારત સરકારની એસ.ઓ.પી ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરી દેવાશે. કૉલેજોમાં પણ તા. 23મી નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે.

  >> કૉલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાઇનલ યરના જ કલાસ શરૂ કરવામાં આવશે.

  >> ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાઇનલ યર અને આઇ.ટી.આઇ. તથા પોલિટેકનીક કૉલેજીસ પણ તા. 23મી નવેમ્બર કાર્યરત થશે.

  >> શાળા-કૉલેજીસ શરૂ કરતાં પહેલાં દરેક સંકૂલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા, થર્મલ ગનથી વિદ્યાર્થીનું ચેકિંગ, સેનીટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.

  >> વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકૂલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે ઉપરાંત માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે.

  >> શાળા-કૉલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય તેની પણ ખાતરી કરવી પડશે.

  >> ભારત સરકારની એસ.ઓ.પી.ને અનુસરતાં રાજ્યમાં શાળા-કૉલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે.

  >> રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓને આ એસ.ઓ.પી સમાન રીતે લાગુ પડશે.

  >> બાકીના વર્ગો-ધોરણોના શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે.

  >> શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.

  >> શાળાએ આવવા માટે વિદ્યાર્થીના માતા-પિતા કે વાલીની લેખિત સહમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.

  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (ફાઇલ તસવીર)


  >> વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે તે જોવા પણ જણાવવામાં આવશે.

  >> વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું પડશે.

  >> શાળા-કોલેજ સંકૂલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સીપાલે ગોઠવવાનું છે.

  >> રાજ્ય સરકારે ઓડ ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણ કાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે.

  >> વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ શાળામાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠાં એસાઇનમેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.

  >> સામુહિક પ્રાર્થના-મેદાન પરની રમત-ગમત કે અન્ય સામુહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.

  >> વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

  >> જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ શાળા તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.
  Published by:Vinod Zankhaliya
  First published:November 12, 2020, 13:38 pm

  ટૉપ ન્યૂઝ