Home /News /north-gujarat /Gujarat election 2022: મોડાસા બેઠક પર કોંગ્રેસની સત્તા જળવાઇ રહેશે? જાણો શું છે સ્થિતિ
Gujarat election 2022: મોડાસા બેઠક પર કોંગ્રેસની સત્તા જળવાઇ રહેશે? જાણો શું છે સ્થિતિ
modasa assembly constituency : મોડાસા વિધાનસભા બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના હાથમાં છે જ્યારે એ અગાઉની ચાર ટર્મ સુધી ભાજપનો સતત વિજય થયો હતો. આ વિધાનસભા મતક્ષેત્રમાં મોડાસા અને ધનસુરા વિસ્તાર સૌથી મોટા છે. જ્યાં ઠાકોર સમાજની વસતી વધુ હોવાનું જાણવા મળે છે. ઠાકોર સમાજની વસતી વધુ હોવાથી મોડાસા વિધાનસભા બેઠક પર મોટાભાગે ઠાકોર સમાજના ઉમેદવારોની જ પસંદગી થાય છે.
modasa assembly constituency : મોડાસા વિધાનસભા બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના હાથમાં છે જ્યારે એ અગાઉની ચાર ટર્મ સુધી ભાજપનો સતત વિજય થયો હતો. આ વિધાનસભા મતક્ષેત્રમાં મોડાસા અને ધનસુરા વિસ્તાર સૌથી મોટા છે. જ્યાં ઠાકોર સમાજની વસતી વધુ હોવાનું જાણવા મળે છે. ઠાકોર સમાજની વસતી વધુ હોવાથી મોડાસા વિધાનસભા બેઠક પર મોટાભાગે ઠાકોર સમાજના ઉમેદવારોની જ પસંદગી થાય છે.
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat election 2022) માટે રાજકીય પક્ષોની વ્યુહ રચના ગોઠવાઈ ચૂકી છે. કોંગ્રેસ અને ભાજપ ગ્રાઉન્ડ લેવલે કાર્યકરોને તૈયાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના ટોચના આગેવાનોની ગુજરાત (Gujarat) મુલાકાત ગોઠવાઈ ચૂકી છે. ગુજરાતમાં બે દસકાથી રહેલા ભાજપના શાસન સામે આ વખતે માત્ર કોંગ્રેસ નથી.
આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIM જેવા પક્ષો ભાજપ અને કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જેથી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધુ તેજ હિલચાલ જોવા મળશે. ખાસ કરીને લઘુમતીઓનું થોડુંઘણું પણ પ્રભુત્વ હોય તેવી બેઠકો પર અણધાર્યા પરિણામ આવી શકે છે. આજે અહીં આવી જ એક બેઠક મોડાસા વિધાનસભા બેઠકની (Modasa assembly seat) સ્થિતિ અંગે જાણકારી આપી છે.
મોડાસા વિધાનસભા બેઠક (modasa assembly constituency) પર ચૂંટણીનો ઈતિહાસ
વર્તમાન સમયે મોડાસાના ધારાસભ્ય તરીકે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ બે ટર્મથી આ બેઠક પર ચૂંટાઈ આવે છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને આ બેઠક પરથી ટિકિટ આપી હતી.
જ્યારે તેમની સામે ભાજપે તે સમયના ધારાસભ્ય દિલીપસિંહ પરમારને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ ઠાકોરનો વિજય થયો હતો. તે ચૂંટણીમાં રાજેન્દ્રસિંહને 88879 મત મળ્યા હતા. જ્યારે દિલીપસિંહને 66021 મત મળ્યા હતા. આમ 2012ની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ 22858ની સરસાઈથી જીત્યા હતા.
