અરવલ્લીઃ હજારો જંગલી ભૂંડો 200 વિઘામાં મગફળીનો પાક ઓહિયા કરી ગયા

પ્રતિકાત્મક તસવીર

મોડાસાના સાકરિયાની 200 વીઘા જમીનના ખેતરોમાં મગફળી, કપાસના પાકમાં બેથી પાંચ ફૂટના ખાડા પાડી પાકનો નાશ કરી દેતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.

 • Share this:
  હાર્દિક પટેલ, અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં જંગલી ભૂંડ, નીલગાયનો ત્રાસ રહેલો છે. ત્યારે મોડાસાના સાકરિયાની 200 વીઘા જમીનના ખેતરોમાં મગફળી, કપાસના પાકમાં બેથી પાંચ ફૂટના ખાડા પાડી પાકનો નાશ કરી દેતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.

  મળતી માહિતી પ્રમાણે મોડાસાના સાકરિયા ગામ પંથકમાં 200થી 400 વીઘા જમીન જાંગલ વિસ્તારને અડકીને આવેલી છે. ખેડૂતો દ્વારા હજારો હેક્ટર જમીનમાં મગફળી,કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને વરસાદી માહોલ વચ્ચે જ્યારે પાક લહેરાતો હતો ત્યારે ખેડૂતોને આશા હતી કે આ વખતે વાવેતર ખુબ સારું થશે. પરંતુ બીજી તરફ એક નવી આફત ખેડૂતો માથે આવીને ઊભી હતી. અને માત્ર ૨૪ કલાકમાં લહેરાતા પાકનો સત્યાનાશ વળી ગયો હતો. જંગલી પશુ ભૂંડ અને નીલ ગાયનું હજારોનું ટોળું 200 વીઘાના ખેતરોમાં ફરી વળતા એક જ રાતમાં ખેતરોમાં ઊંડા ખાડા પાડી દીધા હતા.

  ભૂમિપુત્રોએ જંગલી પશુઓના ત્રાસથી લોખંડની વાડ કરી હતી. જોકે તેને પણ જંગલી પશુઓએ તોડી નાખી છે. જિલ્લા વન વિભાગની કચેરી નજીક હોવા છતાં અનેક રજૂઆત છતાં કોઈ પગલા ભરાતા નથી. સાકરિયા ગામના મનુભાઈ પટેલે ગામની સીમમાં 14 વીઘા જમીનમાં 22 કટ્ટા મગફળીનું બિયારણ 89 હજાર રૂપિયાના ખર્ચે વાવેતર કર્યું હતું.

  મનુભાઈ જણાવે છે કે જીવ કરતા વધુ સાચવીને મગફળીની ખેતી કરી છે પણ આ જંગલી પશુ કઈ પણ ટકવા દેતા નથી. અગાઉ પણ તરબૂચ, ટેટીની ખેતી કરી હતી તેમાં પણ બે લાખથી વધુનું નુકસાન થયું હતું. આ વખતે તો ખેતરમાં મગફળીના છોડને જમીનમાંથી ઉખાડી મગફળી ભૂંડ ખાઈ ગયા છે. જેથી હવે એક પણ રૂપિયાનું વાવેતર આ પાકમાંથી થાય એમ નથી. પશુઓથી બચવા લોખંડની વાડ કરી છે. પણ હજારો ભૂંડના આક્રમણ સામે આ વાડ તૂટી જાય છે. હવે વન વિભાગ રસ્તો કાઢે તેવી માંગણી છે.

  ભૂમિપુત્રો દિવસ રાત એક કરીને પાકો ઉભો કરે છે ત્યારે ક્યારેક કુદરતી આફત તો ક્યારેક જંગલી પશુઓનો હુમલો ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે. અનેક મુશ્કેલીઓ વચ્ચે દબેલો ખેડૂત સરકારી વન વિભાગના ખાતા સામે મદદની અપેક્ષા રાખી રહ્યો છે.
  Published by:ankit patel
  First published: