રાજ્યમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત : તમામ ખેડૂતોને આવરી લેવાયા, કોઈ પ્રિમિયન નહીં ભરવું પડે

News18 Gujarati
Updated: August 10, 2020, 12:31 PM IST
રાજ્યમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત : તમામ ખેડૂતોને આવરી લેવાયા, કોઈ પ્રિમિયન નહીં ભરવું પડે
વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

આ યોજનાનો લાભ રાજ્યના નાના, મોટા, સીમાંત બધાજ ખેડૂતોને આવરી લેવાયા છે. એટલું જ નહીં, આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં.

  • Share this:
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) અને કૃષિ મંત્રી આર.સી. ફળદુ (RC Faldu)ની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ આ યોજનાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યુ હતુ કે, ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડૂતોને આર્થિક નુકસાન કરનાર પરિબળ છે. આવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ જેમાં રાજ્યના બધા જ ખેડૂતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલા પાક નુકસાન સામે યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યુ હતુ કે આ યોજનાનો લાભ રાજ્યના નાના, મોટા, સીમાંત બધા જ ખેડૂતોને આવરી લેવાયા છે. એટલું જ નહીં, આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. આ યોજના સરળ અને પારદર્શી છે. તેમણે જણાવ્યું હતુ કે એસ.ડી આર એફના લાભો યથાવત રાખીને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભ અપાશે. આ યોજના હેઠળ 1. અનાવૃષ્ટિ (દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ (માવઠું)ના જોખમોથી થયેલા પાક નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. આ ત્રણેય જોખમો સામે સહાયના ધોરણો અને અન્ય વિગતો નીચે પ્રમાણે રહેશે.

(આ પણ વાંચો : મંગળવારથી જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ 1,000 રૂપિયા દંડ)

1) અનાવૃષ્ટિ (દુષ્કાળ)

જે તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય અથવા રાજ્યમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (28 દિવસ) વરસાદ પડ્યો ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલા પાકને નુકસાન થયું હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.

2) અતિવૃષ્ટિ:તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં 48 કલાકમાં 25 ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસૂલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે

3) કમોસમી વરસાદ (માવઠું)

15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં મહેસૂલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું) નું જોખમ ગણવામાં આવશે.

કોને લાભ મળશે?

સમગ્ર રાજ્યમાં રેવન્યૂ રેકોર્ડમાં નોંધાયેલા તમામ 8-અ ધારક ખેડૂત ખાતેદાર તેમજ ફોરેસ્ટ રાઇટ એક્ટ(Forest Right Act) હેઠળના સનદ ધારક ખેડૂત લાભાર્થી ગણાશે. ખરીફ 2020થી યોજના અમલમાં મુકાશે. આ યોજનાના લાભ માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલું હોવું જોઈશે.

(આ પણ વાંચો : મુંબઈમાંથી 1,000 કરોડનું ડ્રગ્સ જપ્ત, અત્યારસુધી બે લોકોની ધરપકડ)

સહાયના ધોરણો શું રહેશે?

>> ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન 33% થી 60% માટે રૂ. 20,000/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
>> ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાન 60%થી વધુ નુકશાન માટે રૂ. 25000/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

યોજનાની અન્ય જોગવાઈ

>> આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.
>> ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે લેન્ડ રેકોર્ડ સાથે તથા સી.એમ. ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતું PORTAL તૈયાર કરાવવાનું રહેશે.
>> લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે
>> મંજૂર થયેલી સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.
>> લાભાર્થી ખેડૂતોનાં પ્રશ્નોનાં ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની વ્યવસ્થા ખાસ ઉભી કરવામાં આવશે.
>> ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર ઓન લાઇન અરજી કરવા માટે ખેડૂતોને અરજી કરવામાં સહાયરૂપ થવા ઇ ગ્રામ સેન્ટરના VLE ને એક સફળ અરજી દિઠ રૂ.8/- નું મહેનતાણું ચુકવાશે.
>> ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Published by: Vinod Zankhaliya
First published: August 10, 2020, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading