બનાસકાંઠા : 5 પેટ્રોલપંપના માલિકો સાથે અધધધ... સાડા ત્રણ કરોડની છેતરપીંડી, ભેજાબાજ ઝડપાયો

પેટ્રોલ પંપના માલિકો સાથે છેતરપીંડી કરનાર આરોપીની અટકાયત

પાંચ પેટ્રોલ પંપ માલિકોના વેટ અને ઇન્કમટેક્સના નાણાં કચેરીઓમાં જમા ન કરાવી ટેક્સ કન્સલ્ટન્ટના એકાઉન્ટન્ટે પેટ્રોલ પંપ માલિકોને ખોટા ચલણ આપી રૂપિયા 3.46 કરોડ રૂપિયાની ઉચાપત કરી

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : જિલ્લાના પાંચ પેટ્રોલ પંપ માલિકોના વેટ અને ઇન્કમટેક્સના નાણાં કચેરીઓમાં જમા ન કરાવી ટેક્સ કન્સલ્ટન્ટના એકાઉન્ટન્ટે પેટ્રોલ પંપ માલિકોને ખોટા ચલણ આપી રૂપિયા 3.46 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. આ બાબતે પેટ્રોલ પંપના મેનેજરે એકાઉન્ટ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકો માજ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  ડીસાના કંસારી હાઈવે પર આવેલ લાભ પેટ્રોલ પંપના ઇન્કમ ટેક્ષ સેલટેક્સ કન્સલ્ટન્ટ તરીકે ડીસાના જલારામ મંદિર પાછળ શ્રીજી આર્કેડ માં આવેલ કમલેશભાઈ હેરુવાલા કન્સલ્ટિંગ કરી રહ્યા છે. જેમની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે સાગર હરેશભાઈ બનાવવાળા નામનો યુવક નોકરી કરે છે. જેમાં લાભ પેટ્રોલ પંપ દ્વારા દર માસે ભરવાની થતી વેટની રકમ અગાઉ સેલ્સટેક્સ ઓફિસના નામનો ચેક આપતા હતા.જેથી સાગર તેઓને ચલણ મોકલી દેતો હતો.

  જોકે વર્ષ 2016- 17 થી ચલણ ઓનલાઇન ભરવાના થતા સાગર ના કહેવાથી પેટ્રોલ પમ્પ ના મેનેજર દ્વારા ડીસાની એસ.બી.આઈ.માં ખાતું ખોલાવ્યું હતું. પરંતુ સાગરે તેમને જણાવેલ કે એસબીઆઇના એકાઉન્ટમાં થી લોગીન પાસવર્ડ ખુલતા નથી જેથી તમે દર મહિને મને રોકડા પૈસા મોકલાવી દેજો હું તમારા વેટ અને ઇન્કમટેક્સ ના નાણાં ભરી દઈશ .જેથી તેઓ દર મહિને સાગરને નાણાં મોકલતા હતા અને ત્યારબાદ સાગર પણ ચલણ ભરીને રસીદ મોકલાવી દેતો હતો. જોકે સેલ ટેક્સ વિભાગ તરફથી લાભ પેટ્રોલ પંપને વર્ષ 2016- 17 થી વર્ષ 2020- 21 ના વેટના નાણાં ભરવાના બાકી હોવાની નોટીસ મોકલવામાં આવતા તેઓએ તપાસ કરતાં સાગરે જણાવેલ કે, હું એક સપ્તાહમાં તમારા પૈસા ભરી દઇશ. જોકે ત્યારબાદ પણ પૈસા ન ભરાતા પેટ્રોલ પંપ નું એકાઉન્ટ સેલ ટેક્સ વિભાગ દ્વારા બંધ કરી દેવાયું હતું. જેથી આ સમગ્ર મામલામાં છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સેલટેક્સ કચેરીમાં તપાસ કરતા સાગરે વેટના અને ઇન્કમટેક્સ નાણાં જમા ન કરાવી ખોટા ચલણ બનાવી ખોટા ચલણોનો ખરા તરીકે ઉપયોગ કરી પેટ્રોલપમ્પના માલિકો સાથે છેતરપિંડી આચરી હતી.

  કયા પેટ્રોલ પંપના સંચાલકો સાથે કેટલી છેતરપીંડી?

  (1)લાભ પેટ્રોલિયમ કંસારી. રૂ 1,12,35625
  (2) સુંધેશ્વરી પેટ્રોલિયમ, થરાદ રૂ 1,05,92,938
  (3) માન મોટો મોબાઈલ્સ, રાહ રૂ 73,70,202
  (4) ધરણીધર પેટ્રોલિયમ. રૂ 33,24,384
  (5) ડી કે પેટ્રોલિયમ, દામાંરૂ 20,83,480
  કુલ - રૂ. 3,46,10,134ની છેતરપીંડી કરી

  આ બાબતે પેટ્રોલ પંપના માલિકે અન્ય લોકોને પણ પૂછતા બનાસકાંઠા લગભગ પાંચ જેટલા પેટ્રોલપંપના માલિકો સાથે આ જ રીતે કુલ રૂ.3.46 કરોડની છેતરપિંડી સાગર બનાવાલાએ કરી હોવાનું સામે આવ્યું છે. જે અંગે લાભ પેટ્રોલ પંપના મેનેજર કરસનભાઈ વેલાભાઇ ચૌધરીએ એકાઉન્ટન્ટ સાગર હરેશભાઈ બનાવાલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સાગરની તાત્કાલિક અટકાયત કરી છે અને આ ગુન્હાઓમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને કઈ રીતે છેતરપીંડી આચારી છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે. આ અંગે ડીસા ડીવાયએસપી ડો.કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે, પેટ્રોલપંપ માલિકો સાથે છેતરપીંડી કરનાર આરોપી ની અટકાયત કરાઈ છે જેની વધુ તપાસ ચાલુ છે.
  Published by:kiran mehta
  First published: