હાર્દિક પટેલ, અરવલ્લી : અરવલ્લી જિલ્લો (Aravalli District) રાજ્યનો સરહદી જિલ્લો છે. સાત લાખની વસ્તી ધરાવતા જિલ્લાના મુખ્ય મથક મોડાસા (Modasa) શહેરને રાજસ્થાન અને સ્થાનિક લોકો માટે આરોગ્યનગરી ગણવામાં આવે છે. જિલ્લામાં કોરોના સંક્રમણ (Coronavirus)માં 141 કેસ સામે 12 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આરોગ્યનગરી તરીકે ઓળખાણ ધરાવતો જિલ્લો હવે આરોગ્યની બાબતમાં પછાત બની રહ્યો છે. તારીખ 6 જૂન બાદ પાંચ લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે. આ તમામ પાંચ લોકોને મોડાસા કોવિડ હૉસ્પિટલ (Modasa Covid Hospital)માંથી હિંમતનગર સિવિલ ખાતે કોવિડમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન એક મહિલાના પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યા બાદ જ તેને વેન્ટિલેટર પર લેવામાં આવી હતી. આ કારણે તેણીનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગત મંગળવારે અમદાવાદ એરપોર્ટ ખાતે સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતી 30 વર્ષીય મહિલા પૂનમબેન રાઠોડને કોરોનાના લક્ષણો આવતા મહિલાનાં પતિ દ્વારા તેને અમદાવાદ સિવિલમાં લઇ જવામાં આવી હતી. જ્યાંથી મહિલાને હિંમતનગર સિવિલમાં લઇ જવા કહેવાયું હતું. કારણ કે મહિલાનું પિયર સાબરકાંઠા જિલ્લો છે. મોડાસાના લીંભોઇની પરિણીતાને હિંમતનગર સિવિલમાં કોવિડ ટેસ્ટ માટે ખસેડાતા મંગળવારે રાત્રે 10 વાગ્યે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં રાત્રે 10:15 કલાકે મહિલાને વેન્ટિલેટર પર લઇ જવામાં આવી હતી. અહીં રાત્રે 12:15 વાગે મહિલાનું મોત નિપજ્યું હતું.
રિપોર્ટ પોઝિટિવ આવ્યાના માત્ર બે કલાકમાં જ મહિલાનું મોત થતા મોત થતા પરિવાર ઘેર શોકમાં સરકી ગયો છે. હવે અહીં સવાલ એ ઊભો થાય છે કે શા માટે કોરોના રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવી? રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જ મહિલાને કેમ વેન્ટિલેટર પર લેવામાં આવી? શું રિપોર્ટની રાહે સારવાર ન કરવામાં આવતા દર્દીઓનાં મોત થઈ રહ્યા છે?
" isDesktop="true" id="989559" >
મોડાસા શહેરની કોવિડ હૉસ્પિટલમાંથી હિંમતનગર ખસેડાતા દર્દીઓની વાત કરીએ તો મોડાસાથી હિંમતનગર જતા બે કલાક જેટલો સમય લાગતો હોય છે. આ સમયગાળામાં ગંભીર દર્દીની સ્થિતિ બદતર બની જાય છે. અરવલ્લી જિલ્લામાં 15 જેટલા વેન્ટિલેટર હોવા છતાં તેનો કોઈ ઉપયોગ નથી થતો. આ પાછળનું કારણ એવું છે કે વેન્ટિલેટરના ઑપરેટર અને યોગ્ય ફિઝિશિયન ડૉક્ટરનો અભાવ છે. કોવિડ દર્દીઓ મામલે વેન્ટિલેટર જીવનથી મોત સુધીના રસ્તાને અટકાવનાનું કામ કરે છે ત્યારે આંકડાની માયાઝાળમાં દર્દીઓ મોતના રસ્તે જઈ રહ્યા છે. ગુજરાતનાં કોરોના મોડેલમાં વેન્ટિલેટર પર ઓછા દર્દી છે તેવું બતાવવાની હોડમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે.