'ગ્રામશિલ્પિ' મુસ્તુખાને આદિવાસીઓ માટે જીવન સમર્પિત કર્યુ, ગામની કરી કાયાપલટ

News18 Gujarati
Updated: July 2, 2019, 4:15 PM IST
'ગ્રામશિલ્પિ' મુસ્તુખાને આદિવાસીઓ માટે જીવન સમર્પિત કર્યુ, ગામની કરી કાયાપલટ
gramslipi

નિસ્વાર્થ ભાવે કામ કરતા બે લોકોની વાત મુસ્તુખાન અને અહમદભાઇ હાડા

  • Share this:
ચૈતાલી શુક્લા, અમદાવાદ :  નિસ્વાર્થ ભાવના સાથે જો લોક સહાય મળે તો કશું પણ કરવું અશક્ય નથી. આ વાત ખાટીસીતરા ગામે પુરવાર કરી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસે આદિવાસી વિસ્તારમાં ખાટીસીતરા આવેલું છે. અહીં ગ્રામશિલ્પિ તરીકે  મુસ્તુખાન કે સુખ કામ કરે છે. ખાટીસીતરા રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર પડે છે. વળી આ વિસ્તાર વન વિભાગ અંતર્ગત આવે છે અને બંને રાજ્યોની બોર્ડર પાસે પડતી હોવાથી 'વિકાસ' અહીંના આંતરિયાળ ગામમાં પહોંચી નહતો શક્યો.

ત્યારે આજથી 7 વર્ષ પહેલા મુસ્તુખાનભાઇએ અહીં આવી ગાંધી ચીંધ્યા માર્ગે આ વિસ્તારનો કાયાકલ્પ કરવાનો પ્રયાસ કર્યો. આ સાથે જ તેમણે વર્ષ 2016માં લોકસારથિ ફાઉન્ડેશન ટ્રસ્ટની શરૂઆત પણ કરી. કહેવાય છે કે શિક્ષણ કોઇ પણ સમાજનો સાચા અર્થમાં વિકાસ સાધી શકે છે. આ વિચારથી જ માત્ર 4 બાળકોને બાવળના ઝાડ નીચે તેમણે ભણવાની શરૂવાત કરી અને આજે અહીં 140 થી વધુ બાળકોની સ્વતંત્ર શાળા છે. સાથે જ અહીં આદિવાસી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય પણ છે. જ્યાં ઓરીગામીથી લઇને તીર કામઠાં જેવી પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ આપવામાં આવે છે.

school
ખાટીસીતરા શાળા


વધુમાં મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદરના સહયોગથી મર્હુમા કુસુમબહેન અહમદભાઇ હાડાની યાદમાં અહીં કુસુમ બાલસંસ્કાર કેન્દ્ર શરૂ કર્યું છે. અહમદભાઇ હાડા વર્ષોથી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન સાથે જોડાયેલા છે. અને વધુમાં વધુ દિકરીઓ શાળાના આંગણે આવે તે માટે તે પ્રયાસશીલ છે. આ શાળામાં 55 બાળકોને પોષણ આહારની સાથે સ્વચ્છતા અને સ્વાસ્થયની સમજ આપવામાં આવે છે. મુસ્તુખાન અને તેમના પત્ની અહીં એક એક આદિવાસી ઘરે ફરી સ્વચ્છતા, મહિલા આરોગ્ય, દારૂબંધી અને શિક્ષાની મહત્વતાનો સંદેશો પાઠવે છે.

જ્યારે અમે તેમને પુછ્યું કે તેમને આ કામ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો તો તેમણે કહ્યું કે ગૂજરાત વિદ્યાપીઠથી માસ્ટર ઓફ સોશિયલવર્કનો અભ્યાસ કર્યા પછી ગ્રામવિકાસમાં જ જીવન અપર્ણ કરવાનો વિચાર આવ્યો. તેમણે કહ્યું હું અહીં આવ્યો ત્યારે મને આદિવાસીઓ "મોટા સાહેબ" કહી બોલવતા "મોટા સાહેબ" થી "મોટા ભાઇ" બનતા મને 6 વર્ષ લાગ્યા. આજે ધણીવાર દારૂબંધી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મને જાનથી મારવાની ધમકી પણ મળે છે અને સમજાવટ પછી લોકો આ કામ છોડવાની તૈયારી પણ બતાવે છે.


તેમને થયેલા કપરા અનુભવો વિષે બોલતા મુસ્તુખાન ભાઇએ કહ્યું અનેક વાર તેવું થાય કે છાત્રાલયમાં કરિયાણું પુરું થઇ ગયું હોય અને મને થાય કે કાલે છોકરાનું શું જમાડીશ? અને પછી તેવું પણ બને કે કોઇનો ફોન આવે અને કરિણાયાની વ્યવસ્થા થઇ જાય" તે કહે છે કે મેં જાતે અહીં લોકસેવામાં મારું જીવન અર્પ્યું છે અને આજ દિવસ સુધી મને મારા આ નિર્ણય માટે એક ક્ષણ માટે પસ્તાવો નથી થયો.
Mustukhan
મુસ્તુખાનભાઇઆ સિવાય પણ લોકસારથિ ટ્રસ્ટ દ્વારા અહીં યુવા સંવાદ શિબિરો, ટ્રેકિંગ કેમ્પ, આરોગ્ય સારથી, વ્યસ્ન મુક્તિ, કાયદાકીય જાગૃતિ સેમિનાર, ગાંધી વિચાર પ્રસાર, ખેતી અને પશુપાલનના કાર્યમાં જાણકારી આપવાનું કામ કરવામાં આવે છે. વધુમાં હાલમાં જ કેનેડામાં રહેતા રાજકોટની એક મહિલા કૃપાબેન ચંદુભાઇ ક્યાડાએ અહીં એક અનોખું દાન આપ્યું છે. તેમણે શ્રીમંત વિધીથી બચાવેલા ફંડમાંથી અહીંના આદિવાસી બાળકો માટે ઉદ્યાન અને રમતના સાધનો આપ્યા છે. જેનું પણ હાલમાં જ અહીં લોકાપર્ણ કરવામાં આવ્યું છે.
જો તમે પણ આ પ્રકારના સેવાકાર્યમાં જોડાવા માંગતા હોવ તો 9879089218/9662768735 પર સંપર્ક કરી શકો છો. કે પછી sukhmustukhan@gmail.com પર મુસ્તુખાનનો સંપર્ક કરી શકો છો.
First published: July 2, 2019, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading