પાલનપુર : સોમવારે બનાસકાંઠા જિલ્લા (Sabarkantha District)માં કોરોના વાયરસ (Coronavirus)ને કારણે પ્રથમ મોત નોંધાયું છે. અહીં 65 વર્ષની એક મહિલાનું કોરોનાના સંક્રમણ (Corona Infection) બાદ સારવાર દરમિયાન મોત નોંધાયું છે. મહિલા પાલનપુર (Palanpur)ના ભાગળ ગામની રહેવાસી છે. કોરોનાના સંક્રમણ બાદ 65 વર્ષીય ફાતિમા મુખીને સારવાર માટે બનાસ મેડિકલની કોવિડ 19 હૉસ્પિટલ (Covid 19 Hospital)માં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સારવાર કારગર ન નિવડતા મહિલાનું સોમવારે મોત થયું છે.
બનાસકાંઠામાં કોરોના કેસ :
રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધી બનાસકાંઠા જિલ્લામાં 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. અત્યારસુધી સારવાર બાદ એક વ્યક્તિને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોનાને કારણે પ્રથમ મોત નોંધાયું છે. જ્યારે રાજ્યની વાત કરવામાં આવે તો રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધી રાજ્યમાં કુલ 3301 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 151 લોકોનાં કોરોનાને કારણે મોત થયા છે. 313 લોકો એવા છે જેમને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યના 33માંથી 30 જિલ્લામાં કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે.
લૉકડાઉન લંબાવવું જોઈએ : વિધાનસભા અધ્યક્ષ
લૉકડાઉન 2.0 ત્રીજી મે સુધી ચાલુ છે. આ મામલે આજે જ વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ લૉકડાઉન લંબાવવા મામલે નિવેદન આપ્યું હતું. તેમના કહેવા પ્રમાણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે પરંતુ લૉકડાઉન લંબાવવું જોઈએ. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જો જરૂર લાગે તો અમુક વિસ્તારમાં કર્ફ્યૂ પણ લાદી દેવો જોઈએ. વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યું કે, "હું સાયન્સનો વિદ્યાર્થી છું. મેં કોરોના મામલે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. વડોદરાના યુવાને કોરોનાને હરાવવા માટે રસ્તો બતાવ્યો છે. જાપાનના માઇક્રો બાયોલોજીને પણ તેમાં રસ પડ્યો છે."