અરવલ્લી-સાબરકાંઠામાં બારેમેઘ ખાંગા! નદીઓમાં ઘોડાપૂર, મેશ્વો ડેમ ઓવરફ્લો

વરસાદ

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર ભેખડો ધસી પડી, છીટાદરા-હિમ્મતપુર પરનો પૂલ બેસી ગયો, હરણાવ નદીમાં ઘોડાપુર, 12 લોકો ફસાયા.

  • Share this:
    બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વેલમાર્ટ લો-પ્રેશર અને વાવાઝોડાના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ રી- એન્ટ્રી કરી છે. ભાદરવાની ગરમીમાં ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે અમુક જગ્યાઓએ ધીમીધારે વરસાદ વરસ્યો. વરસાદને કારણે બફારાથી રાહત મળી, જ્યારે ખેડૂતો માટે વરસાદ સોના સમાન બન્યો છે. શનિવારથી રાજ્યમાં વરસાદનું ફરીથી આગમન થયું છે. ચોમાસાની વિદાય વખતે રાજ્યના 19 જિલ્લાના 123 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

    રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે, મોટાભાગના વિસ્તારમાં દિવસભર વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું, પરંતુ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર મેઘ મહેર કરી છે. સાબરકાંઠા, અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી અરવલ્લીના ભિલોડામાં વરસાદ નોંધાયો છે. અહીં વાદળ ફાટતા 48 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના મોટાભાગની નદી, નાળાં બે કાંઠે વહેવા લાગ્યા છે.

    હિંમતનગરમાં 6 ઈંચ વરસાદ
    સૌપ્રથમ સાબરકાંઠા જીલ્લાની વાત કરીએ તો, સાબરકાંઠામાં રાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે. જેને પગલે મોટાભાગના નિચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. સાબરકાંઠા જીલ્લામાં 4 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો, હિંમતનગરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ઈડરમાં 5 ઈંચ, ખેડબ્રહ્મામાં 21 મીમી, પોશીનામાં 8મીમી, પ્રાંતિજમાં 6મીમી, વડાલીમાં 1 ઈંચ અને વિજયનગરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

    હરણાવ નદીમાં ઘોડાપુર, 12 લોકો ફસાયા
    સાબરકાંઠામાં ઠેર ઠેર વરસાદના પગલે ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે થઈ છે. અચાનક નદી બે કાંઠે થતા, નદીમાં 12 લોકો ફસાયા હતા. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી ભારેજહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અચાનક હરણાવ નદીમાં પૂર જેવી પરિસ્થિતી સર્જાઈ છે. તો હિંમતનગરમાં પણ હાથમતી નદીમાં પાણીના નવા નીર આવ્યા છે. હાથમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા, એક રીક્ષા ફસાઈ ગઈ હતી. તો આ બાજુ હિંમતનગરના ખેડાવાડા પાસે આવેલી ધાવરી નદીમાં પણ નવા નીર આવ્યા છે, ઘણા સમય બાદ નદીમાં પાણીનો અદભૂત નજારો જોવા મળતા લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.



    અરવલ્લીમાં 48 કલાકમાં 7 ઈંચ વરસાદ
    જો, અરવલ્લી જીલ્લાની વાત કરીએ તો, અહીં બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. અરવલ્લી જીલ્લામાં છેલ્લા 48 કલાકથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જીલ્લામાં 48 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. મોટાભાગની નદીઓ બે કાંઠે થઈ છે. જીલ્લાના તમામ ડેમમાં નવા નીરની આવક થઈ છે. મેશ્વો ડેમ તો ઓવરફ્લો થયાના સમાચાર મળી રહ્યા છે.

    આ પણ વાંચો

    રાજ્યમાં મોટાભાગના જીલ્લામાં મેઘરાજાની ફરી બેટિંગ, સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં નોંધાયો

    હિમાચલ પ્રદેશમાં રેડએલર્ટઃ ધોધમાર વરસાદને લીધે 126 રસ્તા બંધ, ટૂરિસ્ટ ફસાયા

    અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર ભેખડો ધસી પડી
    અરવ્લલીના ભિલોડામાં ભારે વરસાદના કારણે ડુંગર પરથી ભેખડો નીચે ઘસી આવી છે. નેશનલ હાઈવે પર ભેખડ નીચે પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ બેખડો અમદાવાદ - ઉદેપુર હાઈવે પર ઘસી પડી છે. રાત્રી દરમ્યાન ભેખડો પડતા વાહન ચાલકોનું જોખમ વધી ગયું છે.



    ડેમોમાં નવા નીરની આવક
    ભારે વરસાદના પગલે જીલ્લાના મોટાભાગના ડેમમાં નવા નીરની આવક થઈ છે. માઝુમ ડેમમાં 8100 ક્યુસેક, વૈડીમાં 6500 ક્યુસેક આવક, જ્યારે વાત્રક જળાશયમાં 300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તો મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે.



    માધુમ, મેશ્વો અને બુઢેલી નદી ગાંડીતુર બની
    અરવલ્લી જીલ્લામાં મૂશળદાર વરસાદને પગલે મોટાભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે, પરંતુ મેશ્વો ડેમ ઓવરફ્લો થતા મેશ્વો નદી તો રીતસરની ગાડીતૂર બની છે. મેશ્વો નદી કિનારાના 19 ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નદી પાસે નહી જવા માટે સૂચના આપવામાં આવી છે. માઝુમ નદીમાં પણ ગોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. તો બુઢેલી તથા હાથમતી નદી પણ બે કાંઠે વહેતી થતા અદભૂત નજારો સર્જાયો છે.



    છીટાદરા-હિમ્મતપુર પરનો પૂલ બેસી ગયો
    આ બાજુ મેઘરજના રેલ્લાવાડા પાસે આવેલી માઝુમ નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. જેને પગલે છીટાદરા-હિમ્મતપુર પરનો પૂલ બેસી ગયો એક કરોડના ખર્ચે બનાવવામાં આવેલો પુલ બેસી જતા વાહન ચાલકો માટે જોખમ ઉભુ થયું છે. મહત્વની વાત એ છે કે, લોકો જોખમ ખેડી પુલ પરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા હજુ તકેદારીના પગલા લેવામાં નથી આવ્યા.



    વણાંકબોરી ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડાયું
    જો ખેડાની વાત કરીએ તો, વણાંકબોરી ડેમમાં નવા પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાણીની આવક વધી છે. પાનમ ડેમમાંથી 1480 ક્યુસેક વણાંકબોરી ડેમમાં આવક થઈ છે. વમાંકબોરી ડેમના 5 દરવાજા ખોલી પાણી નદી અને કેનાલમાં છોડવામાં આવ્યું છે. સિંચાઈ માટે મહી કેનાલમાં 6200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મહિસાગર નદીમાં 6300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વણાંકબોરી ડેમનું હાલનું લેવલ 222.25 ફૂટ છે. મહત્વની વાત એ છે કે, ગણેશ વિસર્જનના સમયે મહિસાગર નદીમાં પાણી ઠલવાતા સંચાલકો પણ મુશેકેલીમાં મુકાયા હતા, અચાનક નદીમાં પાણી વધે તો મોટી દુર્ઘટના સર્જાવાની પણ શક્યતા વધી જાય છે.

    કચ્છમાં પણ વરસાદ
    કચ્છમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. માંડવીના ભુજપુર સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે મેઘમહેર થતા વાતાવરણામાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને પગલે લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
    Published by:kiran mehta
    First published: