બનાસકાંઠા: વ્યાજખોરોનો ત્રાસ યથાવત, ખેડૂતનું અપહરણ કરી માર્યો ઢોર માર

News18 Gujarati
Updated: June 30, 2019, 6:28 PM IST
બનાસકાંઠા: વ્યાજખોરોનો ત્રાસ યથાવત, ખેડૂતનું અપહરણ કરી માર્યો ઢોર માર
વ્યાજખોરોના હાથે ભોગ બનનાર ખેડૂત

આર્થિક સંકડામણના કારણે નાણાંની જરૂરિયાત હોઇ ખેડૂતે ગામમાં જ રહેતા પેથાભાઇ પટેલ પાસેથી દસ વીઘા જમીન ગીરવે મૂકી 2.30 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અઠવાડિયા અગાઉ જ વ્યાજખોરોના ત્રાસના કારણે એક પરિવારે સામૂહિક આત્મહત્યા કર્યા બાદ આજે ફરી દિયોદર તાલુકાના ચમનપુરા ગામે વ્યાજખોરોએ પૈસા વસૂલવા એક ખેડૂતનું અપહરણ કરી ઢોર માર મારતા ચાર સામે ફરિયાદ થઈ છે, જે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચમનપુરા ગામમાં વ્યાજખોર 4 પિતા-પુત્રોએ પૈસા વસૂલવા માટે એક ખેડૂતનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં દિયોદર તાલુકાના ચમનપુરા ગામમાં રહેતા ઈશ્વરભાઈ પટેલ પોતાની દસ વીઘા જમીન ધરાવે છે અને તેમાં ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તે દરમ્યાન આર્થિક સંકડામણના કારણે નાણાંની જરૂરિયાત હોઇ તેઓએ ગામમાં જ રહેતા પેથાભાઇ પટેલ પાસેથી દસ વીઘા જમીન ગીરવે મૂકી 2.30 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.

જોકે તે બાદ તેઓની આર્થિક સ્થિતિ વધુ કથળતા તેઓ નાણાં પરત આપી શક્યા ન હતા અને બે વર્ષ બાદ જ્યારે ઈશ્વરભાઈએ તેમની જમીન પછી માંગતા પેથાભાઈ પટેલ ઉશ્કેરાઈ ગયા હતા, અને પોતાના ત્રણ પુત્રો સાથે સ્વિફ્ટ કારમાં આવી ઇશ્વરભાઇ પટેલનું બળજબરી પૂર્વક અપહરણ કરી ગયા હતા, અને તેમના ઘરે લઇ જઇ લાકડી અને લોખંડની પાઇપ વડે ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમણે ખેડૂતને ધમકી આપતા કહ્યું કે, જો તાત્કાલિક વ્યાજ સાથે કુલ 21 લાખ રૂપિયા પરત નહીં આપે તો જાનથી મારી નાખવામાં આવશે.જે બાદ આ વ્યાજખોરોના ચુંગલમાંથી છુટેલા ઈશ્વરભાઈ એ તાત્કાલિક તેમના પરિવારને જાણ કરતા સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત ખેડૂતે દિયોદર પોલીસ મથકે વ્યાજખોર પિતા અને પુત્ર સહિત ચાર લોકો સામે અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી મામલે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
First published: June 30, 2019, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading