હાર્દિક પટેલ, અરવલ્લી : અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાં ચાર રસ્તા પાસે બજારમાં બપોર દરમિયાન લોખંડના વીજળીના થાંભલામાં એક કબૂતર ફસાઈને તરફડિયાં મારતું હતું, તેનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડેલા શ્રમજીવી યુવાનને વીજકરંટ લાગવાથી જમીન પર પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે માલપુરના ચાર રસ્તા પાસે રોડ પર લોખંડના વીજપોલમાં કબૂતર ફસાયુ હતું.બજારમાં લોકોની ભીડ હતી અને લોકો થાંભલામાં ફસાયેલા કબૂતરને જોઈ તોરહ્યા હતા, પરંતુ કોઈએ કબૂતરને બચાવવાની કોશિશ કરી ન હતી. ત્યારે દિલીપભાઇ નામના ઈસમ બજારમાંથી પસાર થઇ રહ્યા હતા તેમની નજરે પક્ષી વીજતારમાં ફસાયાનું દ્રશ્ય જોવા મળતા જ તેમને લોખંડની પાઇપ આગળ લાકડી બાંધી દીધી હતી, અને તરફડિયાં મારતા કબૂતરને બચાવવા માટે ક્ષણભરનો પણ વિચાર કર્યા વિના તેમણે થાંભલા પર ચડવાનું નક્કી કરી લીધું હતું. ત્યારે કબૂતરને કાઢવા માટે લાંબી લાકડી ન મળતાં દિલીપ ભાઈએ લોખંડની પાઈપ આગળ લાકડાનો ડંડો બાંધી દીધો હતો અને થાંભલા પર ચડવાની શરૂઆત કરી હતી. એ દરમિયાન દિલીપભાઈ પર બજારમાં કોઈએ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ એક નાગરિક દ્વારા દિલીપભાઈ દ્વારા કરાતા બચાવ કાર્યનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી રહ્યો હતો.
દિલીપભાઈ વીજ થાંભલા પર ચડીને ડંડા વડે વીજ તારમાંથી બચવા માટે તરફડિયાં મારતા કબૂતરને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ દરમિયાન ડંડો તારને અડી ગયો હતો અને અચાનક જ ધડાકાભેર સ્પાર્ક સાથે વીજળીનો ઝાટકો દિલીપભાઈને લાગ્યો હતો, જેને કારણે દિલીપભાઈ છેક ઊંચાઈ પરથી જમીન નીચે પટકાયા હતા જેને કારણે તેમને માથામાં ગંભીર ઈજાઓ થતાં પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. ઘડી ભરમાં થાંભલા પર ચડેલા દિલીપભાઈ જમીન પર પટકાતાં આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા. તેમને સારવાર અર્થે ખસેડાય એ પહેલા જ તેમનું કરુણ મોત થતાં શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડયું હતું.
માલપુર ગામના રહેતા આશરે 35 વર્ષીય દિલીપભાઈ વાઘેલાના પરિવારમાં પત્ની રેખાબેન તેમજ બે પુત્ર પવન અને બોબી તેમજ પુત્રી તુલસી છે. દિલીપભાઈ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શરૂઆતથી જ દિલીપભાઈ પશુપક્ષીઓ પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા હતા.ત્યારે તેમનો પક્ષી પ્રેમ જીવ બચવાની ઝંખનાથી તેમને થાંભલા પાર ચડાવી ગયો પણ તેમને છેવટે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે ત્યારે સેવાકાર્ય સાથે સાવચેતી કેટલી જરૂરી છે તે આ ઘટના દ્વારા જોઈ શકાય છે. ત્યારે હાલતો ગરીબ પરિવાર પાર આભ તૂટી પડ્યું છે અને પરિવાર આક્રંદ કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર