LRD મામલે મહિલાઓનાં આંદોલન અંગે અલ્પેશ ઠાકોરનો બળાપો! 'આ માટે જે કંઇ પણ કરવું પડશે તે કરીશ'

News18 Gujarati
Updated: February 5, 2020, 10:33 AM IST

'આ દીકરીઓ પછાત વર્ગની છે એટલે એમને કોઇ સાંભળતું નથી. તેમનું કામ નથી થતું પરંતુ આ જગ્યાએ કોઇ સુખીસંપન્ન પરિવારની દીકરીઓ 48 કલાક પણ આંદોલન કરત તો તેમની વાત સાંભળવામાં આવી હોત.'

  • Share this:
ગાંધીનગર : રાજ્યનાં ગાંધીનગરમાં છેલ્લા 57 દિવસથી LRD પરિપત્રને કારણે એસઈબીસી, અનુ.જાતિ અને અનુ.જનજાતિ વર્ગની મહિલાઓ આંદોલન પર બેઠી છે. આટલા દિવસો છતાંપણ રાજ્યનાં મુખ્યમંત્રી કે કોઇ નેતા તેમની સાથે વાત નથી કરી રહ્યાં. આ મહિલાઓનો અવાજ કોઇ સાંભળી નથી રહ્યું ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઠાકોર સમાજનાં નેતા અલ્પેશ ઠાકોર આ મહિલાઓની વ્હારે આવ્યાં છે. આ અંગે ન્યૂઝ18ગુજરાતીનાં સંવાદદાતા અલ્પેશ ઠાકોર સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'આ દીકરીઓ પછાત વર્ગની છે એટલે એમને કોઇ સાંભળતું નથી. તેમનું કામ નથી થતું પરંતુ આ જગ્યાએ કોઇ સુખીસંપન્ન પરિવારની દીકરીઓ 48 કલાક પણ આંદોલન કરત તો તેમની વાત સાંભળવામાં આવી હોત. પરંતુ મને અમારા મુખ્યમંત્રી પર વિશ્વાસ છે કે તેઓ એમની વાત સાંભળશે.'

'આ દીકરીઓ સાથે કોઇ વાત કેમ નથી કરતું?'

આ અંગે અલ્પેશ ઠાકોર સામે વાત કરતા તેમણે બળાપો ઠાલવતા કહ્યું કે, ' 1-8-2018નો જે ઠરાવ છે તે મને લાગે છે કે ગેરબંધારણીય છે. મુદ્દો એ છે કે જેણે એકવાર અનામતનો લાભ લીધો હોય તેને ફરી ન મળવો જોઇએ. આ દીકરીઓને બેવાર હું મળ્યો છું, મુખ્યમંત્રીશ્રીને પણ આ અંગે ધ્યાન દોર્યું છે. બીજો મુદ્ગોએ છે કે આ દીકરીઓને લાગે છે કે આમાં અમારા અધિકારોનું ક્યાંક હનન થઇ રહ્યું છે. અમને અન્યાય થયો છે. તો આ અંગે દીકરીઓ સાથે વાર્તાલાપ કરો તેમને યોગ્ય જવાબ આપો. આ અંગે શું નિર્ણય કરવો છે તે તમારા હાથની વાત છે પરંતુ એકવાર વાત તો કરો. ત્યારે મને જવાબ મળ્યો કે આ કોર્ટ મેટર છે. પરંતુ આ કેટલું વ્યાજબી છે. કેમ તેમની સાથે કોઇ વાત કરવામાં નથી આવતી.'

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાવાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ, મહિલા દર્દી થાઇલેન્ડ ફરીને આવી હતી

'આ દીકરીઓની જગ્યાએ શ્રીમંત પરિવારની દીકરીઓ હોત તો?'

તેમણે પોતાની વ્યથા આગળ જણાવતા કહ્યું કે, 'મારો સામાન્ય જનતા, સમાજ અને રાજકીય નેતાને એક સવાલ છે કે, આ જગ્યાએ કોઇ સુખી પરિવારની, ગર્ભ શ્રીમંત પરિવારની પાંચ દીકરીઓ 48 કલાક બેઠી હોત તો આખા ગુજરાતમાં કાગારોળ મચી ગઇ હોત કે અન્યાય થયો. તો આ દીકરીઓ ગરીબ છે, પછાત છે વિકાસથી વંચિત છે તેથી તેમની સાથે કોઇ વાત નથી થઇ રહી. ડીપીએસ સ્કૂલમાં ગાડીઓ અને બંગલાઓ વાળા પહોંચી જાય એટલે ત્યાં તરત નિર્ણય કરવો પડે તો આ દીકરીઓ સાથે કેમ આવું નથી બનતું. મારી દીકરીઓ સાથે વાત થવી જ જોઇએ. આ વાત કરવા માટે માનનીય મુખ્યમંત્રી અને કાયદામંત્રીશ્રી આગળ આવશે કારણ કે બંન્ને ગુજરાતનાં ગરીબોને ન્યાય આપવા માટે સંવેદનશીલ અને કટિબદ્ધ છે. મને મુખ્યમંત્રી અને કાયદામંત્રી પર સંપૂર્ણ શ્રદ્ધા છે. મને વ્યક્તિગત ઘણું જ નુકસાન થવાનું છે પરંતુ તેની સામે મારી દીકરીઓને ન્યાય મળશે તો મને ઘણો જ આનંદ થશે.'અલ્પેશ ઠાકોરની સ્પષ્ટ માંગણી

બે મહિનામાં કોઇ આગળ ન આવે તો એનો અર્થ એ છે કે, લડવા માટે લોકો અસમર્થ છે કે ગેરસમજ છે. પરંતુ મારા માટે તો મનમાં એક જ વાત છે કે, જે માંગણી સાથે મારી દીકરીઓ જે પણ ઠરાવ સાથે બેઠી છે તેમની સાથે વાર્તાલાપ થાય અને ચર્ચા પછી તેમને સંતોષ થાય તે પ્રકારનો નિર્ણય રાજ્ય સરકાર લે તેવી મારી સ્પષ્ટ માંગણી છે. આવનારા સમયમાં આ દીકરીઓ માટે જે કાંઇપણ કરવુ પડે તે માટે અલ્પેશ ઠાકોર કરશે.

'અલ્પેશ મોડેમોડે પણ ગયા તે માટે અભિનંદન'

આ આખી વાત અંગે કોંગ્રેસનાં નેતા જયરાજસિંહ પરમારે કહ્યું કે, 'અલ્પેશ ઠાકોર બે મહિના પછી આ મહિલાઓ માટે બોલ્યાં છે. અલ્પેશ ઠાકોર કહે છે કે કોઇ નેતા આ મહિલાઓની વ્હારે ન આવ્યું એટલે બે મહિના જેટલા સમય બાદ હું સામે આવ્યો છું. પરંતુ આ વાત તેમની એકદમ ખોટી છે. ઘણાં બધા નેતાઓ આ મહિલાઓને મળ્યાં છે, અલ્પેશ ઠાકોર આ મુદ્દે ઘણાં મોડા પડ્યાં છે. કોંગ્રેસનાં નેતા મહિલાઓને મળી આવ્યાં છે. અલ્પેશ ઠાકોર ભાજપની શરમને કારણે નહીં ગયા હોય. પરંતુ મોડે મોડે પણ તે નીકળ્યાં છે તેથી તેમને અભિનંદન છે. ભારતીય જનતા પાર્ટીની નીતિઓ હંમેશા દલિતો, બક્ષીપંચ કે ઓબીસી સમાજોની વિરુદ્ધ રહી છે.'

શું છે મુદ્દો?

ગુજરાત સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર બેઠી છે.

 
First published: February 5, 2020, 10:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading