હાર્દિક પટેલ, અરવલ્લી/ આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લીના ભિલોડામાં નોંધાયો છે. અહીં એક જ રાતમાં સાત ઇંચ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. વરસાદને કારણે બુઢેલી અને હાથમતી નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. પાણીની આવકને પગલે દોલવાણી તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. અરવલ્લી ઉપરાંત બનાસકાંઠાના ભાભરમાં 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
અરવલ્લીમાં ભારે વરસાદથી તળાવના પાણી રોડ અને ખેતરોમાં ફરી વળ્યાં છે. શામળાજી અને ભિલોડા હાઇવે પર પણ પાણી ફરી વળ્યાં છે. આ ઉપરાંત ભિલોડાની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે.