Home /News /north-gujarat /

અરવલ્લીઃ ભિલોડાની હાથમતી નદીમાં ઘોડાપૂર, ગામડાઓને એલર્ટ કરાયા

અરવલ્લીઃ ભિલોડાની હાથમતી નદીમાં ઘોડાપૂર, ગામડાઓને એલર્ટ કરાયા

હાથમતી નદીમાં આવેલું પૂર

    ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભિલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં ધોડાપૂર આવ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરાયા છે. નદીનું સ્તર જો હજી પણ વધશે તો નીચાણવાળા ગામડાઓના લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી શકે છે. હાથમતી નદી રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશે છે. ગઈકાલે રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદ તેમજ મંગળવાર રાતથી અરવલ્લી જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે બંને નદીમાં પૂર આવ્યાં છે.

    શામળાજી અને ભિલાડામાં ગઈકાલ રાતથી જ વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે ગઈકાલે જ હાથમતી નદીમાં નવા નીર આવ્યા હતા, પરંતુ રાત્રે પડેલા વરસાદને કારણે બુધવારે સવારથી જ નદી તોફાની બની હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મામલતદાર સહિતના અધિકારીઓ કામે લાગી ગયા છે. તલાટી મંત્રીઓના મારફતે નદીના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિકોને નદી કાંઠે ન જવાની સૂચના પણ આપી દેવામં આવી છે.



    બુઢેલી નદીના પુલિયા પરથી ટ્રાફિક બંધ કરાવાયો

    મળી રહેલી માહિતી પ્રમાણે બુઢેલી નદીમાં પૂરને કારણે તેના પર આવેલા પુલ પરથી પાણી પસાર થઈ રહ્યું છે. તકેદારીના ભાગરૂપે તંત્રએ પોલીસની મદદથી હાલ આ પુલ પરથી ટ્રાફિક અટકાવી દીધો છે. ભૂતકાળમાં ગામડાઓમાં પાણી ઘૂસી ગયાના બનાવ બન્યા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રેને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવ્યું છે. બીજી તરફ ભિલોડાના સ્થાનિક લોકોએ નદીમાં નવા નીર આવતા શ્રીફળ પધરાવી નવા નીરનું સ્વાગત કર્યું છે.

    છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં આઠ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. મંગળવાર રાતથી પડી રહેલા વરસાદને કારણે શામળાજીમાં મંદીર તરફ જવાનો રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. મોડી રાતથી શરૂ થયેલી વરસાદ હાલ પણ ચાલુ જ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Aravalli district, Bhiloda, Heavy rain, IMD, Rain forecast

    આગામી સમાચાર