આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : કોરોના વાઇરસની બીજી લહેર ખૂબ જ આતંક મચાવી રહી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં કોરોનાની બીજી લહેરને લઈ હવે સંક્રમિતો નહીં પરંતુ મૃત્યુ આંકમાં ધરખમ વધારો નોંધાયો છે. જીલ્લામાં વધતાં જતાં સંક્રમણને પગલે સર્જાયેલી ઑક્સીજનની ઘટને પગલે લોકો ટપોટપ મોતને ભેંટી રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લામાં કોરોનાને લઈ પરિસ્થિતી કાબૂ બહાર નીકળી ગઈ છે અને કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતાં ઑક્સીજનની સર્જાયેલી ઘટને પગલે હવે દર્દીઓના એક પછી એક મોત થતાં હોવાની ઘટના સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી આ પરિસ્થિતીને પગલે હવે પરિસ્થિતી કાબૂ બહાર નીકળતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઓક્સિજનની ઘટથી થતાં મૃત્યુની સંખ્યામાં થઈ રહેલા વધારા વચ્ચે આજે ડીસા શહેરમાં આવેલા હેત આઈ.સી.યુ.માં પણ પાંચ લોકોના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે.
છેલ્લા ચાર દિવસથી આ દર્દીઓને ડીસાના હેત આઈ.સી.યુ.માં સારવાર આપવામાં આવી રહી હતી. કોરોનાના આ દર્દીઓની હાલત ગંભીર હોવાના લીધે તેમણે ઑક્સીજનની જરૂર હતી. પરંતુ ઑક્સીજનની ઘટ હોવાના લીધે અગાઉ તેમણે ધાનેરાથી ઑક્સીજન લાવીને આપવામાં આવ્યો હતો, ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે અચાનક હોસ્પિટલમાં ઑક્સીજનનું લેવલ ઘટી જતાં આ દર્દીઓના મોત નીપજી ચૂક્યા છે.
આ ઘટના બનતા હેત આઈ.સી.યુ.માં મૃતકના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ચાર દિવસથી સારવાર લઈ રહેલા દર્દીઓના ઑક્સીજન ના મળવાથી મોત નિપજ્યાં છે, અને પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે, ઑક્સીજન પૂરો થઈ ગયો હોવા છતાં તબીબ દ્વારા કોઈ જ જાણ કરવામાં ના આવતા તેમના સ્વજનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ તબીબી લાપરવાહીને પગલે તબીબ સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાઇરસને લઈ પરિસ્થિતી હવે કાબૂ બહાર પહોંચી ગઈ છે, અત્યારે સુધી બનાસકાંઠા જીલ્લામાં કોરોના પોઝિટિવના આંકડા જોઈને લોકો દહેશત અનુભવી રહ્યા હતા. પરંતુ સરકાર દ્વારા લેવામાં આવતા આર.ટી.પી.સી.આર. ટેસ્ટના પોઝિટિવ આંકડા કરતાં હવે મૃત્યુઆંક વધી ગયો છે. બનાસકાંઠા જીલ્લામાં ચોવીસ કલાક થઈ રહેલા મૃત્યુ આંક પર નજર કરીએ તો આ આંકડો ખૂબ જ મોટો છે. અનઅધિકૃત રીતે જીલ્લામાં અત્યારે ચોવીસ કલાકમાં 100થી વધુ લોકો કોરોના વાઇરસથી દમ તોડી રહ્યા છે. જ્યારે અધિકૃત આંકડા કઈક અલગ જ કહાની રજૂ કરી રહ્યા છે.
વર્તમાન સમયની હકીકત જોતાં બનાસકાંઠા જીલ્લામાં દ્રશ્ય ખૂબ જ ડરામણું બની ગયું છે. પરંતુ તંત્ર દ્વારા હકીકત છુપાવવામાં આવતી હોવાના લીધે લોકોમાં પણ ગંભીરતા જોવા નથી મળી રહી, ત્યારે સરકાર આ મામલે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા નહીં ગોઠવે તો આવનારા સમય હજુ પણ ગંભીર પરિણામ લાવી શકે તેમ છે.