મહેન્દ્ર અગ્રવાલ, અંબાજી : ભારતીય જનતા પાર્ટીના (BJP) નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R.Patil) પ્રદેશની જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાતનો (Gujarat) પ્રવાસ કરી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ બાદ હવે ઉત્તર ગુજરાતના સાત સરહદી વિસ્તાર સાહિતના જિલ્લાઓનો પ્રવાસ આગામી ત્રણ સપ્ટેમ્બરથી શરૂ કરવાના છે. ત્યારે સી.આર. પાટીલ ઉત્તર ગુજરાતનો પ્રવાસ શક્તિપીઠ અંબાજી ખાતેથી માં અંબાના દર્શન કરી શરૂ કરવાના છે.
ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત અંબાજીથી કરશે
જેના આયોજનને લઈને ગુજરાત ભાજપાના પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શંકરભાઇ ચૌધરી આજે અંબાજીની સ્થળ ચકાસણી તેમજ આયોજન અર્થે આવી પહોંચ્યા હતા. જ્યાં સી.આર. પાટીલના અંબાજી દર્શનથી લઇ સભા સ્થળ સુધીના સ્થળોની મુલાકાત કરી પાટીલનો પ્રવાસ સફળ બને તેવા આયોજન હાથ ધર્યા છે. આ સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના તેમજ સ્થાનિક ભાજપ મંડળના પદાધિકારીઓ સાથે પણ મિટિંગ યોજી કાર્યક્રમને સફળ બનાવા જણાવ્યું હતું. જોકે, સી.આર. પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત અંબાજીથી કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સી.આરની રક્ત તુલાનું પણ આયોજન કરાયું છે.
સી.આર. પાટીલને સેનેટાઇઝર તેમજ માસ્કથી તોલવામાં આવશે.
આ સાથે ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ઢોલના ધબકારે સી.આર. પાટીલના સ્વાગત ની તૈયારીઓ હાથ ધરાઈ હોવાનું પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે જણાવ્યું હતું. સાથે પાટણ ખાતે પણ સી.આર. પાટીલને સેનેટાઇઝર તેમજ માસ્કથી તોલવામાં આવશે. જેમાં સેનેટાઇઝર દેવસ્થાનોમાં તેમજ માસ્ક સફાઈ કામદારોને આપવામાં આવશે.
આ પણ જુઓ-
ગુજરાત પ્રવાસનો હેતુ શું?
નોંધનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લોકસભાની 26 માંથી 26ની જેમ વિધાનસભાની 182માંથી 182 બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં રાજ્યમાં ભાજપની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ખાસ કરીને 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળ્યા બાદ સરકારની કામગીરી અને સંગઠન સાથેના સંકલનની પરિસ્થિતિ કેવી છે તે ચકાસવા પાટીલ પોતે પ્રવાસ પર નીકળી ગયા છે.