આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગેરકાયદેસર દેશી હથિયારોનું વેચાણ તેમજ બનાવટનું પ્રમાણ વધ્યું છે. વારંવાર અસામાજિક તત્વો પાસેથી દેશી બનાવટના તમંચા અને બંદૂક ઝડપાય છે. બનાસકાંઠા એસઓજી પોલીસે બાતમીના આધારે દાંતા તાલુકાના વડવેરા ગામે એક રહેણાંક મકાનમાં રેડ કરતા તેમાંથી દેશી બનાવટી બંદુક બનાવવાનો માલસામાન ઝડપાતા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસ ગેરકાયદેસર હથિયારો લઈને એલર્ટ બની છે છેલ્લા કેટલાય દિવસોથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમો સામે તવાઈ છે ત્યારે દાંતાના વરવાડા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી બનાવટના બંદૂક તેમજ તમંચા બનાવવાનું માલસામાન બનાસકાંઠા એસઓજીએ કબજે કર્યો છે. દાંતા તાલુકાના વડવેરા ગામે રહેતા પ્રતાપજી ઠાકોર પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે દેશી બંદૂક બનાવતા હતા.
જે મામલે એસ.ઓ.જી.ની બાતમી હતી બાતમીના આધારે એસઓજી પોલીસે તેમના રહેણાંક મકાનમાં તપાસ કરતાં તપાસ દરમિયાન બંદુક બનાવવાની નાળ તેમજ અન્ય માલસામાન પોલીસે કબજે કર્યો હતો જે બાદ આરોપી પ્રતાપજી ઠાકોર ની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુર નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાએ જણાવ્યું કે, SOG પોલીસે બાતમીના આધારે હથિયાર બનાવવાનો માલસામાન કબ્જે કર્યો છે. આ સાથે આરોપી પ્રતાપજી ઠાકોર સામે દાંતા પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે દાંતા જેવા અંતરિયાળ વિસ્તારમાં દેશી બંદૂક બનાવવા માટેનો માલસામાન આરોપી ક્યાંથી લાવતો હતો. અગાઉ તેણે આ પ્રકારની દેશી બંદૂક બનાવી કેટલા લોકોને વેચી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર હથિયાર મામલે ચક્રો ગતિમાન કરી દીધા છે. એસઓજીની ટીમ ેક પછી એક ગેરકાયદે હથિયારની તસ્કરી, તથા લાયસન્સ વગર અન્ય રાજ્યમાં રાજ્યમાં ઘુસાડવામાં આવી રહેલા હથિયાર પર નજર રાખી રહી છે. બે દિવસ પહેલા સુરતમાં પણ એક યુવકને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો, તેની પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે વતનથી તમંચો લાવ્યો હતો, અને તેનો ઈરાદો હત્યા કરવાનો પણ હોવાનું સામે આ્યું હતું.