ગાંધીનગરઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે (congress leader Hardik Patel) ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (BJP president C R Patil) અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આક્ષેપ કરતા રાજ્યનું રાજકારણ ગરમાયુ છે. હાર્દિક પટેલને વળતો જવાબ આપતા ભાજપ નેતા પ્રશાંત વાળાએ (BJP leader Prashant wala) જણાવ્યું હતું કે ભાજપાના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ છેલ્લા ૩૦ વર્ષથી જનતાની વચ્ચે રહી જાહેરજીવનમાં સેવાકીય કાર્ય કરી રહ્યા છે. તેઓએ દક્ષિણ ગુજરાતમાં એક સામાન્ય કાર્યકર થી પોતાની કારકિર્દીની શરૂઆત કરીને પ્રજા વચ્ચે રહીને જન સાથે જોડાયેલા રહીને અનેક પ્રકારે પ્રજાકીય અને સામાજિક સેવા કાર્યો કર્યા છે. છેલ્લા 15 વર્ષથી તેઓ નવસારી અને સુરત લોકસભા ક્ષેત્રનું સંસદમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓને પ્રજાએ ચૂંટ્યા છે એટલું જ નહીં પરંતુ ભારતના ઇતિહાસમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક મતોથી જીતાડીને નવસારી લોકસભા ક્ષેત્રની જનતાએ સંસદમાં મોકલ્યા છે, જે તેમના પરોપકારી અને પરગજુ સ્વભાવનું પ્રતિબિંબ દર્શાવે છે.
પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે,કોંગ્રેસના ભાડૂતી કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને જેઓ નગરપાલિકાની એક સામાન્ય ચૂંટણી પણ જીતી શકે તેમ નથી. તેવા લોકો ભાજપાના આવા પ્રતિભાશાળી દીર્ઘકાલીન રાજકીય કારકિર્દી ધરાવતા અને ૩૦ વર્ષોથી લોકહિત અને સમાજ સેવામાં કાર્યરત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ માટે આવા બેબુનિયાદ, વાહિયાત આક્ષેપો ઘરે તે શોભનીય નથી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષને ખબર હોવી જોઈએ કે સૂરજ સામે ઉડાડવામાં આવતું થુંક અંતે તો પોતાના પર જ ઉડીને પરત આવતું હોય છે. સી. આર. પાટીલે એક સામાન્ય કાર્યકરથી શરૂઆત કરીને લાંબી મહેનત અને સંઘર્ષ બાદ ભાજપા પ્રદેશ અધ્યક્ષ તરીકેની અને તે પૂર્વે તેઓએ અનેક વૈવિધ્યપૂર્ણ જવાબદારીઓ પાર્ટીમાં સંભાળી છે જેના માટે તેઓએ પોતાની જાત ઘસીને પોતાને સક્ષમ બનાવ્યા છે.
પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, જ્યારે બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના ભાડૂતી કાર્યકારી અધ્યક્ષના ચાલ, ચરિત્ર, ચલગત ગુજરાતની જનતાએ જોયા છે. એક સમયે મોપેડ લેવાના પણ ફાંફા હતા તે હાર્દિક આજે કરોડો રૂપિયામાં આળોટી રહ્યા છે. ગુજરાતના ભલાભોળા પાટીદાર સમાજને છેતરીને અને લાખો યુવાનોને ગુમરાહ કરીને કરોડો રૂપિયાની સંપત્તિ અને માલમિલકત એક્ઠી કરનાર હાર્દિકે આ રૃપિયા આવ્યા ક્યાંથી ? તેમનો જવાબ ગુજરાતની જનતાને આપવો જોઈએ.
આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! મહિલા હોમગાર્ડે પડોશી યુવતીને રાત્રે ઘરે બોલાવી, પત્ની સામે જ પતિએ આચર્યું દુષ્કર્મ
પ્રશાંત વાળા એ કહ્યું હતું કે, આ એ કોંગ્રેસ છે કે જેના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ વિદેશી અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ભાડૂતી છે. આવા કોંગ્રેસીઓને જનસેવા, પ્રમાણિકતા, દેશભક્તિ, નિષ્ઠા જેવા શબ્દો કે આચરણ સાથે કંઈ લાગતું વળગતું જ નથી. જે લોકોએ ગુજરાતમાં હંમેશાં જ્ઞાતિ જાતિ વચ્ચે વેરઝેર ફેલાવવાનું અને નાત-જાતને વૈમનસ્યની આગમાં હોમવાનું દુષ્કૃત્ય કર્યું છે તેવા લોકો કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બની બેઠા છે જેના હાથ અનેક નિર્દોષ યુવાનોનો ભોગ લેવાયા છે તે વ્યક્તિને કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા છે.
આ પણ વાંચોઃ-સુરતઃ બંધ ટ્યૂશન ક્લાસમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી, સંચાલક સહિત 7 'શકુની' ઝડપાયા
પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના આ એ જ કાર્યકારી અધ્યક્ષ છે કે જેણે ગુજરાતની જનતાને ગુમરાહ કરી, સમગ્ર ગુજરાતને વર્ગ વિગ્રહ અને તોફાનોની આગમાં હોમવાનું અધમ કૃત્ય કર્યું હતું. આ લોકોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે સમાજના અનેક યુવાનોને ભરમાવ્યા છે. કોંગ્રેસે આઝાદી બાદ સરદાર પટેલને સતત અપમાનિત કર્યા,તેની પ્રતિભાને છાજે તેવા પદથી પણ દૂર રાખ્યા અને તેમના અવસાન બાદ પણ યોગ્ય સન્માન ન આપ્યું. આ કોંગ્રેસના ખોળામાં બેસીને હાર્દિકે કેટલા રૂપિયામાં સોદો કર્યો તેનો જવાબ ગુજરાતની જનતાને આપવો જોઈએ.
આ પણ વાંચોઃ-જામનગરઃ દિવાળી પહેલા જ બૂટલેગરોના પ્લાન ઉપર પોલીસે પાણી ફેર્યું, 141 પેટી ઇંગ્લિશ દારુ જપ્ત, માથાભારે ટકો ખફી નામ ખુલ્યું
પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે હાલમાં જ અમદાવાદ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ કોંગ્રેસથી ત્રાસી જઇ ને પોતાનું રાજીનામું ધરી દીધું છે અને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં કોંગ્રેસ તૂટી રહી છે પરંતુ અમદાવાદમાં જ નહીં પણ સમગ્ર ગુજરાત અને દેશમાં કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસની નૈયા ડૂબી રહી છે એટલે જ રાષ્ટ્રીય કક્ષાએથી લઈને પ્રદેશ અને જિલ્લા કક્ષા સુધીના એક પછી એક અનેક ધારાસભ્યો, પ્રવક્તાઓ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. હજુ પણ આ પેટાચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસનું વિખેરાવું અને કોંગ્રેસના રાજીનામાનો દોર ચાલુ રહેશે. ગુજરાત કોંગ્રેસના ભાગલા નિશ્ચિત છે. હાલમાં આઠેય વિધાનસભા બેઠકો પર ભાજપાના ઉમેદવારોને જે પ્રકારે સમર્થન અને પ્રતિસાદ મળી રહ્યા છે તે દૃષ્ટિએ ભાજપાના આઠે આઠ ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે માટે જ હારી ગયેલી કોંગ્રેસ આવા વાહિયાત નિવેદન કરી રહી છે.
પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા જ રહ્યા નથી. એટલે માત્રને માત્ર તૃષ્ટિકરણની, જ્ઞાતિ- જાતિ વાદ ભડકાવવાની, લોકોમાં જૂઠાણા ફેલાવી ગુમરાહ કરવાની કોંગ્રેસની કુનીતી થી ગુજરાતના અને દેશના લોકો ત્રાસી ગયા છે. એટલે જ ગુજરાતની તિજોરી પર કોંગ્રેસનો કાળો પંજો ગુજરાતની જનતા ક્યારે પડવા દેવાની નથી.
પ્રશાંત વાળાએ અંતમાં ચેતવણીના સ્વરમાં જણાવ્યું હતું કે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ કે નેતાઓ સામે કોઈપણ પ્રકારના વાહિયાત કે બેબુનિયાદ આક્ષેપો કરનારા લોકો ચેતી જાય. કેમ કે આવા દંભી અને જુઠા કોંગ્રેસીઓને જનતા ઓળખી ચુકી છે અને તેઓના આવા બેજવાબદાર નિવેદનોનો આકરો જવાબ ગુજરાતની જનતા ચૂંટણીના પરિણામો દ્વારા આપશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.