હાર્દિક પટેલ, અરવલ્લીઃ લોક રક્ષક દળની પરીક્ષા આપવા જતાં એક ઉમેદવારનું પરીક્ષા આપે તે પહેલાં જ મોત થયું છે. આ દુઃખદ બનાવ અરવલ્લી જિલ્લાના બાયડના સરસોલી ખાતે બન્યો હતો. અહીં એક પરીક્ષાર્થીનું બાઇક ઝાડ સાથે અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
કપડવંજ ખાતે પરીક્ષા આપવા જતો હતો
મળતી માહિતી પ્રમાણે રવિવારે યોજાયેલી લોક રક્ષક દળની પરીક્ષા માટે માલપુરના મગોડી ગામનો વિપુલ ખાંટ નામનો યુવક બાઇક પર સવાર થઈને કપડવંજ જઈ રહ્યો હતો. આ દરમિયાન બાયડના સરસોલી ગામ ખાતે તેનું બાઇક એક ઝાડ સાથે ટકરાયું હતું.
બાઇક ઝાડ સાથે અથડાયા બાદ વિપુલના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદમાં તેનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. નોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં એલઆરડીની પરીક્ષા માટે કોઈ જ કેન્દ્ર આવ્યું નથી.
ટેટની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે જિલ્લાનું નામ સામે આવ્યું ન હતું. એટલું જ નહીં લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક મામલે પણ અરવલ્લીમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના પરીક્ષાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવા માટે ગુજરાત એસટીએ 50 જેટલો વધારાની બસો ફાળવી છે.
રવિવારે રાજ્યના 2440 પરીક્ષા કેન્દ્રો પર લોક રક્ષક દળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે એસ.ટી. તંત્ર તરફથી પરીક્ષાર્થીઓને જે-તે શહેરમાં પહોંચાડવા માટે ખાસ વધારાની બસો ફાળવવામાં આવી છે. આ દરમિયાન પોલીસે અરવલ્લી જિલ્લામાં એક એસ.ટી. ડ્રાઇવરની અટકાયત કરી છે. ડ્રાઇવર પીધેલી હાલતમાં પરીક્ષાર્થીઓને લઈને જઈ રહ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર