સાવધાન! રાજ્યના હોટસ્પોટ વિસ્તારોમાં બાજ નજર રાખવા માટે ડ્રોન કેમેરાની સાથે આવી તરકીબ અજમાવશે પોલીસ

સાવધાન! રાજ્યના હોટસ્પોટ વિસ્તારોમાં બાજ નજર રાખવા માટે ડ્રોન કેમેરાની સાથે આવી તરકીબ અજમાવશે પોલીસ
DGP શિવાનંદ ઝા

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારોમાં લોકોની અવરજવર પર દેખરેખ રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે.

  • Share this:
ગાંધીનગરઃ કોરોના વાયરસે (Gujarat) સમગ્ર ગુજરાતને પોતાના ચપેટમાં લઈ લીધું છે. જેના પગલે ગુજરાતમાં લોકડાઉન (lockdown) ચાલી રહ્યું છે. જ્યારે પોલીસ પણ લોકડાઉનનું પાલન કરાવવા માટે ખડેપગે છે. આ અંગે માહિતી આપતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ (DGP shivanad jha) જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનના (hotspot) વિસ્તારોમાં લોકોની અવરજવર પર દેખરેખ રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. આ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ વધારાશે તથા હાઈડ્રોજન ગેસના બલૂનનો પણ ઉપયોગ કરાશે. જે નિયત ઊંચાઈ પર રહેશે. જેમાં એક પી.ટી.ઝેડ કેમેરા અને બે થી ત્રણ સ્થિર કેમેરા લાગેલા હશે. જેમાંથી અસરકારક સર્વેલન્સ થઇ શકાશે. આ કેમેરા આઈ.પી. બેઇઝડમાં હોવાના કારણે તેના ફૂટેજ કંટ્રોલરૂમ અને ઉચ્ચ અધિકારીઓના મોબાઇલથી પણ જોઇ શકાશે. જેના લીધે સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓ સતત સુપરવિઝન કરી શકશે.

સંક્રમણને રોકવા માટે ક્વોરન્ટાઈનનું મહત્વ સમજાવતા ઝાએ ઉમેર્યું કે રાજ્યમાં લોકોની આંતર જિલ્લા અવર-જવર તથા અન્ય રાજ્યો કે વિદેશથી આવતા લોકો દ્વારા સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ હોય, આવા લોકોએ નિયત કરેલ ક્વોરન્ટાઈન સમય સુધી ક્વોરન્ટાઈનના કાયદાનું ચુસ્તપણે પાલન કરવું પડશે. અન્ય રાજયોમાંથી તબલીગી જમાતીઓ જે મંજૂરી સાથે તબક્કાવાર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આવ્યા હતા તે તમામને નિયમ મુજબ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. તે પૈકી ૧૨ લોકો કોરોનાગ્રસ્ત હોવાનું તબીબી પરિક્ષણમાં બહાર આવ્યું હતું.જોકે તે લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાથી અન્ય સંખ્યાબંધ લોકો સુધી સંક્રમણ રોકી શક્યા છીએ. મંજૂરી લઈને ગુજરાત પરત આવેલા તબલીગી જમાતીઓ પૈકી આંધ્રપ્રદેશથી ૨૩ લોકો જૂનાગઢ આવ્યા હતા. જેમાંથી એકને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એ ઉપરાંત મહારાષ્ટ્રથી ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં પરત આવેલા ૨૮ લોકો પૈકી ભાવનગરમાં ક્વોરન્ટાઈન થયેલા ૧૦ લોકો પોઝિટિવ હોવાનું તબીબી પરિક્ષણમાં બહાર આવ્યું છે. જ્યારે આંધ્રપ્રદેશથી વડોદરા જિલ્લામાં આવેલા તબલીગી લોકો પૈકી એક વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

કોરોના સંક્રમણને અટકાવવા માટેના પ્રયત્નોમાં અવિરત પણે ફરજ બજાવતા પોલીસ જવાનો, મેડિકલ સ્ટાફ સહિતના સરકારી કર્મચારીઓ ઉપર થતા હુમલાના બનાવમાં રાજ્ય સરકાર દ્વારા આરોપીઓ સામે પાસા સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તેની વિગતો આપતા શિવાનંદ ઝાએ જણાવ્યું કે કોરાના વૉરિયર્સ પરના હુમલાનાં વધુ છ બનાવોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ ૪-૪-૨૦૨૦ના રોજ થયેલ પોલીસ પરના હુમલામાં ત્રણ આરોપીઓ, રાજકોટ તાલુકા પોલીસ મથક વિસ્તારના પોલીસ હુમલામાં એક આરોપી, અમદાવાદ શહેરના ગોમતીપુર પોલીસ મથકમાં ગત તા. ૧-૪-૨૦૨૦ના બનાવમાં બે આરોપી, વિરમગામ પોલીસ મથકમાં તા. ૨૩-૪-૨૦૨૦ના બનાવમાં પાંચ આરોપી તેમજ પાટણ અને અમરેલી ખાતે જીઆરડી જવાન ઉપરના હુમલામાં એક-એક આરોપીની સામે પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલમાં મોકલી દેવામાં આવેલ છે.

લૉકડાઉનના અમલ બાદ કોરોના વોરિયર્સ ઉપર કુલ ૩૭ બનાવોમાં ગુના નોંધી ૮૮ આરોપીઓની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં પોલીસ જવાનો ઉપર હુમલાના ૨૬ બનાવો, જી.આર.ડી-હોમગાર્ડ ઉપરના ૬, મેડિકલ સ્ટાફ તથા મહેસુલ કર્મચારી ઉપરના હુમલામાં બે તથા આશાવર્કર ઉપર હુમલામાં એક બનાવનો સમાવેશ થાય છે તેમ શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું.

શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૧૯૨ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૨,૬૩૬ ગુના દાખલ કરીને ૨૩,૦૨૫ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૮૧ ગુના નોંધીને ૯૬ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૩૨૧૧ ગુના નોંધીને ૪૩૫૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

શિવાનંદ ઝાએ કહ્યું કે, રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે આજદિન સુધીમાં ૬૯૪ ગુનામાં કુલ ૯૫૭ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં ૭૭૮ ગુના દાખલ કરીને ૧૫૯૯ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા બદલ અત્યાર સુધીમાં આવા ૭૩૭ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વિડિયોગ્રાફી, નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) અને કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત આજદિન સુધીમાં ૬૫૧૮ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ૧૯૪૫ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૭૬૬ ગુના તથા અન્ય ૫૫૬ ગુના મળી અત્યાર કુલ ૩૨૬૭ ગુનાઓ દાખલ કરી કુલ ૩૭૫૩ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૫૬૫૩ વાહન જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૫૭,૯૮૯ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ ૫૭૫૪ અને અત્યાર સુધીમાં ૨,૨૯,૦૨૦ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.
Published by:News18 Gujarati
First published:May 13, 2020, 20:02 pm

ટૉપ ન્યૂઝ