આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ એક ગામડામાં પરણિતાને સંતાનમાં પુત્ર ન થતા 3 બાળકીની માતાને ઘરમાંથી કાઢી મૂકી હોવાની ઘટના સામે આવી છે. પુત્ર ન થતા શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરણીતા એ પતિ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
10 વર્ષ પહેલા લગ્ન થયા હતા
સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણની વાતો થઇ રહી છે અને સ્ત્રી અને પુરુષને એક સમાન જોવામાં આવી રહ્યા છે તેમ છતાં પણ આજે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં સંતાનમાં પુત્ર ન થાય તો મહિલાએ સામાજિક અને પારિવારિક રીતે ખૂબ જ યાતના ભોગવવી પડે છે, વાવ તાલુકાના ચોથાનેસડા ગામમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ચોથાનેસડા ગામમાં હરખુબેન રબારીના લગ્ન 10 વર્ષ અગાઉ સામાજિક રીતરિવાજ મુજબ ભાભરના ચેમ્બુવા ગામે રહેતા જગતાભાઈ રબારી સાથે થયા હતા. શરૂઆતમાં દાંપત્યજીવન દરમ્યાન હરખુબેનને સંતાનમાં બે બાળકીનો જન્મ થયો હતો.
આ બંને બાળકીઓનો જન્મ સિઝેરિયન કરીને થયો હતો . ત્યારબાદ પણ પુત્ર મોહની ઘેલછા ધરાવતા જગતાભાઈ અને તેમના પરિવારજનોએ ત્રીજા સંતાન માટે પ્રયાસો શરુ કર્યા પરંતુ ત્રીજા સંતાન પણ પુત્રી થતા જગતાભાઈ અને તેના પરિવારજનોએ હરખુબેનને માનસિક રીતે હેરાન કરવાનું શરૂ કર્યું. તેમજ છેલ્લા કેટલાક સમયથી આ મહિલાને સંતાનમાં પુત્ર થશે નહીં એમ કહી ઢોર માર મારતા હતા.
એટલુંજ નહીં, પરંતુ હરખુબેનના પતિ, જેઠ જેઠાણી સહિત તમામ લોકોએ ભેગા મળી હરખુબેનને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમણે પહેરેલા સોનાના દાગીના ઉતરાવી લીધા હતા અને આ દાગીનામાંથી તેઓ બીજી પત્ની લાવી પુત્ર મેળવશે તેમ કહી ત્રણ સંતાનની માતાને માર મારતા - મારતા હતા.
જે બાદ તેમને બળજબરી પૂર્વક જીપમાં બેસાડી તેના પિયર ચોથાનેસડા ગામની સીમમાં મૂકીને ચાલ્યા ગયા હતા. આમ અસહ્ય પીડા ભોગવ્યા બાદ પિતાના ઘરે પહોંચી હરખુબેને ત્રાસ આપનાર પતિ જગતાભાઈ રબારી બંને જેઠ ઠાકરશીભાઈ રબારી અને ગોવિંદભાઇ રબારી તેમજ સાસુ કુંવારીબેન રબારી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, આ અંગે માવસરી પોલીસે ચાલકો સામે ગુનો નથી આગળની તપાસ શરૂ કરી છે.