Home /News /north-gujarat /ભાજપને ટિકિટ ન આપવી પડી ભારે, બાયડમાં ધવલસિંહનો અપક્ષમાંથી વિજય
ભાજપને ટિકિટ ન આપવી પડી ભારે, બાયડમાં ધવલસિંહનો અપક્ષમાંથી વિજય
બાયડમાં ધવલસિંહનો વિજય
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામમાં અપક્ષ ઉમેદવારોએ પણ ભાજપને માત આપી છે અને ભારે મતોથી જીત હાસિલ કરી છે. જણાવી દઈએ કે, બાયડમાં ધવલસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેમની બહુમતી સાથે જીત મેળવી છે.
અમદવાદ; ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. ત્યારે આ વર્ષે જીતેલી બેઠકો રેકોર્ડ બ્રેક હોઈ શકે છે. ત્યારે થોડી બેઠક એવી પણ છે, જેમાં અપક્ષ ઉમેદવારોએ ભાજપને માત આપી છે અને ભારે મતોથી જીત હાસિલ કરી છે. જણાવી દઈએ કે, બાયડમાં ધવલસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેમની બહુમતી સાથે જીત મેળવી છે.
જણાવી દઈએ કે, કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથીખરાબ પ્રદર્શન કર્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાએ બાજી મારી છે. જણાવી દઈએ કે, ભાજપે ટિકિટ ન આપતા ધવલસિંહ ઝાલાએ બળવો કર્યો હતો, આ બાદ તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ધવલસિંહ ઝાલાને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા.
વિધાનસભા ચૂંટણી પરિણામમાં ધવલસિંહ ઝાલાની જોરદાર જીત થઈ છે. ધવલસિંહ ઝાલા 6100 મતે જીત્યા છે. જણાવી દઈએ કે, આ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક હતી, જેમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. અહીં કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર વાઘેલાની હાર થઈ છે.
બાયડ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું મુખ્ય મથક છે. બાયડ અરવલ્લી જિલ્લાનું સૌથી વિક્સીત નગર ગણાય છે. આ સાથે જ બાયડ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 32 નંબરની બેઠક છે. બાયડની વિધાનસભા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે.
બાયડ વિધાનસભામાં બે તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે, જેમાં બાયડ તાલુકા પંચાયતમાં ભાજપ અને માલપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. બાયડ વિધાનસભામાં બાયડ નગરપાલિકાનો સમાવેશ થાય છે, જ્યાં હાલ ભાજપ અને એનસીપીનુ ગઠબંધન શાસનમાં છે. બાયડ વિધાનસભા બેઠક પર કુલ 231000 જેટલા મતદારો છે, જેમાં 118817 પુરુષ મતદારો અને 112286 મહિલા મતદારો છે.
જાતિગત સમીકરણો
બાયડ વિધાનસભા બેઠક લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. આ બેઠકના જાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં પાટીદારો અને ઠાકોર ક્ષત્રિયોનું પ્રભુત્વ જોવા મળે છે. આ બેઠક પર ક્ષત્રિય ઠાકોર 126000, પાટીદાર 31000, ચૌધરી 9000, દલિત 12000, મુસ્લિમ 5000 અને અન્ય 43500 મતદારોનો સમાવેશ થાય છે.
રાજકીય સમીકરણો
આ બેઠક પર કોંગ્રેસનુ વર્ચસ્વ રહ્યું છે. 1998થી 2012 સુધી બાયડનો રાજકીય ઈતિહાસ રોચક કહી શકાય. કેમ કે અહીં એક ટર્મ ભાજપના ધારાસભ્ય હતા, તો એક ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા હતા. અત્યાર સુધી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી માત્ર 3 વખત જીત મેળવી શકી છે. જેમાં વર્ષ 1990, 1998 અને 2007ની વિધાનસભા ચૂંટણીઓ સામેલ છે. 2012માં આ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા.
હવે વાત કરીએ, 2017ની તો અહીં 2017ની ચૂંટણીમાં ધવલસિંહ ઝાલા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ જતા પેટાચૂંટણી યોજાઈ હતી. 2019માં બાયડ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી ઉમેદવારી કરી હતી અને કોંગ્રેસે જશુભાઈ પટેલને ટિકિટ આપી હતી. જોકે ધવલસિંહ ઝાલાને પ્રજાએ જાકારો આપ્યો હતો અને જશુભાઈનો વિજય થયો હતો.
વર્ષ 2012 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી બાયડ વિધાનસભામાં 37900 મતોની સરસાઈથી વિજયી બનેલા મોટા નેતા અને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.
રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યા બાદ વર્ષ 2018માં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા. મહેન્દ્રસિંહ વાઘેલા અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. જોકે ભાજપ સાથે જોડાયાના માત્ર ત્રણ મહિના બાદ જ લોકસભાની ચૂંટણી પહેલા મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપનો સાથે છોડી દીધો હતો.
તો 2017ની વિધાનસભા ચૂંટણીના થોડા સમય બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પોતાના રાજકીય સાથીદાર ધવલસિંહ સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. જીતુ વાઘાણી દ્વારા ખેસ પહેરાવી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં બંનેને સામેલ કરવામાં આવ્યા હતા. જો કે 2019ની પેટાચૂંટણીમાં લોકોએ પક્ષપલટું ધવલસિંહને જાકારો આપ્યો હતો.
સ્થાનિક મુદ્દાઓની વાત કરવામાં આવે તો રોજગારી, શિક્ષણનો મુદ્દો મહત્વનો છે. જનતાની સૌથી મોટી માંગ છે કે જિલ્લામાં સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવે, જેથી તમામ સારવાર જિલ્લામાં જ મળી રહે. ગામડાઓના વિસ્તારમાં પાણી સમયસર આવતું નહોવાથી સ્થાનિકોએ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરી આપવા સરકાર પાસે માંગ કરી છે. સાથે જ સમયસર હેન્ડપંપ રિપેર ન થતા હોવાની સ્થાનિક લોકોની રજૂઆત છે.
રોજગારી મળી રહે તે હેતુથી આ વિસ્તારમાં કોઈ કંપની અથવા જીઆઈડીસી સ્થપાય તેવી પણ માંગ ઉઠી છે. લોકોની પ્રાથમિક સુવિધાઓમાં અનેકની માંગ છે, જેમાં ગટર લાઈન પણ સામેલ છે. સાથે જ તેઓની ફરિયાદ પણ છે કે જ્યારે પણ તેઓ પોતાની ફરિયાદ લઈને જાય છે, ત્યારે અધિકારીઓ સંતોષકારક જવાબ આપતા નથી.
વિવાદો
વર્ષ 2018માં સ્થાનિક ધારાસભ્ય રહી ચૂકેલા ધવલસિંહ ઝાલા વિરુદ્ધ હસમુખ પટેલ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી. બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ માછીમારીના કોન્ટ્રાકટર પાસે 40 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હોવાની ફરિયાદ દાખલ થઇ હતી.
ફરિયાદની સાથે સાથે પુરાવા તરીકે વેપારીએ ધારાસભ્ય સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ પણ સબમીટ કરાવી હતી. ધવલસિંહ ઝાલાએ અગાઉ ગામના લોકોને ઉશ્કેરીને માછીમારીનું કામ બંધ કરાવી દીધું હતુ અને બાદમાં ફોન કરીને રૂ. 40 લાખની ખંડણી માંગી હતી.
આ ઉપરાંત અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સભ્યપદને પડકારતી અરજીના મુદ્દે અરજદારને 11 કરોડ રૂપિયાનું પ્રલોભન અપાયાનો આક્ષેપ પણ તેમના પર થયો હતો. કેસ કેસ પાછો ખેંચી લેવા તેમજ સુપ્રિમમાં અપીલ ન કરવાની માંગ બદલ 11 કરોડનું પ્રલોભન અપાયાનું કહેવામાં આવ્યું હતું.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર