અરવલ્લીઃ શામળાજીના વેણપુર પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાવાનો બનાવ બન્યો છે. રૂ.58 લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેઇનર જપ્ત કરવામાં આવ્યું છે. ખોટા એન્જિન અને ચેસીસ નંબરવાળા કન્ટેનરમાં 962 પેટી વિદેશી દારૂ મળ્યો છે.
મળતી વધુ વિગત મુજબ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કહેવા માટે છે, બાકી ગુજરાતમાં બૂટલેગરો કોઈ પણ ડર વગર દારૂ ઘૂસાડતાં જરા પણ ખચકાતા નથી. જાણે કે તેમને કોઈ ડર જ ન હોય એ રીતે બહુ સરળ રીતે દારૂની હેરાફેરી કરતા હોય છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વિદેશી દારૂ પકડાવાના બે બનાવ બન્યા છે. બાતમીને આધારે પોલીસે શામળાજીના વેણપુર પાસે પસાર થઈ રહેલા કન્ટેઇનરને અટકાવી તપાસ કરી હતી. પોલીસ-તપાસમાં વિદેશી દારૂ ભરેલું કન્ટેઇનર જપ્ત કરવામાં આવ્યું છે. ખોટા એન્જિન અને ચેસીસ નંબર ધરાવતા કન્ટેનરમાંથી 962 પેટી દારૂ મળ્યો છે. જપ્ત કરાયેલો વિદેશી દારૂની કિંમત આશરે રૂ.58 લાખ થાય છે. પોલીસે વિદેશી દારૂના કન્ટેઇનર અને બે આરોપી સહિત રૂ.69 લાખનો મુદામાલ જપ્ત કરી લીધો છે.
કેટલીક વખત પોલીસ બૂટલેગરોને પકડવા જાય ત્યારે તેઓ તલવાર કે બીજા હથિયાર વડે હુમલો કરી દેતા હોય છે. આવી એક ઘટના નર્મદા જિલ્લામાં પણ બની છે. નર્મદાના ડેડિયાપાડાના ભરાડામાં મળેલી બાતમીને આધારે બૂટલેગરોને અટકાવા જતાં પોલીસ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. 4 બૂટલેગરોએ LCBની ટીમ પર જ તલવાર વડે ઘાતકી હુમલો કર્યો હતો. જોકે પોલીસે આ સમગ્ર મામલે દારૂના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર