ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ રાજ્યમાં કોરોના સંક્રમિતોને શ્રેષ્ઠ સારવાર, દવાઓ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સંવેદનશીલ ભાવ સાથે મુખ્યમંત્રી રાહતનિધિ (CM Relief Fund)માં કોરોના માટે વિશેષ ફંડ-દાન ભંડોળ અંગે રાજ્યના નાગરિકોને કરેલી અપીલનો વ્યાપક પ્રતિસાદ સાપડ્યો છે. મુખ્યમંત્રી રાહતનિધીમાં કોરોના(Coronavirus) સામેનો જંગ લડવા પ્રાપ્ત થયેલા દાન ભંડોળમાંથી વિજયભાઇ રૂપાણીએ અત્યાર સુધીમાં રૂ. 244 કરોડ રૂપિયા રાજ્યના શહેરો સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારના નાગરિકોના કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, દવાઓ તેમજ આરોગ્ય સુરક્ષા માટે ફાળવ્યાં છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમિતોને જરૂરી દવાઓ, ઇન્જેક્શન તેમજ સારવાર સુવિધાઓ સરકારી ખર્ચે મળી રહે તે માટે રાજ્યની મહાનગરપાલીકાઓ અને આરોગ્ય વિભાગને મુખ્યમંત્રી રાહતનિધીમાંથી ખાસ રકમ ફાળવી છે. તદઅનુસાર તેમણે અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 50 કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ. 15 કરોડ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને રૂ.10-10 કરોડ, ભાવનગર, ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાને રૂ. 5-5 કરોડ કોરોનાના સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ફાળવ્યા છે.
મુખ્યમંત્રી રાહત નિધિમાથી કોરોના ફંડની જે રકમ મહાનગરોને કોરોના સામે જરૂરી દવાઓ ઇન્જેક્શન તેમજ અન્ય આરોગ્ય વિષયક સુવિધાઓ ઉભી કરવા આપી છે તેના પરિણામે રાજ્યમાં લગભગ 80 ટકા કોરોના સંક્રમિત લોકો સારવારનો લાભ લઈને સાજા થઈ પોતાના ઘરે ગયા છે. મુખ્યમંત્રી જે મહાનગરોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધુ છે એવા મહાનગરોમાં ડેડિકેટે કોવિડ હૉસ્પિટલ, સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ, ઘનવંતરી આરોગ્ય રથ, કન્ટેમેન્ટ ઝોન વગેરે માટે પણ મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી ફાળવણી કરી છે .
અમદાવાદ મહાનગરમાં રૂ. 1 કરોડના ખર્ચે ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનની ખરીદી કરીને આશરે 250 દર્દીઓને આ ઇન્જેક્શનથી સારવાર આપવામાં આવી છે.
ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિ. દ્વારા પણ 550 ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન અમદાવાદ શહેર માટે આપવામાં આવ્યા છે, જેમાંથી 450 દર્દીઓને ઇન્જેક્શન દ્વારા સારવાર આપવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદમાં 110 જેટલા ધનવંતરી રથ ના માધ્યમ થી 6 લાખ જેટલા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સામેની લડાઇ માટે કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર અંગે દવાઓ માટે રૂ. 11.46 કરોડ તેમજ જરૂરી મેડિકલ ઇક્વિમેન્ટ માટે રૂ. 4 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ દવાઓ અને સંક્રમિત વ્યક્તિઓની સારવાર કરતા તબીબો માટે પી.પી.ઇ. કીટ માટે રૂ. 13.89 લાખ, ધનવંતરી રથ અન્વયે રૂ. 33.75 લાખ તેમજ અન્ય મેડિકલ ઇક્વિમેન્ટ પાછળ રૂ.15 લાખથી વધુની રકમ ફાળવી છે. વડોદરા મહાનગરપાલિકાએ મુખ્ય મંત્રી રાહત નિધિમાંથી મળેલી રકમમાંથી કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટેના મેડિકલ ઇક્વિમેન્ટ ખરીદી માટે રૂ. 1.72 કરોડથી વધુ ફાળવ્યા છે.
મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય વિભાગને પણ મુખ્યમંત્રી રાહતનિધિમાંથી રૂ. 100 કરોડ ફાળવ્યા છે. આરોગ્ય વિભાગે રાજ્યમાં દૂરના અંતરિયાળ વિસ્તારોને પણ કોરોના સંક્રમણ સામે ઉપચારાત્મક અને આરોગ્ય રક્ષક દવાઓ પૂરી પાડવા જરૂરી દવાઓ ખરીદી માટે રૂ. 11.82 કરોડનો ખર્ચ કર્યો છે. આરોગ્ય સેવાના તબીબો પેરા મેડિકલ સ્ટાફ વગેરે જેઓ કોરોના સંક્રમિત લોકોની સારવારમાં જોડાયેલા હોય તેમને રક્ષણ આપવા 20,98,485 એન-95 માસ્ક, પી.પી.ઈ કીટ, હેન્ડ ગ્લોવસ અને સેનેટાઇઝર વગેરે ની ખરીદી પાછળ રૂ. 15.42 કરોડ નો ઉપયોગ કર્યો છે.
કોરોના સંક્રમિત લોકોને સારવાર માટે મહત્વપૂર્ણ એવા 938 ટોસિલિઝૂમેબ અને રેમડેસીવીર ઇન્જેક્શનની ખરીદી માટે રૂ.1.80 કરોડ, 5000 જેટલા લોકોની સ્ક્રિનિંગ તથા ડાઇગ્નોસ્ટીક સેવાઓ રૂ. 19.79 કરોડ તેમજ અન્ય મેડિકલ ઇક્વિમેન્ટ સુવિધાઓ માટે રૂ. 1.89 કરોડ વાપર્યા છે. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનને ખાસ કરીને કોરોના સંક્રમિતો માટે દવાઓ ઇન્જેક્શન વગેરેની સેવાઓ પૂરી પાડવા રૂ. 33.92 કરોડ રાહત નિધિમાંથી ફાળવ્યા છે. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશ દ્વારા 26 હજાર વાઇલ ટોસિલિઝૂમેબ અને રેમડેસીવીરની ખરીદી પાછળ રૂ. 22.94 કરોડ અને 40 હજાર ટેબલેટની ખરીદી કુલ રૂ. 10.98 કરોડના ખર્ચે કરીને કોરોના સંક્રમણના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લીધા છે.

પ્રતિકાત્મક તસવીર
વિજય રૂપાણીએ કોરોના વોરિયર્સ તરીકે અવિરત ફરજરત એવા આરોગ્ય, પોલીસ, સફાઇ-કર્મીઓ, તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની કામગીરીમાં સીધા સંકળાયેલા સરકારી કર્મયોગીઓના ફરજ દરમિયાન અવસાન કિસ્સામાં પણ મુખ્યમંત્રી રાહતનિધીમાંથી રૂ. 25 લાખની સહાય આવા દિવંગત કોરોના વોરિયર્સના પરિવારને આપવાનો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવેલો છે.
વીડિયોમાં જુઓ આજના મહત્ત્વના સમાચાર
રાજ્યમાં આવા 11 દિવંગત કોરોના વોરિયર્સને અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખની સહાય આપીને તેમના પરિવારની વિપદામાં સરકાર પડખે ઊભી રહી છે. વિજય રૂપાણીએ કોરોના દરમિયાન લૉકડાઉનના સમયમાં રાજ્યમાં વસતા પરપ્રાંતીય શ્રમિકો પણ પોતાના વતન પરિવાર પાસે જઈ શકે તે માટે રેલવે મંત્રાલય સાથે પરામર્શમાં રહીને સમગ્ર દેશમાં સૌથી વધુ 999 શ્રમિક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરીને 14.50 લાખ શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે રાહતનિધીમાંથી પશ્વિમ રેલવેને રૂ. 6.87 કરોડ આપ્યા છે. આ હેતુસર 25 કરોડ રૂપિયા ફાળવ્યા છે.