બનાસડેરીનું સુકાન કોના હાથમાં? શંકર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું, તેમને હરાવવા માટે વિરોધીઓ સક્રિય


Updated: September 28, 2020, 4:20 PM IST
બનાસડેરીનું સુકાન કોના હાથમાં? શંકર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું, તેમને હરાવવા માટે વિરોધીઓ સક્રિય
શંકર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું.

બનાસકાંઠાના અનેક ખેડૂત આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને નેતાઓ શંકર ચૌધરીને હરાવવા એક થઈ ગયા હોવાની અનેક વાતો વહેતી થતાં જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: એશિયાની સૌથી મોટી અને વર્ષે 12,000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી બનાસ ડેરી (Banas Dairy)ની 19 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે. 20 ઓક્ટોબરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ગુજરાત સહિત દેશભરની નજર બનાસડેરીની ચૂંટણી પર મંડાણી છે. બીજી તરફ બનાસડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાના ફક્ત બે જ દિવસ બાકી હોવાથી આજે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી (Banas Dairy Shankar Chaudhary) પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને વર્તમાન નિયામક મંડળના 13 ડિરેક્ટરો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ (Nomination) ભર્યું હતું. આ સાથે તેઓએ જીતનો આશાવાદ વ્યક્ત કરતા આગામી વર્ષોમાં બનાસડેરીનું ટર્નઓવર આગામી પશુપાલકોના હિતમાં કામ કરવાની વાત કરી હતી. બીજી તરફ તેમને હરાવવા માટે તેમના વિરોધીઓ પણ સક્રિય થઈ ગયા છે.

આજે શંકરભાઈ ચૌધરી સિવાય જિલ્લાના અનેક દિગ્ગજ નેતાઓએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં થરાદ મામલતદાર કચેરી ખાતે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલેનું ઉમેદવારી ફોર્મ તેમના પુત્ર શૈલેશ પટેલે પોતાના સમર્થકો સાથે ભર્યું હતું. બીજી બાજુ પાલનપુરમાં બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળનું ફોર્મ તેમના પુત્ર વસંત ભટોળે તેમના સમર્થકો સાથે જઈને ભર્યું હતું. બનાસડેરીની ચૂંટણી માટે મંગળવારે બાકી રહેલા ઉમેદવારો પોતાનું ફોર્મ ભરશે. જેમાં બનાસડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ પોતાનું ફોર્મ ભરશે.માવજી દેસાઈએ શંકર ચૌધરી સામે ખુલ્લો બળવો કર્યો છે અને તેઓ શંકર ચૌધરી સામે પેનલ બનાવે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બીજી બાજુ સાંસદ પરબત પટેલ પણ શંકર ચૌધરી સામે માવજી દેસાઈ સાથે મળીને પેનલ બનાવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. બનાસકાંઠાના અનેક ખેડૂત આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને નેતાઓ શંકર ચૌધરીને હરાવવા એક થઈ ગયા હોવાની અનેક વાતો વહેતી થતાં જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.

બીજી બાજુ રાજનીતિના એક્કા ગણાતા શંકર ચૌધરીએ પોતાની પ્રતિષ્ઠા અને સત્તા ટકાવી રાખવા માટે છેલ્લા 6 માહિનાથી જ બનાસડેરીની ચૂંટણી જીતવા માટે અનેક યોજનાબદ્ધ રણનીતિ બનાવીને કામ શરૂ કરી દીધું હતું. બનાસડેરીની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાતા હવે શંકર ચૌધરીએ પોતાની સત્તા ટકાવી રાખવા એડીચોટીનું જોર લગાવ્યું છે. સામે તેમના હરીફો પણ ગુપ્ત બેઠકો કરીને ચૂંટણી જીતવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
બનાસડેરીની ચૂંટણી આગામી 19 તારીખે યોજાવાની છે, ત્યારે શંકર ચૌધરી દ્વારા તેમની પેનલ બિન હરીફ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે તો સામે પક્ષે શંકર ચૌધરીને હરાવવાના કારસા ઘડાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સાડા ત્રણ લાખ કરતા વધુ પશુપાલકો ધરાવતી બનાસડેરીનું સુકાન કોના હાથમાં આવે છે?
Published by: Vinod Zankhaliya
First published: September 28, 2020, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading