પેટા-ચૂંટણી : ધારી બેઠક પર ભાજપ-કૉંગ્રેસ 'મહિલા કાર્ડ' રમે તેવી શક્યતા

પેટા-ચૂંટણી : ધારી બેઠક પર ભાજપ-કૉંગ્રેસ 'મહિલા કાર્ડ' રમે તેવી શક્યતા
પ્રતિકાત્મક તસવીર

ભાજપ જો આ બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ આપશે તો કૉંગ્રેસ પણ આ બેઠક પરથી મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારશે.

  • Share this:
ગાંધીનગર : રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election) વખતે કૉંગ્રેસના ધારાસભ્યો (Congress MLA)ને રાજીનામું ધરી દેતા આઠ બેઠક પર પેટા ચૂંટણી (Gujarat Bypoll) યોજાનાર છે. જેના પગલે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી (BJP-Congress Election Preparation) માટે તૈયારીઓ આદરી છે. પેટા ચૂંટણીમાં ધારી બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani)ના ગઢમાં ગાબડું પાડવા ભાજપ વેતરણમાં છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી સંભાવનાઓ છે.

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ધારીના કૉંગ્રેસના ધારાસભ્યો જે.વી. કાકડિયાએ રાજીનામું આપતાં હવે આ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયા હવે ભાજપમાં જોડાયા છે. જોકે, આ વખતે તેઓ ચૂંટણી નહીં લડે પરંતુ પોતાના પત્નીને પાર્ટી ટિકિટ આપે તેવી મહેનત કરી રહ્યા છે.અમરેલી જિલ્લો કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનો ગઢ છે. આ ગઢમાં ગાબડું પાડવા માટે ભાજપે મથામણી શરૂ કરી દીધી છે. એટલા માટે જ ધારી બેઠકને સર કરવા જે.વી. કાકડિયાના પત્નીને ટિકિટ આપવા ભાજપ વિચારી રહ્યું છે.

બીજી તરફ કૉંગ્રેસ પણ મહિલા ઉમેદવાર ઉતારવાની દિશામાં વિચારણા કરી રહ્યું છે. જો ભાજપ મહિલાકાર્ડ ખેલશે તો કૉંગ્રેસ પણ ધારાસભ્ય મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારશે. કૉંગ્રેસમાંથી વિરજી ઠુંમરની દીકરી જેની ઠુંમરને મેદાનમાં ઉતારવામાં આવે તેવી સંભાવના છે.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની ફાઇલ તસવીર


ભાજપના ચૂંટણી નિરીક્ષકો વિધાનસભા મતવિસ્તારમાં જશેગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે પ્રદેશ ભાજપે તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. જે અંતર્ગત રાજ્ય સભાની ચૂંટણીમાં કૉંગ્રેસ છોડનાર 5 ધારાસભ્યોને ભાજપમાં સમાવી લેવાયા છે. જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે.

પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પાંચયે પૂર્વે ધારાસભ્યોને પેટા ચૂંટણીમાં ભાજપ ટિકિટ આપવામાં જઈ રહી છે. પરંતુ તે પૂર્વે સ્થાનિક સંગઠનમાં કોઈ વિરોધ અથવા નારાજ ન થાય તેનું પણ ધ્યાન પ્રદેશ ભાજપ તરફથી રાખવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આ તમામ વિધાનસભા બેઠક માટે ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પસંદ કરાયેલા મંત્રી તથા સંગઠનના હોદ્દેદારની નિરીક્ષક ટીમ શનિવારથી વિધાનસભાના પ્રવાસનો પ્રારંભ કરશે.

જીતુ વાઘાણી (ફાઈલ ફોટો)


અબડાસા વિધાનસભામાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, કરજણ વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી શબ્દસરણ બ્રહ્મભટ્ટક, કપરાડા વિધાનસભામાં રાજ્ય મંત્રી ઈશ્વર સિંહ પટેલ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મોરબી વિધાનસભા બેઠકમાં કેબિનેટ સૌરભ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, ધારી વિધાનસભા માટે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ અમરેલી જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી શનિવારે પ્રવાસ કરશે.

બીજી તરફ લીમડીના ધારાસભ્ય સોમા પટેલ, ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ અને ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત હજુ સુધી ભાજપમાં જોડાયા નથી. જોકે, પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર સોમા પટેલ અને પ્રવીણ મારુ ભાજપમાં જોડાશે તો પણ તેમને ટિકિટ નહિ મળે. કારણ કે આ બંને પૂર્વે ધારાસભ્યો પોતાના માટે બોર્ડ નિગમની માગણી કરી રહ્યા છે. એટલા માટે જ આ બેઠકો પર નિરીક્ષકોનો પ્રવાસ ખૂબ મહત્ત્વનો સાબિત થશે.

વીડિયો જુઓ : ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગઢડા વિધાનસભા માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવડિયા, ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, ડાંગ વિધાનસભા માટે કેબિનેટ મંત્રી ગણપત વસાવા અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને લીમડી વિધાનસભા બેઠક માટે કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી નીતિન ભારદ્વાજ શનિવારે પોતાનો પ્રવાસ શરૂ કરીશે. આ અંગેનો રિપોર્ટ તેઓ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને સોંપશે.
Published by:Vinod Zankhaliya
First published:July 02, 2020, 10:45 am

ટૉપ ન્યૂઝ