ડીસામાં દબાણ મામલે હંગામો, 3-4 સ્થાનિકોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

 • Share this:
  રાજ્યના તમામ શહેર અને ગામમાં સરકારી જમીન કેટલીએ જગ્યાઓ પર લોકો દ્વારા દબાણ કરી દેવામાં આવતુ હોય છે, ત્યારબાદ તંત્ર દ્વારા સરકારી જમીન પર કરેલ દબાણ દુર કરવાની કામગરી કરવામાં આવે છે. ત્યારે દબાણકારો અને તંત્ર વચ્ચે માથાકૂટ થવાની ઘટનાઓ સર્જાતી હોય છે. આવી જ ઘટના આજે બનાસકાંઠાના ડીસા શહેરમાં બની છે. અહીં તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી થઈ હતી.

  મળતી માહિતી મુજબ, ડીસા શહેરના હરીઓમ વિસ્તારમાં દબાણ કરી બેઠેલા સ્થાનિક લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી કે ગેરકાયદેસર રીતે દબાણ ટુંક સમયમાં હટાવવામાં આવશે. પરંતુ દબાણકારોએ નોટિસને ન ગણકારવામાં આવતા, નગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ તંત્ર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરે તે પહેલા જ સ્થાનિકો દ્વારા હંગામો શરૂ કરવામાં આવ્યો હતો.

  સ્થાનિકોએ પોતાના શરીર પર કેરસીન છાંટી સળગવાનો પ્રયાસ કરતા પોલીસે 10 જેટલા સ્થાનિકોની અટકાયત કરી. સ્થાનિકો અને પોલીસ વચ્ચે આ સમયે ઝપાઝપી શરૂ થઈ હતી. પોલીસે આખરે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી સ્થાનિકોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા પણ હંગામો શરૂ કરવામાં આવતા મહિલા પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે પણ ઝપાઝપી સર્જાઈ હતી.

  આ મામલે મોટો હંગામો થતા નગરપાલિકા ચીફ ઓફિસર, નાયબ કલેક્ટર અને પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોચીં ગયા હતા, અને સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિકોએ હંગામો શરૂ રાખતા પોલીસે 10 જેટલા લોકોની અટકાયત કરી મામલો થાળે પાડવાની કોશિસ કરી હતી. હાલમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
  Published by:kiran mehta
  First published: