દેશમાં રસી આપવામાં ગુજરાત 'પ્રથમ ક્રમે', વધતા સંક્રમણને કારણે નાઇટ કર્ફ્યૂ અંગે લેવાયો મોટો નિર્ણય

દેશમાં રસી આપવામાં ગુજરાત 'પ્રથમ ક્રમે', વધતા સંક્રમણને કારણે નાઇટ કર્ફ્યૂ અંગે લેવાયો મોટો નિર્ણય
1લી માર્ચ, 2021ના રોજથી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા 45થી 59 વર્ષ ઉંમરના દર્દીઓને રસી અપાશે.

1લી માર્ચ, 2021ના રોજથી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા 45થી 59 વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા અને બીમારી અંગેનું પ્રમાણપત્ર દર્શાવનાર નાગરિકોને રસી આપવામાં આવશે.

  • Share this:
રાજયમા (Gujarat) કોરોનાના (Coronavirus) વધતા જતા કેસોને નિયંત્રણમા લેવા માટે રાજય સરકાર (Gujarat Gvernment) સતત પ્રયત્નશીલ છે ત્યારે સંક્રમણને રોકવા માટે રાજ્યના ચાર મહાનગરપાલિકામાં કેસોમાં વધારો ધ્યાને લેતા રાત્રી કરફ્યૂ (night curfew) 15 દિવસ માટે લંબાવવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયોની વિગતો ન્યૂઝ18ગુજરાતીને આપતા રાજયના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજયમાં સર્વેલંસ અને ધનવંતરી રથની કામગીરી સઘન બનાવવમાં આવશે.

રાત્રી કર્ફ્યૂ 15 દિવસ લંબાવવામાં આવ્યો



શુક્રવારે મળેલી બેઠકમાં કોરોના સંક્રમણ અટકાવવા ઘનિષ્ટ સર્વેલંસ કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રીનીગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ કોવિડ વેક્સિનેશન કામગીરીની સમીક્ષા કરી વેક્સિનેશન ઝડપથી પુર્ણ થાય તે અંગે સુચનાઓ પણ આપવામા આવી છે. ડૉ. જયંતી રવિએ ઉમેર્યુ હતું કે, મુખ્યમંત્રી દ્વારા કોર કમીટીના સભ્યો સાથે કોરોના કેસોની જિલ્લા/કોર્પોરેશન વાઇઝ સમીક્ષા કરવામાં આવી હતી અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં કેસો વધતા રાત્રી કર્ફ્યૂ 15 દિવસ લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં ફરી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ, અમદાવાદમાં ફરી ચિંતાનો માહોલ

ગુજરાત દેશમાં રસી આપવાની બાબતે પ્રથમ ક્રમે

આ બેઠકમાં કોવિડ-19 રસીકરણ, ફેઝ-2 માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 104 કોરોના સંક્રમણ તેમજ કોવિડ-19 રસીકરણ કોલ સેન્ટર તથા તમામ જિલ્લા/કોર્પોરેશનમાં રસીકરણ માટે કોલ સેન્ટર દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરીને કામગીરી વધુ સઘન કરવા પણ સૂચનાઓ અપાઇ હતી. આગામી સમયમાં રાજયના નાગરિકોને કોવિડ-19 રસી અંગે અને રસીકરણ બાદની આડ અસર અંગે મુંઝવતા પ્રશ્નો વિશે નિષ્ણાંતો દ્વારા માહિતગાર કરવા નિષ્ણાંતો સાથે ચર્ચા કરી સઘન કામગીરી કરાશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ 10 લાખ વસ્તીની સામે પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા કોવિડ-19ની રસી કોવિશિલ્ડના 15.70 લાખ જેટલા ડોઝ, જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિન રસીના 4.86 લાખ જેટલા ડોઝ પ્રાપ્ત થયા છે.

સુરતમાં કેજરીવાલે કહ્યું- 25 વર્ષમાં ભાજપે યુવાઓને નોકરી કેમ ન આપી? 5 વર્ષ આપો પાછળના 25 વર્ષ ભૂલી જશો

એક માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે રસી

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ આગામી તા. 1લી માર્ચ, 2021ના રોજથી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. 01.01.2022 સ્થિતિએ) તથા 45થી 59 વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-01.01.2022 સ્થિતિએ) અને બીમારી અંગેનું ( રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનરનું ) પ્રમાણપત્ર દર્શાવનાર નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, CGHS તથા PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. 100/- વહીવટી ખર્ચ અને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે. ડૉ. જયંતિ રવિએ કહ્યુ હતુ કે, બીજા તબક્કાના આ રસીકરણ અભિયાન માટે શરૂઆતના તબક્કે અંદાજીત 500 જેટલા સેન્ટર (સરકારી+ખાનગી) દ્વારા રસીકરણ કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ: તેમાં વધારો કરવામાં આવશે.



રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન સજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા 45-59 વર્ષના કોમોર્બીડ સ્થિતિ લાભાર્થીને રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનરનું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે. તમામ રસી લીધેલા લાભાર્થીઓને રસીકરણ થવા બાબતનું પ્રમાણપત્ર જે-તે રસીકરણના સ્થળેથી આપવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:February 27, 2021, 07:03 am

ટૉપ ન્યૂઝ