આનંદ જયસ્વાલ ,બનાસકાંઠા: પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પો પર એર સ્ટ્રાઇક કર્યા બાદ ગુજરાતની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલા સુઇ ગામમાં હાઇ એલર્ટ કરી દેવામાં આવી છે. સરહદી વાવ, સુઈ ગામ વિસ્તારમાં હાઈએલર્ટ જાહેર થતા સમગ્ર વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. નડાબેટ ખાતે રસ્તાની કામગીરી ચાલી રહી હતી તે પણ અટકાવી દેવામાં આવી છે. ત્યાં કામ કરતા મજૂરોને સરહદી વિસ્તારમાંથી હટાવી દેવામાં આવ્યાં છે. પોલીસ, સુરક્ષાદળ, ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની ગઇ છે. આ જિલ્લાની 7 ચેકપોસ્ટ પર પોલીસને સઘન તપાસ ચાલુ કરી દીધી છે. પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા રાજસ્થાન, પંજાબને પણ સતર્ક રહેવાનાં આદેશ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત દિલ્હી, મુંબઇ સહિત ભારતના 5 શહેરોમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યો છે.
દરિયાઇ સુરક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત
રાજ્ય પોલીસવડા, આઈબીના વડા, બીએસએફ અને કોસ્ટગાર્ડ સહિતની કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓએ બેઠક યોજી હતી. મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં દરિયાઈ સુરક્ષા પર રાજ્યકક્ષાએ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પાકિસ્તાન સાથેની જળસીમા પર માછીમારોને ખાસ તકેદારી રાખવા અપીલ કરાઈ છે. દરિયાઈ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગતિવિધીને લઈ ઈન્ટલીજન્સને એલર્ટ કરવા મરીન પોલીસને સૂચના અપાઈ છે.
જૈશ-એ-મોહમ્મદ પ્રતિકાત્મક કાર્યવાહી કરી શકે છે
ગુપ્તચર અધિકારીઓનું માનવું છે કે ભારતને હાલ પાકિસ્તાન કરતા કાશ્મીરમાં મોજૂદ આતંકવાદીઓથી વધારે ખતરો છે. કાશ્મીર ખીણમાં આઇએસઆઇ સમર્થિત આતંકી મોડ્યુલ દેશમાં અપ્રિય ઘટનાઓને અંજામ આપી શકે છે. જેને ધ્યાનમાં રાખીને દેશમાં સાવચેતી વધારી દેવામાં આવી છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પરમાણુ સંસ્થાઓ, એરબેઝ, નેવી બેઝ, સેનાના કેમ્પ ક્ષેત્રોમાં ભારે સુરક્ષા ગોઠવવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે પહેલાની જેમ જૈશ-એ-મોહમ્મદ પ્રતિકાત્મક કાર્યવાહી કરી શકે છે કારણ કે વાયુસેનાની એર સ્ટ્રાઇકમાં મસૂદ અઝહરના ઘણાં સંબંધી માર્યા ગયાના અહેવાલ છે. નિયંત્રણ રેખા ઉપર પણ ચોકસાઇ વધારી દેવામાં આવી છે અને બીએસએફને આગામી ત્રણ દિવસ સુધી ખાસ સાવચેત રહેવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર