ગાંધીનગર : કોંગ્રેસના રાષ્ટીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે રાજ્યનાં મુખ્યમંત્રીને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રીએ વિદેશથી નવા ઉદ્યોગો ગુજરાતમાં આવે તે માટે જાહેરાતો કરી છે. તેનાથી ખૂબ જ આશ્ચર્ય અને આઘાત લાગ્યો.
તેમણે વધુમાં જણાવ્યું કે, વિદેશથી આવતા ઉદ્યોગકારો માટે જે જાહેરાતો કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે 'ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો'. વિદેશથી આવતા ઉદ્યોગકારો માટે ઓનલાઇન વ્યવસ્થા કરીને 7 જ દિવસમાં તમામ મંજૂરીઓ આપી દેવાની જે જાહેરાત કરવામાં આવી છે તેના બદલે હાલમાં આપણાં ગુજરાતના નાના અને લઘુ ઉદ્યોગો જે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેના માટેની ચિંતા કરવી જોઇએ.
શક્તિસિંહ ગોહિલનું માનવું છે કે, 'નવા વિદેશથી આવતા ઉદ્યોગો માટે 33,000 હેકટર જમીન અને એ પણ પ્લગ અને પ્રોડ્યૂસ સુવિધા સાથે આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. હકીકતમાં આપણાં ઉદ્યોગો કોરોના વાયરસ, નોટબંધી અને વધારે પડતા GSTના કારણે અતિશય મુશ્કેલીમાં આવી ગયા છે તેવા આપણાં સ્થાનિક ઉદ્યોગોને વધારે લાભ આપવો જોઈએ. નહીં કે, નવા વિદેશથી ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરવી જોઇએ. વિદેશથી નવા આવનાર ઉદ્યોગોને શ્રમિકોનું શોષણ કરવાની પુરી પરવાનગી આપવાની હોય તે રીતે ત્રણ કાયદાઓ છોડીને તમામ સમૂહ કાયદાઓમાંથી નવા ઉદ્યોગોને 1200 દિવસ સુધીની છૂટ આપવામાં આવી છે જે આપણા શ્રમિકો માટે ઘાતક પુરવાર થશે.'
આ પણ વાંચો - અમદાવાદને 6 લાખ લિટર પાણીમાં દવાનું મિશ્રણ કરી ફાયર બ્રિગેડે કર્યુ સેનિટાઇઝ
તેમણે વધુમાં કહ્યું કે, 'રાજ્ય સરકારનો આ વિદેશથી આવતા ઉદ્યોગો માટેનો પ્રેમ એ આપણાં ગુજરાતના ઘરેલું ઉદ્યોગોને પડયા પર પાટુ મારવા સમાન બની રહેશે. આથી તાત્કાલીક અસરથી આ બધી વિદેશથી આવતા ઉદ્યોગો માટેની મહેરબાની બંધ કરીને આપણાં સ્થાનિક ઉદ્યોગો ટકી રહે તે માટેની વિચારણા થાય અને આપણા ગુજરાતના ઉદ્યોગો ને તાત્કાલિક સ્ટિમ્યુલસ પેકેજ આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે.'
આ પણ જુઓ -