આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લા (Banaskantha District)માં આતંકવાદી (Terrorist) ઘૂસ્યો હોવાનો ખોટો મેસેજ કરવો એક યુવકને ભારે પડી ગયો છે. વાવ તાલુકાની પોલીસે ખોટો મેસેજ મોકલનારા યુવકની અટકાયત કરી છે.
વાવ તાલુકાના રાધાનેસડાના રહેવાસી વસરામ રબારી (Vasram Rabari)એ કરેલા ખોટો મેસેજ કરતાં લખ્યું હતું કે, "આતંકવાદી ઘૂસી ગયા છે, રાધાનેસડા કુંડાળીયા, માવસરી આવો કોઈ માણસ આવે તો પોલીસને જાણ કરો." વસરામ પાંચાભાઈ રબારીનો આ મેસેજ વિસ્તાર અને જિલ્લામાં વાયરલ થઈ ગયો હતો. મેસેજ વાયરલ થતાં લોકોમાં ભયના માહોલ ઊભો થયો હતો.
વાવ તાલુકાની પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મેસેજ વાયરલ (Viral Message) થયા બાદ વાવ, માવસરી પોલીસ તથા બીએસએફ (BSF) જવાનોએ એલર્ટ તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, વાયરલ મેસેજ ખોટો છે. ત્યારબાદ યુવક સામે કાર્યવાહી કરતાં વાવ પીએસઆઈ દ્વારા તેની અટકાયત કરવામાં આવી. ખોટો મેસેજ વાયરલ કરનારા વસરામ રબારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા સાથે પાકિસ્તાન (Pakistan)ની સરહદ સ્પર્શે છે. ત્યાંથી અનેકવાર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતાં પાકિસ્તાનીઓ પકડવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાન સરહદોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.