આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : કોરોનાકાળમાં રાજ્યમાં આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ તો કોઈ માનસીક રીતે પરેશાન થઈ મોત વ્હાલુ કરી રહ્યા છે. પરંતુ આજે બનાસકાંઠામાં એક પ્રેમી પંખીડાએ તેમને સમાજ એકબીજા સાથે નહીં જીવવા દે તેવું માની, દુનિયાને અલવીદા કહી આપઘાત કરી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના ડીસા નજીક આવેલા માણેકપુર ગામમાં એક યુવક યુવતીએ લીમડાના ઝાડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો છે, આત્મહત્યા પહેલા બંનેએ લગ્ન વિધિ કરી યુવકે યુવતીની માંગમાં સિંદૂર પૂર્યા બાદ દુનિયાને અલવિદા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠાના માણેકપુરા ગામે પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતકોની લાશને પીએમ અર્થે ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, ડીસા તાલુકાના માણેકપુરા ગામે પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. માણેકપુરા ગામે રહેતા વકતુજી ઠાકોર અને અસ્મિતા ઠાકોર બંને એકબીજાના પ્રેમમાં હોવાથી પરિવાર અને સમાજના ડરના કારણે તેઓએ આજે વહેલી સવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા બન્નેએ લગ્ન વિધિ કરી યુવકે યુવતીના માંગમાં સિંદૂર પુરી એકબીજાની સાથે જીવવા-મરવાના કોલ આપી જીવનને અલવિદા કર્યું હતું.
માણેકપુરા ગામની સીમમાં આવેલ લીમડાના ઝાડ પર દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ડીસા તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે આવી પહોંચી બંને મૃતકોની લાશને પીએમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, યુવક અને યુવતી એક જ સમાજના હતા, પરંતુ સમાજ તેમને એક સાથે નહીં રહેવા દે તેવા ડરથી કર્યો આપઘાત. પ્રેમમાં નાદાની ભર્યા પગલાથી ઠાકોર પરિવારમાં માતમ છવાયો. સમાજમાં હજુ પણ પ્રેમ સંબંધને ગેરમાન્ય માનવામાં આવી રહ્યો છે. આખરે પ્રેમમાં પાગલ થઈ યુવાનહૈયું કઈં પણ વિચાર કર્યા વગર આ પ્રકારના પગલા ભરી રહ્યા હોવાનું અનેક વખત સામે આવી ચુક્યું છે.