જુનાગઢ જિલ્લાના (Junagadh) માણાવદર તાલુકાના બાંટવાના ખારા ડેમ (Khara Dam) પાસે રેવન્યુ વિસ્તારમાં ટીટોડી, બગલી, બતક, નકટો સહિતના ૫૩ જેટલા પક્ષીઓના મૃતદેહ (Birds Death) મળી આવતા ચકચાર ફેલાઈ હતી. રાજ્યમાં આ ઘટનાને બર્ડ ફ્લૂના પગપેસારા તરીકે જોવામાં આવી રહી હતી. જોકે, મૃત પક્ષીઓના નિરીક્ષણ બાદ આ પક્ષીઓ બર્ડ ફ્લૂના (Bird flu) કારણે મૃત્યુ ન પામ્યા હોવાની માહિતી આવી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પક્ષીઓ બર્ડ ફ્લૂના કારણે મર્યા નથી. રાજ્યમાં હજુ સુધી એક પણ બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો નથી.
સરકારે જણાવ્યું છે કે પક્ષીઓનાં મૃત્યુ ફૂડ પોઇઝનિંગના કારણે થયા છે. દેશના અન્ય રાજ્યમાં બર્ડ ફ્લૂના કેસ છે ત્યારે રાજ્યમાં આ મૃત્યુના કેસ બર્ડ ફ્લૂ નથી. આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર માણાવદર તાબાના બાંટવા નજીકના ખારા ડેમ પાસેના રેવન્યુ વિસ્તારમાં પક્ષીઓના મૃતદેહ પડયા હોવાની મળેલ બાતમીના આધારે વન વિભાગના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ પરથી ટીટોડી - 46, બગલી - 3, નકટો -1, બતક -3 મળી કુલ 53 પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
કુલ 53 મૃત પક્ષીઓ પૈકી ચાર પક્ષીઓનું પેનલ મોસ્ટમોર્ટમ માણાવદર ખાતેની પશુ લેબમાં કરાયું હતું, જે પૈકી બે પક્ષીઓ- બતક અને નકટોના મૃત શરીરોમાં ચયાપચનની પ્રક્રિયા દ્વારા ‘સેલ્સ’ ખતમ થઈ ગયા હોઈ આ પક્ષીઓના મરણનું કારણ જાણી શકાયું નથી. જ્યારે અન્ય બે પક્ષીઓ- ટીંટોડી તથા બતકના પેટ સફેદ અનાજથી ભરેલાં હોવાનું જણાયું છે. આમ પ્રાથમિક તારણોમાં મૃત પક્ષીઓમાં બર્ડફ્લૂ રોગ જણાયો નથી, એમ સોય ઝાટકીને વનવિભાગે જણાવ્યું છે.
હિમાચલ પ્રદેશથી તે છેક કેરળ સુધી ઠેર ઠેર બર્ડ ફ્લૂનો આતંક જોવા મળ્યો હતો. લેટેસ્ટ માહિતી મુજબ હરિયાણામાં બર્ડ ફ્લૂના પગલે એક લાખ મરઘી મરેલી મળી આવી હતી. બર્ડ ફ્લૂનો ચેપ સૌ પ્રથમ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ એ ચેપ અન્ય સ્થળોએ ફેલાવા માંડ્યો હતો. હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને હવે કેરળમાં પણ બર્ડ ફ્લૂ જોવા મળ્યો હોવાના અહેવાલ હતા. આવું બનતાં રાજ્ય સરકારોએ રેડ એલર્ટ જાહેર કરી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર