અરવલ્લી: PSIએ દારૂ પીને મચાવી ધમાલ, પૂર ઝડપે જીપ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં

દારૂ પીને PSIની ધમાલ.

મેઘરજના ઇસરીના PSI બી.એલ. રોહિતે દારૂ પીને ધમાલ મચાવી હતી. દારૂ પીને ડમડમ બનેલા PSI જીપમાં સવાર થઈ ગયા હતા અને શૂરાતન ચઢ્યું હોય તેમ પૂર ઝડપે જીપ ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

 • Share this:
  અરવલ્લી: ગુજરાતમાં દારૂબંધી છે. એટલે કે અહીં દારૂ પીવો અને તેનું વેચાણ કરવું ગેરકાયદે છે. જોકે, અહીં માંગો ત્યાં અને માંગો એ બ્રાન્ડનો દારૂ મળે રહે છે તે નરી વાસ્તવિકતા છે. ક્યાંક છાનાછૂપો તો ક્યાંક અધિકારીઓની રહેમ નજર હેઠળ જ દારૂની હેરાફેરી થતી હોય છે. રાજ્યમાં દારૂના વેચાણ અને પીવા બદીને અટકાવવાની જવાબદારી પોલીસની છે. હવે પોલીસ જ જો દારૂ પીને ધમાલ મચાવે તો ફરિયાદ કરવા કોની પાસે જવું? રાજ્યના સરહદી અરવલ્લી જિલ્લામાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં એક પીએસઆઈએ દારૂ પીને ધમાલ મચાવી હતી.

  અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ખાતે પીએસઆઈએ દારૂ પીને ધમાલ મચાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, પીએસઆઈએ અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. હાલ આ પીએસઆઈની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની સામે બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો: બીજાપુર અથડાણ: નક્સલીઓએ પાંચ દિવસ સુધી CRPF જવાબ સાથે શું કર્યું? સવાલ-જવાબમાં જાણો

  પીએસઆઈની ધમાલ

  મેઘરજના ઇસરીના PSI બી.એલ. રોહિતે દારૂ પીને ધમાલ મચાવી હતી. દારૂ પીને ડમડમ બનેલા PSI જીપમાં સવાર થઈ ગયા હતા અને શૂરાતન ચઢ્યું હોય તેમ પૂર ઝડપે જીપ ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ અંગે વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે પીએસઆઈ દારૂના નશામાં ડમડમ થઈ ગયા હોવાથી જીપ આગળ પાછળ કરી રહ્યા છે.

  આ પણ વાંચો: અમદાવાદ: BRTS કોરિડોરમાં ખાનગી વાહનો ચલાવી શકાશે, જાણો નિયમ

  પીએસઆઈની અટકાયત

  આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ રાજ્ય જિલ્લા એસ.પી. સંજય ખરાતે પીએસઆઈ સામે કડક પગલા ભરવાનો અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત પીએસઆઈની અટકાયત કરી દેવામાં આવી છે. પીએસઆઈ સામે દારૂ પીવાનો અને બેદરકારીથી વાહન હંકારવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પીએસઆઈ સામે પગલાં ભરાયા છે.

  આ પણ વાંચો: વાપી: લગ્ન પ્રસંગ માટે લવાયેલો પાંચ લાખનો વિદેશી દારૂ મળ્યો, ત્રણ જાણીતા વેપારીની ધરપકડ

  આ અંગે વાયરલ થઈ ગયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગામની એક શેરી ખાતે એકઠા થઈ ગયેલા કેટલાક લોકો પીએસઆઈની જીપ અટકાવીને તેમને નીચે ઉતારવાનો પણ પ્રયાસ કરે છે. જોકે, પીએસઆઈ બેફામ રીતે જીપ હંકારીને નાસી જાય છે. આ દરમિયાન એક એસ.ટી. બસને પણ જોઈ શકાય છે. પીએસઆઈ જે રીતે જીપ હંકારી રહ્યા હતા તેનાથી બસ સાથે જીપની ટક્કર પણ થઈ શકતી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: