Home /News /north-gujarat /

બનાસકાંઠા જીલ્લાની વિધાનસભાની 7 બેઠકનું સમીકરણ

બનાસકાંઠા જીલ્લાની વિધાનસભાની 7 બેઠકનું સમીકરણ

બનાસકાંઠા જીલ્લાની ચૂંટણીની સાત બેઠકોની માહિતી...

બનાસકાંઠા જીલ્લાની ચૂંટણીની સાત બેઠકોની માહિતી...

1 - દાંતા

બનાસકાંઠાની Danta(ST) વિધાનસભા બેઠક
બનાસકાંઠા જીલ્લાની Danta વિધાનસભા બેઠક આદિવાસી ઉમેદવાર માટે અનામત બેઠક જાહેર કરવામાં આવી છે. આ વિધાનસભા બેઠક દાંતા તાલુકા અને અમીરગઢ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર કુલ ૨,૦૧,૭૯૭ મતદારો છે. જેમાં ૧,૦૪,૪૧૮ પુરુષ મતદાર છે. જયારે ૯૭,૩૭૯ મહિલા મતદાર છે. આ વિધાનસભામાં કુલ ૨૬૫ બુથ આવેલા છે.

દાંતા વિધાનસભા બેઠક પર યોજાયેલી વર્ષ ૨૦૧૨ની ચુંટણીમાં કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીએ ભાજપના ગમાભાઈ ખરાડીને ૧૮ ટકા મતની હરાવીને જીત મેળવી હતી. જયારે વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસમાં ૨૦૦૭માં આ બેઠક જીતેલા મુકેશ ગઢવીના નિધનથી ખાલી પડેલી આ બેઠકની પેટાચુંટણીમાં ભાજપના વસંતકુમાર ભાટોલ આ બેઠક જીત્યાં હતા. આ બેઠક પર વર્ષ ૨૦૦૭માં કોંગ્રેસના મુકેશ ગઠવીએ ભાજપના જયવનસિંહ સોલંકીને ૨૪ ટકા મતથી હરાવ્યા હતા.

દાંતા વિધાનસભાના જાતિગત સમીકરણની વાત કરીએ તો આદિવાસી ૮૨,૧૫૧, ઠાકોર ૨૩,૩૨૦ , રાજપૂત ૧૨, ૫૮૨, મુસ્લિમ ૧૧,૬૨૬, રબારી ૦૭૬૪૨, પ્રજાપતિ ૦૬૦૯૪, દલિત ૦૬૪૦૫, ચૌધરી પટેલ ૦૩૪૨૯ અને અન્ય ૧૮,૦૬૭ છે.

આમ કુલ મતદારોના ૪૨ ટકા જેટલા મતદારો આદિવાસી છે. તેમજ આ Danta બેઠક પણ આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. જેના પગલે રાજકીય પક્ષો માટે ઉમેદવાર પસંદગીની તકો ઓછી રહેશે.

2 - ડીસા

ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની Deesa વિધાનસભા બેઠકમાં ડીસાના તાલુકાના ૮૩ ગામ, દિયોદરના ૫૨ અને કાંકરેજના ૧૯ ગામ સહિત કુલ ૧૫૪ ગામોનો સમાવેશ થાય છે. વિધાનસભાની આ ગ્રામીણ બેઠક પર ડીસા વિધાનસભા બેઠકમાં કુલ ૨,૩૦,૫૩૭ મતદારો છે. જેમાં ૧,૨૦,૫૧૨ પુરુષ મતદારો અને ૧,૧૦,૦૨૫ મહિલા મતદારો છે. ડીસાનો સાક્ષરતા દર ૬૫ ટકા છે જે રાષ્ટ્રીય દર કરતાં પણ વધારે છે. ડીસા વિધાનસભા બેઠકમાં કુલ ૨૫૨ પોલીંગ બુથ છે.

આ બેઠક પર યોજાયેલી અત્યાર સુધીની વિધાનસભા ચુંટણીની વાત કરીએ તો જણાશે કે વર્ષ ૨૦૦૭માં ભાજપના લીલાધર વાઘેલાએ કોંગ્રેસના ગોવાભાઈ રબારીને હરાવીને ચુંટણી જીતી હતી. જયારે વર્ષ ૨૦૧૨માં પણ ભાજપના લીલાધર વાઘેલાએ કોંગ્રેસના રાજેન્દ્રકુમાર જોશીને ૩૧ ટકા મતથી હરાવીને વિધાનસભા બેઠક જીતી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪માં લીલાધર વાઘેલા લોકસભાની ચુંટણી જીતતા આ બેઠક પર યોજાયેલી પેટાચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઈ રબારીએ ભાજપના ઉમેદવાર લેબાભાઈ ઠાકોરને હરાવીને આ બેઠક જીતી લીધી હતી. એટલે કે પેટા ચુંટણીમાં આ બેઠક ભાજપના સ્થાને કોંગ્રેસના ખાતામાં ગઈ હતી.

ડીસા વિધાનસભા બેઠકના જાતિય ગણિતની વાત કરીએ તો જણાશે કે સવર્ણ ૨૦.૦ ટકા, ઠાકોર ૧૯.૦ ટકા, માલધારી ૧૦.૦ ટકા, ઓબીસી ૧૭.૦ ટકા અને દલિત ૧૨.૦ ટકા હિસ્સો ધરાવે છે. આમ આ બેઠક પર જોવા જઈએ તો માલધારી અને ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળે છે.

3 - ધાનેરા

બનાસકાંઠા જીલ્લાની Dhanera વિધાનસભા બેઠક ગ્રામીણ બેઠક છે. આ વિધાનસભામાં ત્રણ તાલુકા દાંતીવાડા, ધાનેરા, પાલનપુરના એક ગામનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ ૨,૧૫,૪૬૩ મતદારો છે. જેમાં ૧,૧૩,૫૦૩ પુરુષ ઉમેદવાર છે. જયારે ૧,૦૧,૯૫૮ મહિલા ઉમેદવાર છે. આ વિધાનસભા બેઠકમાં ૨૪૪ પોલીંગ બુથ છે.

ધાનેરા વિધાનસભા બેઠક પર યોજાયેલી છેલ્લી વિધાનસભા ચુંટણી ૨૦૧૨માં કોંગ્રેસના જોઈતાભાઈ પટેલે ભાજપના વસંતભાઈ પુરોહિતને ૧૯ ટકા મતથી હરાવીને ચુંટણી જીતી હતી. જયારે વર્ષ ૨૦૦૭માં ભાજપના મફતલાલ પુરોહિતે કોંગ્રેસના નાથાભાઈ પતરોડને ૧૦ ટકા મતે હરાવીને આ બેઠક મેળવી હતી.

આ વિધાનસભા બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો ઠાકોર ૨૧.૮ ટકા, ચૌધરી ૨૧.૮ ટકા. બ્રાહમણ ૮.૭ ટકા, દલિત ૧૩. ૦ ટકા, માલધારી ૧૫.૦ ટકા, અન્ય ૧૭ .૦ ટકા છે. એટલે આ બેઠક પર જોવા જઈએ તો ચૌધરી પટેલ ઉમેદવારનો દબદબો રહ્યો છે.

ધાનેરા વિધાનસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચૌધરી પટેલ ઉમેદવાર પ્રથમ પસંદગી બની શકે તેમ છે. તેમજ કોંગ્રેસ આ બેઠક પર જીતેલા ઉમેદવાર જોઈતાભાઈ પટેલને રીપીટ પણ કરી શકે તેમ છે.

4 - પાલનપુર

બનાસકાંઠા જીલ્લાની Palanpur વિધાનસભા બેઠક ઉત્તર ગુજરાતની અગત્યની બેઠક છે. Palanpur વિધાનસભા બેઠક સામાન્ય રીતે ભાજપની બેઠક ગણવામાં આવે છે. પાલનપુર વિધાનસભા બેઠક પર કુલ ૨,૩૨.૯૬૨ મતદારો છે. જેમાં ૧,૨૧,૩૬૨ પુરુષ મતદારો અને ૧,૧૧,૬૦૦ મહિલા મતદારો છે. આ વિધાનસભામાં કુલ ૨૪૫ પોલીંગ બુથ છે.

પાલનપુર વિધાનસભા વિસ્તારમાં મહદઅંશે ખેડૂતો અને પશુપાલકોનો વિસ્તાર માનવામાં આવે છે. આ વિધાનસભાની ગ્રામીણ બેઠક છે. આ વિસ્તારમાં સહકારી અગ્રણીઓનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. આ ઉપરાંત ડેરી અને જીલ્લા સહકારી બેંકના આગેવાનોનું પણ પ્રભુત્વ વધારે છે. ગ્રામીણ બેઠક હોવાના લીધે એપીએમસીનું પણ એટલું જ મહત્વ છે.

પાલનપુર વિધાનસભા બેઠકમાં નવા સીમાંકનમાં પાલનપુર તાલુકા ઉપરાંત દાંતા તાલુકાના પણ કેટલાંક ગામોનો સમાવેશ થયો છે. આ બેઠકમાં વર્ષ ૨૦૦૭માં યોજાયેલી ચુંટણીમાં ભાજપના ગોવિંદભાઈ પ્રજાપતિ ચુંટણી જીત્યા હતા. જયારે નવા સીમાંકન બાદ વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં કોંગેસના મહેશકુમાર પટેલે ભાજપના ગોવિંદભાઈ પ્રજાપતિને ૩ ટકા મતથી હરાવ્યા હતા. આમ નવા સીમાંકન બાદ ભાજપ માટે મજબુત ગણાતી આ બેઠક કોંગ્રેસે મેળવી હતી.

આ બેઠક પરના જાતીય સમીકરણની વાત કરીએ તો જણાશે કે આ બેઠક પર પટેલ ચૌધરી – ૨૧. ૫ ટકા, ક્ષત્રિય – ૧૭ .૪ ટકા, મુસ્લિમ ૧૩.૨ ટકા, દલિત ૧૨ .૨ ટકા અને અન્ય જાતિના ૩૫. ૬ ટકા મતદારોનું પ્રભુત્વ છે. તેવા સમયે આ બેઠક પરથી ચુંટણી લડતા ઉમેદવાર માટે પક્ષ કરતા વધારે પોતાની અંગત છાપ પણ એટલી જ મહત્વની છે.

5 - થરાદ

બનાસકાંઠા જીલ્લાની Tharad વિધાનસભા બેઠક વાવ બેઠકમાંથી વિભાજીત થઈ છે. આ બેઠક વર્ષ ૨૦૦૮માં અમલમાં આવેલા નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે. આ વિધાનસભા બેઠકમાં થરાદ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક મહદઅંશે ગ્રામીણ મતદારોથી પ્રભાવિત છે. આ વિધાનસભા બેઠકમાં કુલ ૧,૯૬,૭૯૦ મતદારો છે. જેમાં ૧,૦૪,૦૨૭ પુરુષ મતદારો છે. જયારે ૯૨,૭૬૩ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. થરાદ વિધાનસભા બેઠકમાં ૨૩૫ પોલીંગ બુથ આવેલા છે.

વાવ વિધાનસભા બેઠકમાંથી વિભાજીત થયેલી આ બેઠક પર વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ભાજપના પરબતભાઈ પટેલે કોંગ્રેસના માવજીભાઈ પટેલને ૨ ટકા મતથી હરાવ્યા હતા. જેમાં પરબતભાઈ પટેલને ૪૨.૩૫ ટકા મત અને માવજીભાઈ પટેલને ૪૦.૨૦ ટકા મત મળ્યા હતા. ભાજપના પરબતભાઈ પટેલ માત્ર ૩૪૭૩ મતથી જ જીત્યા હતા. આ પૂર્વે વર્ષ ૨૦૦૭માં આ વિધાનસભા બેઠકનો વિસ્તાર વાવ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ હતો.

આ વિધાનસભા બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો સવર્ણ ૪૧ ટકા, ઓબીસી ૨૯ ટકા , એસ.સી. ૧૧ ટકા , એસ.ટી. 0૪ ટકા, અન્ય ૦૮ ટકા અને મુસ્લિમ ૦૭ ટકા જેટલાં છે. જેમાં પણ મારવાડી પટેલ અને આંજણા પટેલ મતદારો પરિણામ પર અસર પાડી શકે તેમ છે.

જો કે આ વિધાનસભા બેઠક પર ગત વિધાનસભામાં બંને રાજ્કીં પક્ષ ભાજપ અને કોંગ્રેસે પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. જેના પગલે આ ચુંટણીમાં પણ બંને રાજકીય પક્ષ આ જ ફોર્મ્યુલાને અનુસરે તેમ લાગી રહ્યું છે.

6 - વડગામ

ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની અતિ મહત્વની વિધાનસભા બેઠક Vadgam(SC) દલિત ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. વડગામ વિધાનસભા બેઠકમાં વડગામ તાલુકા ઉપરાંત પાલનપુર તાલુકાના ૩૨ ગામોનો સમાવેશ થાય છે. વડગામ (SC) બેઠકમાં કુલ ૨,૩૯,૨૭૫ મતદારો છે.જેમાં ૧,૨૬,૬૯૬ પુરુષ ઉમેદવાર અને ૧,૧૨,૫૭૯ મહિલા ઉમેદવાર છે. જયારે ૨૮૧ પોલીંગ બુથ છે.

વડગામ (SC) બેઠક પરના ચુંટણી પરિણામની વાત કરીએ તો જણાશે કે વર્ષ ૨૦૦૭માં ભાજપના ફકીરભાઈ વાઘેલાએ કોંગ્રેસના ઉમેદવારને હરાવીને આ બેઠક મેળવી હતી. જયારે વર્ષ ૨૦૧૨માં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મણિલાલ વાઘેલાએ ભાજપના ઉમેદવાર ફકીરભાઈ વાઘેલાને ૧૨ ટકા મતથી હરાવીને વિજય મેળવ્યો હતો. આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. આ બેઠક પર વર્ષ ૧૯૬૨ થી અત્યાર સુધી ભાજપ માત્ર બે જ વાર જીતી શક્યું છે.

આ બેઠક પરના જાતીય સમીકરણની વાત કરીએ તો જણાશે કે વિધાનસભામાં ૨૫ .૯ મુસ્લિમ,૧૫.૫ દલિત , ૯.૫ ઠાકોર, ૧૬.૪ ચૌધરી,૫.૬ ટકા રાજપૂત,૨૫.૯ અન્ય જાતિનું પ્રભુત્વ છે.જેમાં આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે તેનું કારણ પણ મુસ્લિમ,દલિત અને ઠાકોર મતદારો છે.આ મતદારો સમગ્ર બેઠકના ચુંટણી પરિણામને બદલી શકે તેમ છે.

7 - વાવ

બનાસકાંઠા જીલ્લાની અતિ મહત્વની વિધાનસભા બેઠક Vav છે. આ બેઠકમાં વાવ તાલુકા, ભાંભર તાલુકા અને પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ગામ કેશરગઠનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકમાં કુલ ૨,૩૯,૨૭૫ મતદાર છે. જેમાં ૧,૨૬, ૬૯૬ પુરુષ મતદાર છે. જયારે ૧,૧૨,૫૭૯ મહિલા મતદાર છે. તેમજ ૨૮૧ પોલીંગ બુથ છે. નવા સીમાંકન બાદ વાવ વિધાનસભા બેઠક બે ભાગના વિભાજીત થઈ છે. વાવની બેઠકમાં રાધનપુરના ૩૨ ગામનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પરચૌધરી, ક્ષત્રિયો અને બ્રાહ્મણ જાતિના મતદારો પ્રભુત્વ ધરાવે છે.

આ વિધાનસભા બેઠક પર યોજાયેલી વર્ષ ૨૦૧૨ની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન ઠાકોરને ૭ ટકા મતથી હરાવ્યા હતા. આ પૂર્વે વર્ષે ૨૦૦૭માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર માવજીભાઈ પટેલને ૨૭ ટકા મતથી હરાવ્યા હતા.

આ બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો જણાશે આ બેઠક પર ઠાકોર ૨૭.૪ ટકા, ચૌધરી પટેલ ૧૬.૩ ટકા, દલિત ૧૧.૯ ટકા, બ્રાહ્મણ ૯.૧ ટકા અને રબારી ૯.૧ ટકા જાતિના મતદારો છે. આ બેઠક પર જાતિગત મતદારોને સંખ્યામાં જોઈએ તો દલિત ૨૭,૦૦૦, ચૌધરી ૪૦,૦૦૦ , મુસ્લિમ ૧૩,૫૦૦ , બ્રાહ્મણ ૧૫,૦૦૦, ઠાકોર ૪૧,૦૦૦ જૈન ૮,૦૦૦, રબારી ૧૭,૦૦૦ , દરબાર ૪૫,૦૦૦ જેટલા છે.

આ બેઠક પરના જાતીય સમીકરણ પર નજર કરીએ તો જણાશે કે બંને રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગી જાતીય ગણિતને યોગ્ય રીતે સમજવાની જરૂર છે.જેમાં ગત વિધાનસભા ચુંટણીમાં ભાજપે ચૌધરી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા જયારે કોંગ્રેસે મહિલા અને ઠાકોર જાતિના ઉમેદવારને ટીકીટ આપી હતી. તેવા સમયે આ વખતે રાજકીય પક્ષો કઈ જાતીના ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
First published:

Tags: Assembly election 2017, Banaskantha, Danta, Gujarat assembly elections 2017, Gujarat Election 2017, Palanpur, Vadgham

આગામી સમાચાર