આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં અંતરિયાળ વિસ્તારમાં ગૌચરની જમીન ખાનગી કંપનીને સોલર પ્લાન્ટ બનાવવા સોંપી દેવાના મામલે ધારાસભ્ય સહિત સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. આ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ગૌચરની જમીન પરથી સોલર પ્લાન્ટ નહીં હટાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના રાધા નેસડા ગામે સરકાર દ્વારા ખાનગી કંપનીને સોલર પ્લાન્ટ બનાવવા માટે 400 એકર જમીન ફાળવવામાં આવી છે. પરંતુ, આ પ્લાન્ટનું કામ શરૂ થાય તે પહેલા જ સ્થાનિક લોકો અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.
સરકારે જે જમીન ફાળવી છે તેમાં ગૌચરની પણ 67 હેક્ટર જમીન આપી દેવામાં આવી છે, જેના કારણે સ્થાનિકોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર ગૌચર બચાવવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે બીજી તરફ આવી ખાનગી કંપનીઓને ગૌચરની જમીન બારોબાર આપી દઈ પશુધનના જીવન સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યા છે. જેથી સ્થાનિક લોકોએ અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આજે આ મામલે વિરોધ દર્શાવી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.
જો સરકાર આ મામલે સ્થાનિકોની વાત નહીં સાંભળે અને ગૌચરની આપેલી જમીન પાછી નહિ લે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરી વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો પણ લોકો પીછેહઠ નહી કરે તેમ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું, વધુમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, સરકાર ગૌચરની જમીન પાછી નહીં લે તો વિધાનસભાનો ઘેરાવો કરી ઉગ્ર આંદોલન કરીશું, અને કોઈપણ ભોગે ગૌચરની જમીન ખાનગી કંપનીઓને આપવા નહીં દઈએ.
ઉલ્લેખનીય છે કે, એકતરફ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌચરની જમીન ઘટી રહી છે, ત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા રાધાનેસડા ગામના ખેડૂતોએ ગૌચર બચાવવા જે રોષ ઠાલવ્યો છે, તે મુદ્દે હવે સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર