Home /News /north-gujarat /અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, જિલ્લાના તમામ ડેમો ઑવરફ્લો, ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, જિલ્લાના તમામ ડેમો ઑવરફ્લો, ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા
માઝુમ ડેમ
માઝુમ ડેમ આઠ હજાર ક્યુસેક પાણીની આવર થઈ રહી હોવાથી ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલતા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે.
હર્મેશ સુખડિયા/ હાર્દિક પટેલ, અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં રવિવારે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના તમામ ડેમો ઑવરફ્લો થયા છે. માઝુમ ડેમ આઠ હજાર ક્યુસેક પાણીની આવર થઈ રહી હોવાથી ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલતા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે. મેશ્વો ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ ઉપરાંત વાત્રક, વૈડી, લાંક, વારાશી ડેમો ઑવરફ્લો થયા છે.
હાથમતી નદીમાં ધોડાપૂર
સોમવારે રાતના ભારે વરસાદને પગલે અરવલ્લીની હાથમતી નદીમાં ધોડાપૂર આવ્યા છે. હાથમતી નદી અરવલ્લીના ભિલોડામાં તાલુકામાં આવેલી છે. ડેમમાંથી ચાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે. ગઈકાલે ભિલોડાની આસપાસ સાત ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. તાલુકાની બંને નદીઓ હાથમતી અને બુઢેલીમાં ધોડાપૂર આવતા અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. મંગળવારે સવારે રસ્તાઓ પરથી પાણી ઉતરી જતાં રસ્તાઓ શરૂ કરાયા હતા.
મેશ્વો નદીમાં ધોડાપૂરથી રસ્તો બંધ
અરવલ્લીની મેશ્વો નદીમાં ધોડાપૂરથી શામળાજી પાસે આર્ટ્સ કોલેજનો રસ્તો બંધ થઈ ગયો છે. રસ્તો બંધ થતાં પ્રોફેસર સહિત એક હજાર જેટલા વિદ્યાર્થીઓ અટવાયા હતા. જેના પરિણામે આજે લેવામાં આવનારી પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. હવે આગામી પાંચમી તારીખે પરીક્ષા યોજાશે.
ધોલવાણી ગામમાં પાણી પાણી
જિલ્લામાં ભારે વરસાદને પગલે ધોલવાણી ગામમાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. ખેતરોમાં ઘૂંટણસમાં પાણી જોવા મળ્યા છે. પાણીને કારણે રસ્તાઓ બંધ થતાં લોકોને આવવા અને જવામાં મુશ્કેલી પડી રહી છે. ખેતરો પણ પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નકુસાન સહન કરવું પડ્યું છે.