જોકે, ત્યારબાદ ગત 2017 વિધાનસભા ચૂંટણીના પરિણામ રોચક રહ્યા હતા. તે ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ ઠાકોરને 83411 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર પરમાર ભીખુસિંહજીને 81771 મત મળ્યા હતા. એટલે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં મોડાસા બેઠક પર રાજેન્દ્રસિંહ માત્ર 1640 મતની પાતળી સરસાઈથી જીતી શક્યા હતા. જેથી આગામી 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને આ બેઠક જાળવી રાખવા વધુ મહેનત કરવી પડશે.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
રાજેન્દ્રસિંહ ઠાકોર
કોંગ્રેસ
2012
રાજેન્દ્રસિંહ ઠાકોર
કોંગ્રેસ
2007
દિલીપસિંહ પરમાર
ભાજપ
2002
દિલીપસિંહ પરમાર
ભાજપ
1998
દિલીપસિંહ પરમાર
ભાજપ
1995
દિલીપસિંહ પરમાર
ભાજપ
1990
હરિભાઇ પટેલ
JD
1987
આર એમ છગનસિંહ
કોંગ્રેસ
1985
ચંદુસિંહ ઠાકોર
કોંગ્રેસ
1980
અંબાલાલ ઉપાધ્યાય
કોંગ્રેસ
1975
અર્જનભાઈ પટેલ
BJS
1972
અંબાલાલ ઉપાધ્યાય
કોંગ્રેસ
1967
એન એસ પટેલ
SWA
1962
વાડીલાલ મહેતા
કોંગ્રેસ
મતદારોની સંખ્યા
મોડાસા વિધાનસભા મતવિસ્તાર (31) ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલ છે અને સાબરકાંઠા લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ, કુલ 329358 વસ્તીમાંથી 79.46 ટકા ગ્રામીણ અને 20.54 ટકા શહેરી વસ્તી છે.
અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 7.56 અને 2.61 છે. વર્ષ 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 337 મતદાન મથકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 65.82 ટકા મતદાન થયું હતું, જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 71.17 ટકા મતદાન થયું હતું. ભાજપ અને કોંગ્રેસને 2017માં અનુક્રમે 46.83 ટકા અને 47.77 ટકા મત મળ્યા હતા.
મોડાસા વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યામાં આ વખતે 25,000થી વધુ વધારો થયો છે. અરવલ્લી જિલ્લાના આ મતક્ષેત્રમાં કુલ 2.70 લાખ જેટલા મતદારો હોવાનું જાણવા મળે છે. આ મતદારોમાં 1.37 લાખ પુરુષો અને 1.32 લાખ સ્ત્રી મતદારો છે, તેમજ 18 અન્ય કેટેગરીના છે. આ વિધાનસભા બેઠકમાં કુલ 177 ગામોનો સમાવેશ થાય છે.
જ્ઞાતિ જાતિના સમીકરણો
આ વિધાનસભા મતક્ષેત્રમાં મોડાસા અને ધનસુરા વિસ્તાર સૌથી મોટા છે. જ્યાં ઠાકોર સમાજની વસતી વધુ હોવાનું જાણવા મળે છે. ઠાકોર સમાજની વસતી વધુ હોવાથી મોડાસા વિધાનસભા બેઠક પર મોટાભાગે ઠાકોર સમાજના ઉમેદવારોની જ પસંદગી થાય છે. બેઠકમાં લેઉવા, કડવા અને કચ્છી પટેલની વસ્તી પણ વધુ છે. મોડાસા તાલુકામાં લઘુમતી સમાજના વોટ પણ નોંધપાત્ર છે.
મોડાસાનો ઈતિહાસ
મોડાસા ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે. આનુશ્રુતિક વૃત્તાંત મુજબ રાજા માંધાતાના નામ પરથી આ નગરનું નામ પડેલું છે. આ વિસ્તાર પ્રાચીન વારસો ધરાવે છે. અહીંથી બે લાખ વર્ષ જૂની પાષાણયુગની સંસ્કૃતિનાં ઓજારો માઝુમ નદીના પટમાંથી પ્રાપ્ત થયાં છે. અહીં ભારતીય-યવન (ઇન્ડો-ગ્રીક) રાજાઓની મુખાકૃતિવાળા સિક્કાઓ પણ પ્રાપ્ત થયા છે.
છેલ્લાં બે હજાર વર્ષનો મોડાસાનો ઇતિહાસ ભાતીગળ રહ્યો છે. વિદ્વાનોના મત મુજબ મોડાસા પર મૌર્ય, ક્ષત્રપ, ગુપ્ત અને મૈત્રક રાજવીઓનું આધિપત્ય હતું. ઈ. સ. 1577માં મુઘલોએ મોડાસામાં પોતાનું લશ્કરી થાણું સ્થાપ્યું હતું.
બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ પછી દિલ્હીની હકૂમત નબળી પડતાં મરાઠાઓએ અહીં પ્રભુત્વ સ્થાપવા પ્રયત્ન કર્યો હતો અને ઈ. સ. 1742થી 1791 સુધી મરાઠાઓનું પ્રભુત્વ રહ્યું હતું. ઈ. સ. 1818થી મોડાસા પર અંગ્રેજોએ હકૂમત સ્થાપી અને મોડાસા ડિવિઝન બન્યું હતું. ત્યારબાદ આઝાદીની લડતમાં અહીંના નાગરિકોએ અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો.
ભાજપની કવાયત, સીઆર પાટીલની મુલાકાત
ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લામાં વિધાનસભા બેઠક જીતવા માંગે છે. જેથી તાજેતરમાં જ ભાજપના પ્રદેશપ્રમુખ સી આર પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વન ડે વન ડીસ્ટ્રીક કાર્યક્રમ હેઠળ મોડાસાની મુલાકાત લીધી હતી.
આ તકે તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે. જેથી છેવાડાના માનવી સુધી પહોંચી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. ભાજપનું અરવલ્લીનું જિલ્લા સંગઠન, પેજ કમિટીની રચના વગેરે જોતા ભાજપ આગામી ચૂંટણીમાં અરવલ્લી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો જીતશે તેવું લાગે છે.
કોંગ્રેસ સામે બેઠક જાળવી રાખવાનો પડકાર
આપણે આગળ જોયું તેમ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર ગત વિધાનસભા ચૂંટણીમાં પાતળી સરસાઈથી જીત્યા હતા. આ વખતે AIMIM કોંગ્રેસના વોટ તોડી શકે તેવી વકી છે. આ વિસ્તારમાં લઘુમતી વોટ પણ ખૂબ મહત્વના છે.
ગત વર્ષે અરવલ્લીની મોડાસા નગરપાલિકામાં ઓવૈસીની પાર્ટી AIMIMએ 12 માંથી 9 બેઠકો કબજે કરી હતી. કુલ 36 બેઠકમાંથી 19 બેઠક ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી. જ્યારે આઠ બેઠક પર રાષ્ટ્રિય કૉંગ્રેસ અને 9 બેઠક પર AIMIMની જીત થઈ હતી.
એટલે કે મોડાસા નગરપાલિકામાં ઓવૈસીની પાર્ટી વિપક્ષની ભૂમિકામાં હતી. આવી રીતે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી કોંગ્રેસના મત કાપશે તો કોંગ્રેસ માટે આ બેઠક જાળવી રાખવી મુશ્કેલ બનશે.
મોડાસા પંથકમાં વિકાસકામોનો અભાવ
મોડાસા પંથકમાં અનેક વિસ્તારો આજે પણ વિકાસ ઝંખે છે. અરવલ્લી જિલ્લો જાહેર થયા 9 વર્ષથી વધુ સમયગાળો વીતી ગયો છે, છતાં પણ આ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલની માંગ સંતોષાઈ નથી. જેથી આરોગ્યની સગવડ ખાડે ગઇ હોવાનું કહી શકાય. આ વિસ્તારમાં વિવિધ પ્રશ્નોએ તંત્રને અવારનવાર રજૂઆતો થતી હોય છે.