બનાસકાંઠા જિલ્લામાં મૃત્યુના બે બનાવથી ચર્ચા જાગી છે. અહીં ધાનેરામાં એક વકીલે પોતાની ઓફિસમાં જ ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. તો અન્ય એક ઘટનામાં ડીસાના રસાણા ગામે અજાણી મહિલાની લાશ મળી આવી છે. બંને ઘટનામાં પોલીસે પ્રથામિક વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસ પ્રમાણે બનાસકાંઠાના ધાનેરામાં એક વકીલે પોતાની ઓફિસમાં ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર વકીલનું નામ ફાલ્ગુન રાજગોર હોવાનું સામે આવ્યું છે, રાજગોરની ઓફિસ ધાનેરા પોલીસ સ્ટેશન પાછળ જ આવેલી છે. ઘટના અંગે સૌપ્રથમ જાણ સ્થાનિકોને થઇ હતી, ત્યારબાદ તેઓએ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી છે, તથા આપઘાત પાછળનું કારણ જાણવા પ્રયાસો કર્યા હતા.
અન્ય એક અપમૃત્યની ઘટના ડીસાના રસાણા ગામે એક અજાણી મહિલાની લાશ મળી આવતા દોડધામ મચી છે. અહીં આવેલા રોચક પલ્સ મિલની બાજુમાં સ્થિત વેસ્ટેજ પાણીમાં કોહવાયેલી લાશ મળી આવી હતી. બાદમાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ-અલગ જગ્યાએથી ત્રણ કોહવાયેલી લાશ મળી આવી છે. ઘટનાને લઇને સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો છે.