ગેનીબેન ઠાકોરની ચીમકી- 'પાણી નહીં મળે તો ખેડૂતો સરકારી મિલકતોને નુકસાન પહોંચાડશે'

ગેનીબેન ઠાકોર (ફાઇલ તસવીર)

 • Share this:
  બનાસકાંઠા વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય ગનીબેન ઠાકોરે ખેડૂતોને સિંચાઈના પાણીના પ્રશ્ને સરકારને રીતસરની ચીમકી આપી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

  મળતી માહિતી મુજબ, વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આજે ખેડૂતોના સિંચાઈના પાણીના પ્રશ્નો અને લોકોના પીવાના પાણીના મુદ્દે આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, જો બે દિવસમાં સરકાર ખેડૂતોને પાણી નહી આપે તો ખેડૂતો હિંસક બનશે, અને સરકારી મિલકતોને નુકશાન પહોંચાડશે તો સમગ્ર જવાબદારી તંત્રની રહેશે.

  શું કહ્યું ગેનીબેન ઠાકોરે?

  ગેનીબેને કહ્યું કે, ખેડૂતોની જે દયનીય પરિસ્થિતિ છે તે મુદ્દે કલેક્ટર સાથે મુલાકાત કરી છે. ખાસ કરીને, વાવ, ભાભર, સૂઈ ગામ થરાદ એ બાજુનો વિસ્તાર નર્મદાના પાણીના ભરોસે છે, ત્યારે નર્મદા કેનાલમાં પાણીના અભાવે ખેડૂતો બરબાદ થઈ ગયા. 15 જૂને જો વરસાદ ન પડે તો સરકારે અછત જાહેર કરવી પડે, પરંતુ આ ભાજપની સરકારે અછત પણ જાહેર નથી કરી. છેલ્લા 20 દિવસથી લોકોને પીવાના પાણીની પણ ખુબ તંગી પડી રહી છે. આ વિસ્તારના 200 જેટલા ગામ માટે તો પીવાના પાણી માટે નર્મદાના આધારિત છે. લોકોને પોતાના પૈસે ટેન્કર લાવી પીવાના પાણીની વ્યવસ્થા કરવાનો વારો આવ્યો છે.

  સરકારે ખેડૂતોને 15 મેના રોજ સિંચાઈ માટે પાણી આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ આજે તે વાતને 2 મહિના થઈ ગયા પરંતુ હજુ સુધી પાણી આપવામાં આવ્યું નથી. હવે તો ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે, નર્મદા ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે, તો પણ ખેડૂતોને સિંચાઈ માટે અને રહીશોને પીવાના પાણીની વ્યવસ્થા આ સરકાર નથી કરી રહી. આ સરકાર માત્ર વોટબેન્ક માટે ખેડૂતોને ઉપયોગ કરે છે, જો બે દિવસમાં ખેડૂતોને સરકાર પાણી નહી આપે તો, અમે વિરોધપક્ષના ધારાસભ્ય તરીકે ખેડૂતો માટે જે પણ વિરોધ કરવો પડશે તે કરીશું, આ સાથે તેમણે કહ્યું કે, અમે ખેડૂતોને લઈ તંત્રની કચેરીઓ પર ધરણા કરી વિરોધ પ્રદર્શન કરીશું, જેવી ભાષામાં અધિકારીઓને જવાબ આપવા પડે તેવી ભાષામાં આપીશું. જો ખેડૂતો પાણી માટે હિંસક બનશે તો તેની જવાબદારી તંત્રની જ રહેશે.

  ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન વિવાદાસ્પદ નિવેદન આપી વિવાદ સર્જી ચુક્યા છે. તેમણે ખેડૂતોના પાણીના પ્રશ્ને ગત મહિને એક ખેડૂત શિબિરમાં હાલના શાસક નેતાઓ અને વહીવટી અધિકારીઓને માર મારવાની વાત કરી કહ્યું હતું કે, મારૂ ચાલે તો બધાને મારી નાખુ, પછી ભલે મારે જેલમાં જવું પડે.
  Published by:kiran mehta
  First published: