આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : જિલ્લાના લાખણી તાલુકાના એક ગામની સગીર યુવતી પર બે વર્ષ અગાઉ એક યુવકે તેનું છરીની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. જે ઘટનામાં એક મહિના સુધી રખડાવ્યા બાદ પણ પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ ન લેતા આખરે કોર્ટ બે પીઆઈ વિરુદ્ધ ફરિયાદ ના લઈ ગેરકાયદેસરનું કૃત્ય કર્યું હોવા મુજબનો ગુન્હો નોંધવાનો આદેશ કર્યો છે, બે પીઆઇ સામે કોર્ટ ના કડક વલણ થી જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
બનાસકાંઠામાં એક સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના બન્યા બાદ પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ ન લઇ ગંભીર બેદરકારી દાખવી હોવાની ઘટના સામે આવી છે, જેમાં લાખણી તાલુકાના ટરૂવા ગામની એક સગીર યુવતી બે વર્ષ અગાઉ ડીસા ખાતે રહેતી તેની માસી ના ઘરે આવી હતી તે સમયે રાત્રિના સમયે ડ્રાઇવિંગ નો વ્યવસાય કરતા પથુ પરમાર નામનો યુવક તેના બે મિત્રોની મદદથી અપહરણ કરી ગયો હતો. આ સગીર યુવતી ચોકમાં સુતી હતી તે સમયે તેના મોઢા પર રૂમાલ બાંધી છરી બતાવી બળજબરીપૂર્વક ગાડીમાં નાખીને પથુ પરમાર સહિત 3 શખ્સો અપહરણ કરી ગયા હતા. ત્યારબાદ આ પથુ પરમારે તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ જો ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો, અને ત્યારબાદ પણ સતત બે વર્ષ સુધી આ શખ્સ સગીરા સાથે દુષ્કર્મ આચરતો રહ્યો, આ દરમિયાન સગીરા ગર્ભવતી બનતા તેને ગોળી આપીને ગર્ભપાત પણ કરાવ્યો હતો.
આખરે કંટાળેલી સગીરાએ તેના માતા-પિતાને તમામ હકીકત જણાવતા તેઓ ડીસા સિટી પોલીસ મથકે ફરિયાદ આપવા ગયા હતા. પરંતુ, ફરિયાદ ન લેતા સગીરા તેના પરિવાર સાથે થરાદ પહોંચી હતી. જોકે ત્યાં પણ તેની રજૂઆત ન સાંભળતા બાદમાં તે થરાદ ડી વાય એસ પી અને ડીસા ડીવાયએસપી કચેરી અને છેલ્લે જિલ્લા પોલીસ વડા પાસે પહોંચી હતી, પરંતુ કોઈજ પોલીસ અધિકારીએ તેની ફરિયાદ ન લેતા આખરે તેને દિયોદર કોર્ટમાં અરજી કરતા નામદાર કોર્ટે આરોપીઓ સામે ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો.
આ પણ વાંચો - અમદાવાદ : જજની પત્નીનો ગંભીર આક્ષેપ, 'પોર્ન મુવી મુજબ વિવિધ ...., ના પાડુ તો ખુબ ગુસ્સે થતો'!
પીડિતાના વકીલ સુરેશ ખત્રીએ આ મામલે જણાવ્યું કે, પોલીસે ફરિયાદ ન લેતા કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેથી કોર્ટના આદેશ બાદ પોલીસે સગીરાની ફરિયાદ નોંધી, ત્યારબાદ આરોપીઓની અટકાયત કરી જેલના હવાલે પણ કર્યા છે. પરંતુ, 28 દિવસ સુધી સતત રાખડાવ્યા બાદ પણ પોલીસ અધિકારીઓએ આ સગીરાની ન તો રજૂઆત સાંભળી કે ન કોઇ કાર્યવાહી કરી જેથી સગીરાએ લાખણી કોર્ટમાં આ તમામ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કરી હતી, જેમાં સગીરાએ આરોપીઓને છવારયા હોવાના તેમજ ફરજમાં બેદરકારી દાખવી હોવાના મુદ્દે લાખણી નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતાં કોર્ટે સગીરાની રજુઆતમાં તથ્ય લાગતાં ડીસા સીટી દક્ષિણ પોલીસ મથકના પીઆઇ બી વી પટેલ અને થરાદ પોલીસ મથકના પીઆઈ જે બી ચૌધરી સામે ફરિયાદીની ફરિયાદ ન નોંધી ગેરકાયદેસર કૃત્ય કરવા બદલ ઈપીકો કલમ 166 એ મુજબનો ગુનો નોંધવા હુકમ કર્યો છે, તેમજ બંને પીઆઇને આગામી ૮ ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે પણ સમન્સ પાઠવ્યું છે.
રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોએ નાછૂટકે કોર્ટના દ્વાર ખખડાવવા પડે છે. આ કેસમાં પણ સગીર પીડિતાએ કોર્ટમાં ફરિયાદ કરતાં આખરે બે વર્ષ બાદ હવે પોલીસ અધિકારીઓ સામે નોંધવાનો હુકમ કર્યો છે, ત્યારે આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી પીડિતા ના પરિવારજનોની માંગ છે.