મહિલા પોલીસકર્મીના પ્રેમમાં યુવકે પત્ની અને 2 બાળકોની કરી હત્યા, પોતાને મૃત જાહેર કરવા મિત્રની પણ કરી ઘાતકી હત્યા

પોલીસ બેસમેન્ટમાં ખોદકામ કરીને સાબિતી એકઠી કરી રહી છે

Murder news- પોતાની ઓળખ છુપાવીને પ્રેમિકા સાથે રહેતો હતો

 • Share this:
  નોઇડા : યૂપીના નોઇડામાં (Noida) મહિલા પોલીસકર્મીના પ્રેમમાં દીવાના બનેલા એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે માસૂમ બાળકોની હત્યા (Murder)કરી લાશને બેસમેન્ટમાં દાટી દીધી હતી. આ પછી પોતાના મિત્રની હત્યા કરી પોતાના ડોક્યુમેન્ટ છોડીને પોતાના મૃત જાહેર કરવા ષડયંત્ર રચ્યું અને પોતાની પ્રેમિકા સાથે ઓળખ છુપાવીને રહી રહ્યો હતો. જોકે મિત્રની હત્યાની તપાસ કરી રહેલી કાસગંજ પોલીસે (Police)શંકાના આધારે તેને પકડ્યો હતો. જેમાં તેણે પોતાની પત્ની અને પોતાના બે બાળકોની હત્યાની વાત કબૂલ કરી હતી. હવે પોલીસ બેસમેન્ટમાં ખોદકામ કરીને સાબિતી એકઠી કરી રહી છે.

  આ કેસ ગૌતમ બુદ્ધ નગરના (Gautam Buddha Nagar) બિસરખ પોલીસ સ્ટેશન અંતર્ગત ચિપિયાના બુર્જ ગામનો છે. જાણકારી પ્રમાણે રાકેશના 2012માં એટામાં રહેતી મહિલા રત્નેશ સાથે લગ્ન થયા હતા. જોકે રાકેશનું તેના ગામની રુબી સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. જેને 2015માં પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળી હતી. જ્યારે રુબીએ રાકેશ પર લગ્નનું દબાણ કર્યું તો તેણે 14 ફેબ્રુઆરી 2018ના રોજ પોતાની પત્ની રત્નેશ અને બે બાળકો (3 વર્ષનો અર્પિત અને 2 વર્ષની અવની)ની હત્યા કરીને લાશને ઘરના બેસમેન્ટમાં દાટી દીધી હતી. કોઇને ખબર ના પડે તે માટે તેની ઉપર સિમેન્ટનો ફર્શ બનાવી દીધો હતો. આ ગુનામાં રાકેશના પિતા બનવારી લાલ, માતા ઇન્દુમતી, ભાઈ રાજીવ અને પ્રવેશ સામેલ હતા. રાકેશના પિતા પોલીસમાંથી નિવૃત્ત થયા છે.

  આ પણ વાંચો - બિરયાની અને પૂરી-શાકભાજીના ઓર્ડરમાં મોડું થયું તો સ્વિગીના એજન્ટે રેસ્ટોરન્ટના માલિકને ગોળી મારી

  પછી રચ્યો પોતાના મોતનો પ્લાન

  રાકેશ આ હત્યાઓ કર્યા પછી પોતાની ઓળખ છુપાવીને પ્રેમિકા રુબી સાથે રહેતો હતો. તેને ડર હતો કે તેની ઓળખ જાહેર ના થઇ જાય. તેથી તેણે બીજી એક હત્યાનો પ્લાન કર્યો હતો. 25 એપ્રિલ 2021ના રોજ પોતાના મિત્રની હત્યા કરી દીધી હતી. તેની લાશને ખરાબ રીતે કચડી નાખી હતી જેથી તેની ઓળખ ના થાય. આ પછી પોતાનું આધાર કાર્ડ અને એલઆઈસીના પેપર રાખી દીધા હતા જેથી પોલીસને લાગે કે તેની હત્યા થઇ છે.

  કાસગંજની ઢોલના પોલીસે હત્યાની તપાસ કરી તો શંકાની સોય રાકેશ પર આવી હતી. જ્યારે પોલીસે તેની ધરપકડ કરીને કડકાઇથી પૂછપરછ કરી તો તેણે પોતાની પત્ની અને બે બાળકોની હત્યા વિશે પણ જણાવ્યું હતું. હવે કાસગંજ પોલીસ તથ્યોની પૃષ્ટી અને સાબિતી માટે તેમના ઘરમાં ખોદકામ કરી રહી છે.
  Published by:Ashish Goyal
  First published: