ગાંધીનગર: જાન્યુઆરી મહિનામાં રાજ્ય ચૂંટણી પંચ (Election Commission) સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Civic body polls) માટે જાહેરનામું બહાર પાડી શકે છે. ભાજપે (BJP) પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, અમદાવાદ (Ahmedabad City) અને ગાંધીનગર (Gandhinagar) કે જે મહત્ત્વની મહાનગરપાલિકામાની એક છે, અહીં ભાજપ હજુ સંગઠનનું નવું માળખું જાહેર કરી શકી નથી.
વિધાનસભામાં જીતનો સ્વાદ ચાખ્યા બાદ ભાજપે હવે પોતાનું લક્ષ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તરફ માંડ્યું છે. તમામ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ અત્યારથી જ કમર કસી છે. આગામી એક સપ્તાહમાં ભાજપ દ્વારા જિલ્લા સ્તરે બૃહદ સંકલન બેઠક યોજી સ્થાનિક પડકારો અને તેમના વિશે એક વિસ્તૃત રિપોર્ટ બનાવવાની સૂચના આપી દેવામાં આવી છે.
મહત્ત્વનું છે આગામી સમયમાં રાજ્યમાં છ મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 55 નગરપાલિકામાં ચૂંટણી યોજાશે. આ તમામમાં ભાજપ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી પડકાર જનક રહેશે. કારણ કે આ બંને જગ્યા પર ભાજપ હજુ સુધી તેમનું સંગઠન જાહેર કરી શકી નથી. ચૂંટણીનું સુકાન કોને સોંપવું એ એક મૂંઝવણનો વિષય છે. આ બંને વિસ્તાર પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સીધી નજર રહે છે. આ મામલે હવે વર્તમાન સંગઠન સાથે જ ચૂંટણીના મેદાનમાં આગળ વધવાનું ભાજપે નક્કી કર્યું છે.
આ પણ જુઓ- આ અંગે પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, 33 જિલ્લામાંથી 32 જિલ્લા અને 8 મહાનગરમાંથી 7 મહાનગરમાં પ્રમુખની નિમણૂક થઈ ગઈ છે. એક જિલ્લા અને એક મહાનગરની નિમણૂકનો નિર્ણય પણ યોગ્ય સમયે થઈ જશે. હાલ અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના વર્તમાન સંગઠન દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. હવે બંને જગ્યા પર ટીમનો આધાર ચૂંટનીના પરિણામ પર આધારિત છે.