રાજ્યમાં પેટા ચૂંટણીની જાહેરાત: તમામ બેઠક જીતવાનો ભાજપ-કૉંગ્રેસનો દાવો, જાણો કઈ કઈ બેઠક પર યોજાશે ચૂંટણી

News18 Gujarati
Updated: September 29, 2020, 2:56 PM IST
રાજ્યમાં પેટા ચૂંટણીની જાહેરાત: તમામ બેઠક જીતવાનો ભાજપ-કૉંગ્રેસનો દાવો, જાણો કઈ કઈ બેઠક પર યોજાશે ચૂંટણી
બ્રિજેશ મેરજા, અમિત ચાવડા (ફાઇલ તસવીર)

સૂત્રો પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આઠમાંથી પાંચ બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ આપી શકે છે. અહીં એ નોંધવું રહ્યું કે, ગત પેટા ચૂંટણીમાં રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠક પરથી આયાતી ઉમેદવારની હાર થઈ હતી.

  • Share this:
ગાંધીનગર: ગુજરાતની આઠ બેઠક પર પેટા-ચૂંટણી (Gujarat Bylection)ની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આ તમામ બેઠક પર આગામી ત્રીજી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે, જ્યારે 10મી નવેમ્બરના રોજ ચૂંટણી પરિણામ (Gujarat By-poll Result) જાહેર થશે. ચૂંટણી જાહેરાત થતાં જ બંને પાર્ટી તરફથી જીતના દાવા કરવામાં આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda)ના કહેવા પ્રમાણે તમામ બેઠક પર કૉંગ્રેસ પાર્ટીનો વિજય થશે. બીજી તરફ કૉંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા (BJP Leader Brijesh Merja)એ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી તમામ બેઠક જીતી રહી છે.

આઠેય બેઠક જીતીશું: અમિત ચાવડા

"આઠેય બેઠક પર ચૂંટણીની તારીખ જાહેર કરવાના નિર્ણયને અમે આવકારીએ છીએ. આ આઠેય બેઠક પર પક્ષ અને પ્રજા સાથે દગો કરનાર લોકોને પાઠ ભણાવવાનું લોકોએ નક્કી કરી લીધું છે. જ્યારે જ્યારે જનાદેશનું અપમાન થયું છે ત્યારે પ્રજાએ તેનો પરચો બતાવ્યો છે. આઠેય પેટાચૂંટણીમાં પણ કાર્યકરો અને લોકો કૉંગ્રેસને આશીર્વાદ આપશે. આઠેય બેઠક પર કૉંગ્રેસનો વિજય થશે. ઉમેદવારની પસંદગી માટે અમારી પ્રભારી તમામનો અભિપ્રાય લઈ ચૂક્યા છે. આ મામટે યોગ્ય સમય નામ જાહેર કરવામાં આવશે."

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા-ચૂંટણી 3 નવેમ્બરે યોજાશે, 10 નવેમ્બરે પરિણામ

તમામ બેઠક જીતીશું: બ્રિજેશ મેરજા

મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા બ્રિજેશ મેરજાએ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી તમામ આઠેય બેઠક પરથી ચૂંટણી જીતી રહી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ બેઠક કૉંગ્રેસના ધારસભ્યોના રાજીનામા બાદ ખાલી પડી છે. ભારતીય જનતા પાર્ટીનો તમામ બેઠક પર જીતનો દાવો કરતા બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, "કેન્દ્ર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભારતીય જનતા પાર્ટીએ પાયાના કામ કર્યા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર પોતે ચૂંટણી લડતો હોય તેવા ઉત્સાહથી કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકોને વિશ્વાસ છે. આઠેય બેઠક પર જે પણ ઉમેદવાર ઊભો રહેશે તે ચૂંટણી જીતશે."બીજી તરફ સૂત્રો જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આઠમાંથી પાંચ બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ આપી શકે છે. જોકે, અહીં એ પણ  નોંધવું રહ્યું કે ગત પેટા ચૂંટણીમાં રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠક પરથી આયાતી ઉમેદવારની હાર થઈ હતી. રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડથી ધવલસિંહ ઝાલા ભાજપની ટિકિટ પરથી ચૂંટણી હારી ગયા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે ગઢડા, લીંબડી અને ડાંગ સિવાયની બેઠક પર ભાજપ આયાતી ઉમેદવારને જ ટિકિટ આપશે.

આ પણ વાંચો: સુરત: કોરોનાને હરાવીને ઘરે આવેલા કોર્પોરેટરના સ્વાગતમાં લોકોનો જમાવડો, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાં

કઈ બેઠક પર ચૂંટણી યોજાશે:

અબડાસા: આ બેઠક પર કૉંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ વિજેતા થયા હતા. તેમણે વિકાસ ન થતો હોવાનું કારણ ધરી અને પોતાની મૂળ પાર્ટી ભાજપમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ બેઠક પર તેઓ ઉમેદવાર માનવામાં આવે છે.

કપરાડા: કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી આ બેઠક પર ધારાસભ્ય હતા.જોકે, તેમને દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતા માનવામાં આવે છે અને તેઓ કૉંગ્રેસમાંથી લોકસભા પણ લડ્યા હતા.

કરજણ : કરજણ બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર અક્ષય પટેલ વિજેતા થયા હતા. તેમણે પણ કૉંગ્રેસનો સાથ છોડીને કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. અક્ષય આ બેઠક પર ભાજપના ઉમેદવાર માનવામાં આવે છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી

ગઢડા : ગઢડા બેઠક પરથી ભાજપના મંત્રી આત્મારામ પરમારને હરાવીને પ્રવિણ મારૂ વિજેતા થયા હતા. મારૂએ પણ રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસને અલવિદા કહેતા આ બેઠક ખાલી પડી હતી.

મોરબી: મોરબી બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં મૂળ ભાજપના જ નેતા એવા બ્રિજેશ મેરજા જીત્યા હતા. મેરજાએ કૉંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જોકે, આ બેઠક પર ભાજપના જ ઉમેદવાર કાંતિ અમૃતિયાએ વિરોધનો સૂર નોંધાવ્યો હતો.

ધારી: આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જે.વી.કાકડિયાનો વિજય થયો હતો.તેમણે રાજ્યસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસ છોડી અને ભાજપનો ખેંસ ધારણ કરી લેતા અહીંયા પેટા ચૂંટણી યોજાશે.

લીંબડી: લીંબડી બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડાની જીત થઈ હતી. જોકે, તેઓ મૂળ જનસંઘી અને ભાજપી છે અને તેમણે કૉંગ્રેસનો સાથ છોડી દીધો છે. જોકે, તેઓ વિધાનસભાની પેટાચૂંટણી ભાજપમાંથી લડશે કે નહીં તે નિશ્ચિત નથી.

ડાંગ : ડાંગના ધારાસભ્ય ડૉ.મંગળ ગાવિતે કૉંગ્રેસમાંથી રાજીનામુ આપી સીટ છોડી હતી. જોકે, મંગળ ગાવિત ભાજપમાં જોડાયા નથી. આ બેઠક પર ભાજપ ઉમેદવાર ન ગોઠવે અને ગાવિતને ટેકો આપે તેવી વકી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 29, 2020, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading