પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ ચાલુ રહેશે: વિજય રૂપાણી

પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ ચાલુ રહેશે: વિજય રૂપાણી
વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ, રાજ્યમાં પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિત સારવારની તમામ સુવિધા ઉપલબ્ધઃ વિજય રૂપાણી

 • Share this:
  ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ (Coronavirus Cases in Gujarat) સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલા ભર્યા છે, જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેર (Ahmedabad City)માં વીકએન્ડ કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ (Night Curfew) લગાવવામાં આવ્યો છે, જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી છે, જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.

  મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારવામાં આવી છે. હાલમાં લગભગ 55 હજાર આઈસોલેશન બેડ ઉપલબ્ધ છે, જેમાં 85 ટકા એટલે કે લગભગ 45 હજાર બેડ ખાલી છે. કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે 108ની એમ્બ્યુલન્સ સેવા વધુ પ્રભાવિ બનાવવામાં આવી છે. જેથી કરીને કોરોના સંક્રમિત દર્દીઓને યોગ્ય હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળી રહે આ ઉપરાંત 104 હેલ્પલાઈન દ્વારા લોકોને ઘરે બેઠા કોવિડ સંબંધિત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેનો અત્યાર સુધીમાં 2 લાખ 78 હજારથી વધુ લોકોએ લાભ લીધો છે. બોન્ડ ધરાવતા ડૉક્ટરોને એપીડેમિક એક્ટ અંતર્ગત તાત્કાલિક હાજર થવા જણાવાયું છે. જનરલ સર્વેલન્સ અને કોમ્યુનિટી સર્વેલન્સ ટીમોની સંખ્યા મોટા પ્રમાણમાં વધારવામાં આવી છે.  આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાનો ભરડો: ખાનગી હૉસ્પિટલોમાં ફક્ત 143 બેડ જ ખાલી!

  વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે, કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે 1,100 ધનવંન્તરી રથ કાર્યરત હતા જેની સંખ્યા વધારીને 1700 કરવામાં આવી છે. આ રથ દ્વારા ડોર સ્ટેપ ઓપીડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે ખૂબ લોકપ્રિય બની છે. આ સેવાનો અત્યાર સુધીમાં 1.52 લાખ લોકોએ લાભ લીધો છે, જેમાં શરદી, ઉધરસ સહિત વિવિધ રોગોના દર્દીઓ સામેલ છે.

  ગુજરાત સરકારે રાજ્યમાં RT-PCR ટેસ્ટીંગ અને એન્ટીજન ટેસ્ટિંગનું પ્રમાણ મોટી માત્રામાં વધાર્યું છે, જે અંતર્ગત ગઈકાલે લગભગ 70 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે સંજીવની કોરોના ઘર સેવા - હોમ આઈસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 700 સંજીવની રથના માધ્યમથી દૈનિક ત્રણ હજાર કોલ્સ ઉપર સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમાં ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની દૈનિક દેખભાળ કરીને તેમનો ઘરે બેઠા સારવાર આપે છે જ્યારે કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે.

  આ પણ વાંચો: રાજ્યમાં અકસ્માતના એક પછી એક બનાવો, જૂનાગઢ અને કચ્છમાં બે-બે લોકોનાં મોત

  અમદાવાદ શહેરમાં 125થી વધારે કિયોસ્ક અને 74 અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હાઈવે, રેલ્વે સ્ટેશન, કોમર્શિયલ બિલ્ડીંગો જેવા સ્થળોએ પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે 11 લાખ ટેસ્ટ વિવિધ સ્થળોએ કરવામાં આવ્યા છે.

  આ પણ જુઓ-

  મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરના વરિષ્ઠ નાગરિકોને કોવિડથી બચાવવા અને તેમને યોગ્ય ઈલાજ માટે વડીલ સુખાકારી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા અંતર્ગત વડીલોના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરીને દવાઓ આપવામાં આવે છે. આ સેવાનો અત્યાર સુધીમાં 18 હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો છે, એટલે કે ગુજરાત સરકાર રાજ્યમાં કોરોનાનું સંક્રમણને રોકવા અને કોરોના સંક્રમિત દર્દીઓને સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:November 24, 2020, 14:14 pm

  ટૉપ ન્યૂઝ