ગુજરાત સરકારે (Gujarat Government) હવે ડ્રેગન ફ્રૂટનું (Dragon fruit) નામ બદલીને કમલમ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ફળ સ્વાસ્થ્ય (Healthy) માટે ખૂબ લાભદાયી છે. તેના નામને લઈને અનેક ગેરસમજો ઊભી થતી હતી. જેના પગલે ગુજરાત વન વિભાગ દ્વારા ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચને આ ફળનું નામ કમલમ કરવા એક દરખાસ્ત થઇ હતી. કચ્છના ખેડૂતોએ (Kutch Farmer) તે અંગે વિશેષ રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને 'કમલમ્ ફ્રૂટ' કરવાની જાહેરાત કરી દીધી છે. ડ્રેગન ફ્રૂટનું વૈજ્ઞાનિક નામ હિલોકેરેસ કેક્ટ્સ છે.
'આ ફળ મૂળ ચીનનું નથી'
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતુ કે, ડ્રેગન ફ્રૂટ એવું નામ શોભતું નથી. આ ફળ મૂળ ચીનનું નથી પરંતુ આપણે ત્યાં ઘણાં વર્ષોથી ઉગે છે. કેક્ટસ જેવા છોડ ઉપર ઉગતા આ ફળનો ચ્યવનપ્રાશ અને અન્ય ઔષધિઓમાં પણ ઉપયોગ થાય છે. જેથી અમે તેને નવું સંસ્કૃત નામ કમલમ આપ્યું છે. આ નામ માટેની પેટન્ટ મેળવવાની પ્રક્રિયા ચાલું છે. પેટન્ટ જ્યારે મળશે ત્યારે પણ અત્યારથી જ અમે તેને કમલમ તરીકે ઉલ્લેખવાનું શરૂ કરી દીધું છે.
'કચ્છમાં લગભગ 150 ખેડૂતો આ ફ્રૂટની ખેતી કરે છે'
ગુજરાતના જંગલ ખાતા દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ (ICAR)ને ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ્ કરવાની દરખાસ્ત મોકલવામાં આવી હતી. અધિકારીઓ અને ખેડૂતોનું કહેવું હતું કે, આ ફ્રૂટનો આકાર અને દેખાવ કમળ જેવો છે, તેથી તેનું નામ 'કમલમ્' રાખવું જોઈએ. જણાવી દઈએ કે, કચ્છમાં લગભગ 150 ખેડૂતો આ ફ્રૂટની ખેતી કરે છે. કચ્છમાં 275 એકરમાં ડ્રેગનનો મબલખ પાક લેવામાં આવે છે. સ્થાનિક ખેડૂતો દ્વારા ફળનું વિદેશી નામ હોતા કમલમ ફ્રૂટ તરીકે નામ રાખવા ગત જુલાઈએ સાંસદને રજૂઆત કરવામાં આવી હતી.
'ગુજરાત સરકાર પાસે કોઈ મુદ્દો નથી'
ડ્રેગન ફ્રુટને કમલમ નામ આપવા પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું કે, ગુજરાત સરકાર નામકરણ કરવામાં વ્યસ્ત છે. આ સરકારમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે ગુજરાત સરકાર પાસે કોઈ મુદ્દો નથી એટલે ફ્રુટના નામકરણ કરી રહ્યા છે.
કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે આ ફળ
રાજ્યમાં જ્યારે ડેંગ્યુ માથુ ઊંચકે ત્યારે ડ્રેગન ફ્રૂટની ડિમાન્ડ વધતી હોય છે. આ ફ્રૂટ પ્લેટલેટ કાઉન્ટ્સ વધારવામાં મદદરૂપ હોવાનું માનવામાં આવે છે. આ ફ્રૂટમાં ભરપૂર માત્રામાં એન્ટિ ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, પ્રોટીન, કેલ્શિયમ વગેરે મળે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમાં 90 ટકા પાણી હોય છે જે ચરબી ઘટાડવામાં મદદરૂપ છે. તેના બીજમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં મદદ કરે છે. ડ્રેગન ફ્રૂટમાં એવા કાર્બ્સ હોય છે જે કેન્સર જન્ય કોષોને વધતા અટકાવે છે. આ ઉપરાંત હાડકા નબળા પડી ગયા હોય તો ડ્રેગન ફ્રૂટ ખાવાથી ફાયદો થાય છે.
આ ઉપરાંત આ ફ્રૂટમાં સારા પ્રમાણમાં આયર્ન હોય છે. ઓછુ હિમોગ્લોબિન હોય તો આ ફ્રૂટ તે વધારવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન જરૂર તેનુ સેવન કરવું જોઈએ. તેનાથી રક્તકોષો વધે છે. સાથે જ તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ સારા પ્રમાણમાં મળે છે જે ગર્ભાવસ્થા દરમિયાન એનર્જી આપે છે અને પાચનમાં મદદ કરે છે. આ ફળ ડાયાબિટિસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે શુગરનું લેવલ જાળવી રાખવામાં મદદ કરે છે.